રાહુલ ગાંધી ફરી ગુજરાતની બે દિવસની મુલાકાતે, સંગઠન સર્જન અભિયાન પ્રોજેક્ટનો ગુજરાતથી કરાવશે પ્રારંભ
કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન પૂરુ થયું છે ને એવામાં ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, શરૂ કરશે ‘સંગઠન સર્જન અભિયાન' પ્રોજેક્ટ પર કામ.
લોકસભામાં વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધીની એક જ અઠવાડિયામાં આ બીજી ગુજરાત મુલાકાત છે. 8, 9 એપ્રિલે અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના મહાઅધિવેશન બાદ રાહુલ ગાંધી ફરી 15, 16 એપ્રિલે ગુજરાતના મોડાસાની મુલાકાતે આવવાના છે.
હમણાં જ કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન પૂરુ થયું છે ને એવામાં ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે નિવેદન આપતા કહ્યું છે કે, જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત કરવામાં આવશે. આની જવાબદારી કોંગ્રેસનાં દેશભરનાં મોટા નેતાઓને સોંપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, સંગઠન સ્તરનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરાવવામાં આવશે. નિરીક્ષક પંચ જિલ્લાઓમાં જઇને યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે અને તેને જવાબદારી સોંપવામાં આવશે.
મોડાસામાં શું રહેશે રાહુલ ગાંધીનો કાર્યક્રમ
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં તેઓ 15 અને 16 એપ્રિલના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરાવશે. રાહુલ ગાંધી 15 એપ્રિલના રોજ મોડાસામાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક કરશે, ત્યારબાદ 16 એપ્રિલના રોજ ‘સંગઠન સર્જન અભિયાન’ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. બીજું કે, 16 એપ્રિલના દિવસે જ અરવલ્લીના આગેવાનો રાહુલ ગાંધીને મળશે અને તે બેઠકમાં રાહુલ ગાંધી કાર્યકરો સાથે સંવાદ કરશે.
With Input- Narendra Rathod- Ahmedabad