Chaiwala તરીકે ઓળખાતા PM નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ચાય ચુસ્કી કેન્દ્ર ધમધમતું થશે, જાણો શું હશે આકર્ષણ
ભારત વિશ્વમાં ચાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ભારતમાં 563.98 હજાર હેક્ટરમાં ચાના બગીચા છે જેમાંથી આસામ (304.40 હજાર હેક્ટર), પશ્ચિમ બંગાળ (140.44 હજાર હેક્ટર), તમિલનાડુ (69.62 હજાર હેક્ટર) અને કેરળ (35,000 હજાર હેક્ટર) ચાનું ઉત્પાદન કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રસંગોએ પોતાને ‘ચાયવાલા’ કહીને સંબોધતા રહ્યા છે. તેમના વિરોધીઓ પણ આ મુદ્દે વારંવાર તેમના ઉપર શાબ્દિક પ્રહાર પણ કરતાં હોય છે. નરેન્દ્ર મોદીના વતન ગુજરાતમાં હવે ટી બોર્ડ ટૂંક સમયમાં આકર્ષક પ્રયોગ કરવા જઈ રહ્યું છે. ગુજરાતમાં ‘ચાય ચુસ્કી કેન્દ્ર’ ખોલવામાં આવશે જ્યાં વિવિધ પ્રકારની ચાની મજા માણી શકાશે. ભારતે તાજેતરમાં જ G20 દેશોનું પ્રમુખપદ મેળવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ટી બોર્ડ આવતા વર્ષે ગુજરાતમાં ‘ટી એક્સપિરિયન્સ ઝોન’ ખોલશે. અહીં વિવિધ પ્રકારની ચાની ચુસ્કીઓ લઈ શકાય છે અને માણી શકાય છે. એજન્સીએ ચા ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉભું કરાશે આકર્ષણ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતના કેવડિયામાં છે. જૂન 2023માં કેવડિયામાં અહીં ‘ચાય ચુસ્કી કેન્દ્ર’ સ્થપાશે.આ કેન્દ્રને અલાયદું બનાવવાની જવાબદારી ટી બોર્ડની રહેશે.
વાણિજ્ય મંત્રાલયે ભારતના G-20 અધ્યક્ષપદને લગતી કેટલીક પ્રવૃત્તિઓ અને પ્રમોશનનું નેતૃત્વ કરવા માટે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG) ની રચના કરી છે. આ ‘ચાય ચુસ્કી કેન્દ્રો’ પર, ચા કંપનીઓને ભારતમાં ઉગાડવામાં આવતા પીણાને જ પ્રમોટ કરવાની મંજૂરી આપવામાં આવશે. અહીં પ્રતિનિધિઓને એક્સપિરિયન્સ ઝોનમાં ભારતીય ચાની સમૃદ્ધિનો સ્વાદ ચાખવાની તક મળશે.
મિલેટ્સ અને કોફી માટે એક્સપિરિયન્સ ઝોન પણ બનાવવામાં આવશે
સૂત્રોએ જણાવ્યું હતું કે કોફી અને મિલેટ્સ માટે પણ સમાન ઝોન બનાવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રએ 2023ને International Year of Millets તરીકે જાહેર કર્યું છે. મસાલા, કોફી અને બાજરી જેવી ચીજવસ્તુઓ માટે મુંબઈ, બેંગલુરુ અને જયપુરમાં આ કેન્દ્રો સ્થાપવામાં આવશે.
મસાલા બોર્ડ મુંબઈમાં પેવેલિયન અને કોફી બોર્ડ બેંગ્લોરમાં સંભાળશે. આ કેન્દ્રો આવતા વર્ષે માર્ચ, જુલાઈ અને ઓગસ્ટમાં ખોલવામાં આવશે. ભારતે 1 ડિસેમ્બરથી G20 નું પ્રમુખપદ સંભાળ્યું છે.
ભારત વિશ્વમાં ચાના ઉત્પાદનમાં બીજા ક્રમે
ભારત વિશ્વમાં ચાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ભારતમાં 563.98 હજાર હેક્ટરમાં ચાના બગીચા છે જેમાંથી આસામ (304.40 હજાર હેક્ટર), પશ્ચિમ બંગાળ (140.44 હજાર હેક્ટર), તમિલનાડુ (69.62 હજાર હેક્ટર) અને કેરળ (35,000 હજાર હેક્ટર) ચાનું ઉત્પાદન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાના ઉત્પાદનની સાથે ભારતમાં ચાના બગીચાઓ પણ ભારતના પ્રવાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યાં લાખો પ્રવાસીઓ દર વર્ષે તેમના પરિવાર, મિત્રો સાથે ફરવા આવે છે.