આજથી CBSE-10 અને 12ની પરીક્ષાઓ શરૂ, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતાં પહેલા આ મહત્વપૂર્ણ નિયમો જાણવા જોઈએ
CBSE 10th,12th Exam 2024 : આજથી એટલે કે 15 ફેબ્રુઆરીથી CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. એડમિટ કાર્ડ જાહેર થઈ ગયા છે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ મેળવી નથી, તેઓ તેમની સંબંધિત શાળાઓમાંથી મેળવી શકે છે. પરીક્ષા CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ લેવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે એટલે કે 15 ફેબ્રુઆરી 2024ના રોજ CBSE 10મી અને 12મી બોર્ડ પરીક્ષા 2024 લેવામાં આવશે. 10ની પરીક્ષા 13 માર્ચ સુધી અને 12મીની પરીક્ષા 2 એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઈએ બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ પહેલેથી જ જાહેર કરી દીધી હતી. CBSE એ પરીક્ષા માટે વિગતવાર ગાઈડલાઈન પણ જાહેર કરી છે, જેનું તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.
45 મિનિટ પહેલા એક્ઝામ કેન્દ્ર પર પહોંચો
વિદ્યાર્થીઓએ તેમની હોલ ટિકિટ અને તેમના સ્કૂલ આઈડી કાર્ડ સાથે સેન્ટર પર જવાનું રહેશે. પરીક્ષાઓ સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 45 મિનિટ પહેલા સવારે 9:45 વાગ્યા સુધીમાં કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. 10માં ધોરણની પરીક્ષા પેઇન્ટિંગ, ગુરુંગ, તમાંગ અને શેરપાના પેપર સાથે શરૂ થશે.
જ્યારે પેઇન્ટિંગની પરીક્ષા સવારે 10.30 થી 12:30 સુધીના બે કલાકના સમયગાળા માટે લેવામાં આવશે. 12મીની પરીક્ષા ફિઝિકલ એક્ટિવિટી ટ્રેનરનું સવારે 10.30 થી 12.30, ઉદ્યોગ, કોકબોરોક અને કેપિટલ માર્કેટ ઓપરેશનનું પેપર સવારે 10.30 થી 1:30 દરમિયાન લેવામાં આવશે.
આ વિદ્યાર્થીઓને મળી છે છુટ
જ્યારે ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં ચોકલેટ, ફળો અને નાસ્તો લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. CBSEએ જાહેર કરેલી નોટિસ અનુસાર, વિદ્યાર્થીઓને પારદર્શક બેગમાં સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. પરીક્ષા માર્ગદર્શિકા સંબંધિત વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ CBSE અને તેમની સંબંધિત શાળાઓની ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરી શકે છે.
CBSE એ જાહેર કર્યું એલર્ટ
CBSE એ સોશિયલ મીડિયા હેન્ડલ્સની યાદી બહાર પાડી હતી, જે CBSEના નામ અને લોગોનો ઉપયોગ કરીને અફવા ફેલાવી રહ્યા હતા. બોર્ડે વિદ્યાર્થીઓને આ હેન્ડલ્સ પર વિશ્વાસ ન કરવા ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત બોર્ડે કહ્યું કે, કોઈપણ માહિતી માટે વિદ્યાર્થીઓ અને માતાપિતાએ CBSEની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.