World Bank એ ગ્લોબલ ગ્રોથ રેટના અંદાજમાં ઘટાડો કર્યો, જાણો ભારત અંગે શું જાહેર કરાયા અનુમાન
વર્ષ 2022માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આર્થિક વિકાસ દર 4.1 ટકા રહી શકે છે. આ પહેલા 2021 માટે 5.5 ટકા રહી હતી ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 8.3 ટકા રહી શકે છે.
વિશ્વ બેંક(World Bank) નું અનુમાન છે કે ભવિષ્યમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા વધુ ધીમી પડી શકે છે. બેંક દ્વારા જારી કરાયેલા અનુમાન મુજબ વર્ષ 2022માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આર્થિક વિકાસ દર 4.1 ટકા રહી શકે છે. આ પહેલા 2021 માટે 5.5 ટકા રહી હતી અને 2023 માટે 3.2 ટકા વૃદ્ધિનું અનુમાન છે. વિશ્વ બેંકે 2022 માટે તેના અંદાજમાં ઘટાડો કર્યો છે. વિશ્વ બેંક દ્વારા જૂન 2021માં જાહેર કરાયેલા અંદાજમાં 4.3 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૨ માટે વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર કોવિડ-19ની વધતી જતી અસર અને પુરવઠામાં સમસ્યાને કારણે સુસ્તી રહેશે.
એક અખબારી અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ વર્લ્ડ બેંકના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 8.3 ટકા રહી શકે છે. 2022-23માં 8.7 ટકા વૃદ્ધિની અપેક્ષા છે જ્યારે 2023-24માં આ આંકડો 6.8 ટકા હોઈ શકે છે. એટલે કે આંકડા મુજબ ભારતની સ્થિતિ વધુ સારી રહેશે. બેંકે 2021-22માં ભારત માટે તેના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. આગામી બે નાણાકીય વર્ષ માટેના અંદાજમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકના જણાવ્યા અનુસાર ભારતમાં સુધારાનો ફાયદો અને ખાનગી રોકાણમાં વધારો જોવા મળશે
અન્ય દેશો કેવું પ્રદર્શન કરશે?
વિશ્વ બેંકનો અંદાજ છે કે યુએસ અર્થતંત્ર આ વર્ષે 3.7 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે જે ગયા વર્ષના 5.6 ટકાથી નીચે છે. તેવી જ રીતે 2021માં 8 ટકાના દરે વૃદ્ધિ પામનાર ચીન 2022માં 5.1 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી ધારણા છે. યુરોપિયન દેશોનો સમૂહ આ વર્ષે 5.2 ટકાથી વધીને 4.2 ટકાના સામૂહિક દરે વૃદ્ધિ પામે તેવી ધારણા છે. જોકે, જાપાનનો વિકાસ દર આ વર્ષે 2.9 ટકા થઇ શકે છે જે ગયા વર્ષે 1.7 ટકા હતો. વિશ્વ બેંક અનુસાર ઉભરતી અર્થવ્યવસ્થાઓ અને વિકાસશીલ દેશો 2022માં 4.6 ટકાના સંયુક્ત દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે જે ગયા વર્ષે 6.3 ટકા હતી.
કેમ વિકાસ દર ધીમો પડ્યો ?
વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, નવા કોરોના વાયરસના વધતા કેસો, સરકારી નાણાકીય સહાયનો અભાવ અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં સ્થિરતાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો દૃષ્ટિકોણ ઘટ્યો છે. વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે કહ્યું, “વિશ્વ અર્થતંત્ર કોવિડ-19, મોંઘવારી અને નીતિની અનિશ્ચિતતાના પડકારનો સામનો કરી રહ્યું છે. સરકારી ખર્ચ અને નાણાકીય નીતિમાં પણ કેટલીક અનિશ્ચિતતા છે.”
આ પણ વાંચો : Petrol Diesel Price Today : જાણો આજના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ
આ પણ વાંચો : ITR Refund: આ નાની ભૂલને કારણે ટેક્સ રિફંડના પૈસા અટકી શકે છે!