Ahmedabad: શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડોના દાગીનાની લૂંટ કરનારા 2 ઝડપાયા, એક મહિનાની રેકી અને 3ની ટીમ બનાવીને કેવી રીતે કરી લૂંટ, જાણો સમગ્ર વિગતો
પકડાયેલા બન્ને આરોપી (accused) ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે. ત્યારે મુખ્ય આરોપી વિરુદ્ધ લૂંટ અને ચોરીના અનેક ગુનાઓ છે, જેમાં પોલીસે ચોપડે બે થી ત્રણ કેસમાં વોન્ટેડ છે.
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલ બેગની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલીને બે આરોપીની ધરપકડ કરી 1.97 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે મુખ્ય આરોપી સહિત 4 આરોપી હજી ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં રહેલ નિખિલ રાઠોડ અને કૌશિક ઉર્ફે પાંગા ઘમડે સહિત ફરાર ચાર આરોપીઓ ભેગા મળી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો, લૂંટ કરવા આરોપી ટોળકીએ માસ્ટર પ્લાન બનાવ્યો હતો. આ ટોળકીએ કેવી રીતે લૂંટને અંજામ આપ્યો તેની વિગતો આ પ્રમાણે છે.
શું હતી ઘટના?
સીજી રોડ પર આવેલ એસ.એસ.તીર્થ ગોલ્ડ પેઢીના બે કર્મચારીઓ સોનાના દાગીના લઈ એક્ટિવા પર શાહપુર મેટ્રો સ્ટેશન પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન લૂંટારું ટોળકીએ 2.81 કરોડના સોનાનાં દાગીના ભરેલી બેંગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેમાં સીસીટીવી આધારે તપાસ કરતા ક્રાઇમ બ્રાંચે પ્રાથમિક તપાસમાં છારાનગરની ટોળકી હોવાનું સામે આવ્યું હતું.
એક મહિનો રેકી કરીને લૂંટ કરવાનો બનાવ્યો પ્લાન
આટલી પ્રાથમિક માહિતી પ્રમાણે કુબેરનગરમાંથી બન્ને આરોપી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 4.900 કિલો સોનાના અલગ અલગ દાગીના કે જેની કિંમત 1.97 કરોડ હતી, તે મુદ્દામાલ કબ્જે કર્યો છે. મુખ્ય ફરાર આરોપી મનીષ ઉર્ફે સિંધી દ્વારા લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરવા બાઈક પર નીકળેલા આરોપીમાં નિખિલ રાઠોડ અને ફરાર આરોપી મનીષ ઉર્ફે મનોજ સિંધી હતા. જેમાં નિખિલ બાઈક ચલાવતો હતો અને સોનાના દાગીના ભરેલી બેગ મનોજ સિંધી દ્વારા ઝૂંટવી લૂંટ ચલાવવામાં આવી હતી.
ત્યારે પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી કૌશિક ઘમડે લૂંટ કરવા ટુ વ્હીલર બાઈક અને ડુપ્લીકેટ નંબર પ્લેટની વ્યવસ્થા કરી હતી. આમ લૂંટના પ્લાનમાં 6 લોકોની સંડોવણી સામે આવી છે. જેમાં લૂંટ કરવા 3થી વધુ શખ્સોની ટુકડી બનાવી હતી અને છેલ્લા એક મહિનાથી રેકી કરતા હોવાનું સામે આવ્યું છે. આમ હજી પણ કરોડો રૂપિયાનો લૂંટનો મુદ્દામાલ ફરાર આરોપી પાસે છે. જેથી આરોપી પકડવા ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમ શોધખોળ કરી રહી છે.
ઝડપાયેલા આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ
પકડાયેલા બન્ને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે. ત્યારે મુખ્ય આરોપી વિરુદ્ધ લૂંટ અને ચોરીના અનેક ગુનાઓ છે, જેમાં પોલીસે ચોપડે બેથી ત્રણ કેસમાં વોન્ટેડ છે. ત્યારે ક્રાઇમ બ્રાંચની હાથમાં મુખ્ય આરોપી સહિત ચાર આરોપી ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.