દિલ્હીના CM આતિશીનો, મહિલા કોર્પોરેટરોને ઉશ્કેરવાનો જૂનો વીડિયો થયો વાયરલ, જુઓ
દિલ્હીના મુખ્ય પ્રધાન બનેલ આતિશીનો એક બહુ જુનો વીડિયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં આતિશી શાંતિથી ઊભી છે પરંતુ તે તેમના પક્ષના કેટલાક લોકોને કાનમાં કોઈ વાત કરીને ઉશ્કેરણી કરી રહી છે. આતિશીએ જે મહિલાઓના કાન ફુંક્યા હોય છે તે મહિલા ધીમે ધીમે આગળ જઈને ભાજપના પુરુષ સભ્યોની સાથે હાથાપાઈ કરીને ઝધડી પડે છે.
રામ રાજ્યની કલ્પના સાથે દિલ્હીના મુખ્યપ્રધાનની ગાદી પર આતિશી આજે આરુઢ થઈ છે. અત્યાર સુધી દિલ્હીના મુખ્યપ્રધાન પદ પર બેઠેલા અરવિંદ કેજરીવાલની ખુરશી બાજૂમાં રાખીને આતિશીએ નવી ખુરશી પર બેસીને પદગ્રહણ કર્યું. આમ કરીને લોકોની સહાનુભૂતિ મેળવવા માંગતી આતિશીનો એક જૂનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો દિલ્હી નગર નિગમનો હોય તેમ લાગી રહ્યું છે. આ વીડિયોમાં શોરબકોર કરી રહેલા સભ્યોની સાથેસાથે આતિશી પાછળ શાંતિથી ઊભેલી દેખાઈ રહી છે. પરંતુ તે શાંતિની સાથે શાતિર દિમાગ સક્રીય છે. આતિશી તેમના પક્ષ આમ આદમી પાર્ટીની બે મહિલા કોર્પોરેટરોના કાનમાં કશુંક કહે છે. તેના પછી બન્ને મહિલા કોર્પોરેટરો આગળ જઈને જ્યા ભાજપના કોર્પોરેટરો ઊભા હોય છે ત્યાં પહોચે છે. અને ભાજપના કોર્પોરેટરોની સાથે ઘર્ષણમાં ઉતરીને ઝપાઝપી કરે છે.
આ વાયરલ થયેલા વીડિયોમાં પણ કોઈ વ્યક્તિ કહી રહ્યો છે કે, જુઓ આ આતિશી. કોઈને ઝઘડો કરવા સમજાવી રહી છે. આતિશી જુઓ સમજાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા ઊભા ઊભા જોઈ રહ્યાં છે. જેઓ દાવો કરતા હતા કે અમે ઝઘડો રોકીશું. આતિશીએ જેમને કાનમાં વાત કરીને સમજાવ્યા તે મહિલા કોર્પોરેટરને જુઓ. તે આવીને ઝધડો કરી રહી છે. આતિશીના સમજાવવા પર ઝઘડો કરી રહી છે. આતિશીના કહેવા પર પુરુષ કોર્પોરેટરોની સાથે મારપીટ કરી રહી છે.
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આતિશી સાથે વાત કર્યા પહેલા તે મહિલા કોર્પોરેટર ઊભી છે. પરંતુ જેવી આતિશી તેના કાનમાં ભંભેરણી કરે છે કે તરત જ તે મહિલા કોર્પોરેટર, જ્યા ભાજપના કોર્પોરેટરો ઊભા હોય છે ત્યાં ધીમે ધીમે આગળ આવે છે. અને પછી પુરુષ કોર્પોરેટરોને ધક્કા મારીને ઝઘડો કરે છે અને એક કોર્પોરેટરને લાફો મારી દે છે.
આ વીડિયો 24 ફેબ્રુઆરી 2023ના રોજ સોશિયલ મીડિયા X પર આદેશ ગુપ્તાના એકાઉન્ટથી પોસ્ટ કરેલ હતો. આજે આતિશીએ મુખ્યપ્રધાન પદનો હોદ્દો સંભાળતા ફરીથી આ વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થવા પામ્યો છે.