મૂનલાઇટિંગ કરતા કર્મચારીઓ પર આવકવેરા વિભાગની નજર, મોકલાઇ રહી છે નોટિસ
કોરોના મહામારી દરમિયાન મૂનલાઇટિંગ લોકપ્રિય બન્યું હતું. જ્યારે કોરોનાને કારણે ઘરેથી કામ આપવામાં આવ્યું ત્યારે કર્મચારીઓએ પણ સાઈડ ઈન્કમ માટે અન્ય કંપનીઓ કે પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું.
આવકવેરા વિભાગે એવા ઘણા વ્યાવસાયિકોને નોટિસ મોકલી છે જેમણે તેમના પગાર ઉપરાંત મૂનલાઇટિંગ દ્વારા કમાણી કરી છે અને તેમના ટેક્સ રિટર્નમાં તે જાહેર કર્યું નથી. આમાંની મોટાભાગની નોટિસ નાણાકીય વર્ષ 2019-2020 અને 2020-2021ની કમાણી અંગે મોકલવામાં આવી છે. આવકવેરા વિભાગે શોધી કાઢ્યું છે કે ઘણા કેસોમાં મૂનલાઇટિંગથી થતી કમાણી નિયમિત પગાર કરતાં વધુ હતી.
આ પણ વાંચો : Ahmedabad : મિલકત ધારકો માટે AMCનો મહત્વનો નિર્ણય, બ્લડ રીલેશન ધરાવતી વ્યક્તિ પર નહિં લાગે ડબલ ટેક્સ, જુઓ Video
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, મૂનલાઈટિંગના મોટાભાગના કેસોમાં મોટાભાગની ચુકવણીઓ ઓનલાઈન કરવામાં આવી હતી અને કેટલીક વિદેશી ખાતામાંથી પ્રાપ્ત થઈ હતી. આવી સ્થિતિમાં, ટેક્સ વિભાગ માટે આ અઘોષિત આવકને શોધી કાઢવાનું સરળ હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને IT, એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સના મોટી સંખ્યામાં ઉદાહરણો મળ્યા છે, જેઓ બે કે તેથી વધુ કંપનીઓ પાસેથી માસિક કે ત્રિમાસિક ધોરણે પેમેન્ટ મેળવતા હતા પરંતુ તેમના આવકવેરા રિટર્નમાં માત્ર પગારની આવક જાહેર કરતા હતા.
ટેક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2019-2021 દરમિયાન આવા કેસ વધુ હતા. વિભાગે અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોને નોટિસ મોકલી છે. મહત્ત્વની વાત એ છે કે, ઘણા કિસ્સાઓમાં કંપનીઓએ જ વિભાગને એવા કર્મચારીઓ વિશે જાણ કરી હતી જેઓ આવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા.
કોરોના સમયગાળામાં લોકપ્રિય: તમને જણાવી દઈએ કે મૂનલાઇટિંગ કોરોના રોગચાળા દરમિયાન લોકપ્રિય બન્યું હતું. જ્યારે કોરોનાને કારણે ઘરેથી કામ આપવામાં આવ્યું ત્યારે કર્મચારીઓએ પણ સાઈડ ઈન્કમ માટે અન્ય કંપનીઓ કે પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયાને મૂનલાઇટિંગ કહેવામાં આવતું હતું.
આઈટી સેક્ટરમાં ક્રેઝઃ તેનો સૌથી વધુ ક્રેઝ આઈટી સેક્ટરમાં જોવા મળ્યો હતો. આઈટી ક્ષેત્રના કર્મચારીઓએ તેમની પૂર્ણ સમયની નોકરી ઉપરાંત અન્ય કંપનીઓમાં સાઈડ ઈન્કમ માટે કામ કરવાનું શરૂ કર્યું. વિપ્રો, ઈન્ફોસીસ અને ટીસીએસ જેવી આઈટી કંપનીઓએ પણ મૂનલાઈટિંગને લઈને કડક પગલાં લીધા હતા અને મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
મૂનલાઇટિંગ શું છે?
મૂનલાઇટિંગની વ્યાખ્યા વિશે વાત કરીએ તો, તે એક અલગ પ્રકારનું કામ છે. જ્યારે કોઈ કર્મચારી તેની નિશ્ચિત નોકરીમાં તેમજ અન્ય જગ્યાએ ગુપ્ત રીતે કામ કરે છે, ત્યારે તેને મૂનલાઇટિંગ કહેવામાં આવે છે. સરળ ભાષામાં તમે તેને બીજી નોકરી પણ કહી શકો. મોટાભાગની કંપનીઓ તેને અનૈતિક માને છે.