રાજ્યમાં ખાનગી વાહનચાલકો બેફામ, આડેધડ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી, અકસ્માત બાદ જાગશે RTO ?
પોલીસ અને RTOની ઢીલી નીતિને કારણે ખાનગી વાહન ચાલકો રાજ્યમાં બેફામ બન્યા છે. માત્ર થોડા વધુ રૂપિયા કમાવવાની લ્હાયમાં જીવના જોખમે ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડીને કેટલાક વાહન ચાલકો અકસ્માતનું જોખમ વ્હોરે છે. જો કે રાજ્યના કેટલાક માર્ગો પર આ રીતે ચાલતા વાહનોનું સંચાલન પોલીસની રહેમ નજર વગર શક્ય જ નથી.
મહેસાણાના વિસનગર-વડનગર રોડ પરનો ફરી એક વખત જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. વાહનની અંદર અને ઉપર ખીચોખીચ મુસાફરો ભરવામાં આવ્યા છે. ચાલકે ખીચોખીચ મુસાફરો ભરીને પૂરઝડપે જીપ ચલાવી હતી. RTO અને ટ્રાફિક પોલીસના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું અહીં જોઇ શકાય છે. રોડ પર પોલીસ બંદોબસ્ત હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન થયું. અહીં સવાલ એ છે કે જો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની?
એવું નથી કે આ પ્રથમ વખત છે, આ પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો આપણે જોઇ ચુક્યા છીએ. દાહોદના ફતેપુરામાં વિદ્યાર્થીઓની જોખમી સવારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાનગી વાહનોની પાછળ લટકી શાળાએ જવા મજબૂર હતા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ. ST બસોના અભાવે જીવના જોખમે વિદ્યાર્થીઓએ આ પ્રકારે મુસાફરી કરી હતી. તો રાજકોટના કણકોટ રોડ પર જીવના જોખમે માલવાહક વાહનમાં યુવકો લટકીને મુસાફરી કરતાં જોવા મળ્યા હતા. રાજ્યના કેપિટલમાં પણ “જોખમી સવારી”નો વીડિયો સામે આવ્યો હતો. એક ટ્રેક્ટરમાં જોખમી રીતે બેસીને લોકો મુસાફરી કરી રહ્યા હતા. મહિલાઓ ખોળામાં નાના ભૂલકાંઓને લઈને બેઠેલી જોવા મળી હતી. અહીં સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?
- શું RTO, ટ્રાફિક પોલીસના ધ્યાને આ નથી આવ્યું?
- ખાનગી વાહન ચાલકો નફો રળવામાં લોકોના જીવ જોખમમાં મુકે છે?
- લોકોએ પણ થોડી રાહ જોઈને જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ
- કેમ આ રીતે વાહનમાં ખીચોખીચ બેસાડવામાં આવે છે મુસાફરોને?
- સરકારે નક્કી કરેલ નિયત મર્યાદાથી વધુ મુસાફરો શા માટે બેસાડ્યા?
- વાહનોમાં મુસાફરોની સલામતી માટે કોઈ જ વ્યવસ્થા નહીં?
- જો કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદારી કોની?
- શું તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાને અભાવે સર્જાય છે આવી પરિસ્થિતિ ?
- સતત ઘટતી દુર્ઘટનાઓમાંથી પણ કેમ નથી લેવાતો બોધ?