Ahmedabad : BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન
અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વિરાટ 'વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ'નું આયોજન કર્યું.

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ (અમદાવાદ) દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ મહાયાગ 3 જાન્યુઆરી, શનિવારના રોજ શાહીબાગ સ્થિત યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં આવેલા પ્રમુખ વાટિકા ખાતે યોજાયો હતો, જેમાં હજારો હરિભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો.

ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો અને અનુપમ મહિમા રહ્યો છે. યજ્ઞ પરંપરા આપણને શીખવે છે કે સર્વ કાર્ય ભગવાનને અર્પણ કરીને ત્યાગભાવથી જીવન જીવવું. યજ્ઞ એ જીવનને ઊર્ધ્વમાર્ગ તરફ દોરી જતી દિવ્ય શક્તિ છે તેમજ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્મારક માનવામાં આવે છે. સનાતન શાસ્ત્રોમાં યજ્ઞને જીવનનો અમૂલ્ય લહાવો ગણાવ્યો છે.

શાસ્ત્રોમાં યજ્ઞનો મહિમા વિશેષ રીતે વર્ણવાયો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર, ‘યજ્ઞમાં અર્પણ કરીને પ્રસાદ ગ્રહણ કરનાર મોક્ષ પામે છે,’ જ્યારે ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે, ‘યજ્ઞ એ પરમાત્માનું સ્વરૂપ છે.’ આ શાસ્ત્રીય વચનો યજ્ઞના આધ્યાત્મિક મહત્વને સ્પષ્ટ કરે છે.

ગુજરાત સદૈવ જેમના ઋણી છે એવા ભગવાન સ્વામિનારાયણે ગામે-ગામ અહિંસક યજ્ઞો કરાવી ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. તેમની ગુણાતીત ગુરુપરંપરાએ પણ આ પવિત્ર પરંપરાને અવિરત રીતે આગળ ધપાવી છે અને વિશ્વશાંતિ તથા આધ્યાત્મિક કલ્યાણનો સંદેશ પ્રસરાવ્યો છે.

આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિવસે ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ દ્વારા ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે અલૌકિક અને ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિરૂપે આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહાયાગ અંતર્ગત ગુણાતીતાનંદ મંડપમ, ભગતજી મહારાજ મંડપમ, શાસ્ત્રીજી મહારાજ મંડપમ, યોગીજી મહારાજ મંડપમ, પ્રમુખસ્વામી મહારાજ મંડપમ તથા મહંત સ્વામી મહારાજ મંડપમ સહિતના વિવિધ મંડપમો બનાવવામાં આવ્યા હતા. કુલ મળીને આશરે ૪૦૦ યજ્ઞકુંડમાં 12,000 થી વધુ વ્યક્તિઓએ આહુતિ અર્પણ કરી હતી, જેમાં અંદાજે 5 લાખથી વધુ હોમાત્મક દ્રવ્યો અને 50 લાખથી વધુ મંત્રોચ્ચારો સાથે યજ્ઞવિધિ સંપન્ન થઈ હતી.

નૂતન લગ્ન પ્રસંગ, માતૃ-પિતૃ મોક્ષાર્થે, તન-મન-ધન સમૃદ્ધિ, પ્રગટ ગુરુહરિની પ્રસન્નતા, યજ્ઞોપવિત ધારણ તેમજ માનસિક સ્થિરતા જેવા વિવિધ નિમિત્તો અર્થે હજારો યજમાન હરિભક્તો અને ભાવિકોએ આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાશે ભવ્ય ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ, જુઓ Photos
