પાવાગઢ
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક પાવગઢનો ડુંગર આવેલો છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલુ છે. પાવગઢના ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીંના લોકોમાં ભાતીગળ રીતભાત અને સાંસ્કૃતિક લોકવારસાના દર્શન થાય છે. ચાંપાનેર યુનેસ્કોની વિશ્વ હેરિટેજની યાદીમાં સ્થાન પામ્યો છે.
પ્રાચીનકાળમાં મહર્ષિ વિશ્વામિત્રએ અહીં મહાકાળીની આરાધના કરી હતી. દેવી પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવનું અપમાન સહન નહીં થતાં સતી માતાએ યોગબળ દ્વારા પ્રાણત્યાગ કર્યો હતો. વ્યથિત શિવશંકરે સતીના મૃત શરીરને લઈને તાંડવ કરતાં કરતાં ધરતી ધ્રુજવા લાગી હતી. ધરતીની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના ટુકડા કર્યા હતા. જેમાંનો એક ટુકડો પાવાગઢ પર્વત પર પડ્યો હતો.આ મંદિર ભગવાન શ્રીરામના સમયનું હોવાનું કહેવાય છે.
અહીં શક્તિપીઠ હોવાના કારણે દેરાસરમાં મધ્યસ્થાને મૂર્તિ નથી. ગોખ પ્રસ્થાપિત કરાવામાં આવેલ છે. તેની જમણી બાજુએ શ્રી કાલીકા દેવી મૂર્તિ સ્વરૂપે છે. અને ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી છે. પાવાગઢ માંચીની તળેટીથી પગપાળા જવાનો રસ્તો છે અને રોપવેની સુવિધા પણ આવેલી છે. રોપવે દ્વારા 6 મિનિટમાં ડુંગર સુધી પહોંચી જવાય છે. ત્યાંથી 3 કિલોમીટરનો માર્ગ મંદિર સુધી ચાલીને જવાનો રહે છે. પાવાગઢમાં જોવાલાયક સ્થળોમાં જૈન મંદિર, પતાય રાવલનો મહેલ, તેલિયુ તળાવ અને દુધિયુ તળાવ, ધાબા ડુંગરી શિવ મંદિર તેમજ વડાતળાવ અને કબૂતરખાનનો સમાવેશ થાય છે.