Asia Cup 2025 : ભારતીય ટીમનો વધુ એક શાનદાર વિજય, સિંગાપોરને 12-0થી હરાવ્યું, સુપર-4 માં એન્ટ્રી
ભારતીય હોકી ટીમે ટુર્નામેન્ટની શરૂઆત થાઇલેન્ડ સામે 12-0થી શાનદાર જીત સાથે કરી હતી અને પછી જાપાન સાથે 2-2 થી ડ્રો રમી હતી. હવે ટીમ ઈન્ડિયા સુપર-4માં આ પ્રદર્શન ચાલુ રાખવા પર પ્રયાસ કરશે.

હોકી એશિયા કપમાં ભારતીય ટીમોનો દબદબો ચાલુ છે. ભારત પહેલાથી જ પુરુષોના એશિયા કપમાં ખિતાબ જીતી ચૂક્યું છે અને ભારતીય ટીમ મહિલા એશિયા કપમાં પણ સતત પોતાની તાકાત બતાવી રહી છે. ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટના પૂલ B મેચમાં, ભારતીય ટીમે સિંગાપોરને 12-0થી કચડીને સુપર-4 માં શાનદાર એન્ટ્રી કરી.

આ મેચમાં ભારતીય ટીમ માટે 2 ખેલાડીઓએ 6 ગોલ કર્યા હતા. ટીમની સ્ટાર ખેલાડીઓ નવનીત કૌર અને મુમતાઝ ખાને એક પછી એક હેટ્રિક ફટકારી હતી. નવનીતે 14મી, 18મી અને 28મી મિનિટમાં ગોલ કર્યા હતા જ્યારે મુમતાઝ ખાને બીજી, 32મી અને 38મી મિનિટમાં ગોલ કર્યા હતા.

આ બે ઉપરાંત, નેહાએ 11મી અને 38મી મિનિટે ગોલ કર્યો, જ્યારે સ્ટાર સ્ટ્રાઈકર લાલરેમસિયામીએ 13મી મિનિટે ભારતીય સ્કોર કર્યો. 45મી મિનિટે શર્મિલા દેવી અને 52મી મિનિટે રુતુજા પિસાલે ભારતનો સ્કોર 12-0 સુધી પહોંચાડ્યો.

વિશ્વની 10મા ક્રમાંકિત ભારતીય ટીમે તેની પહેલી મેચમાં થાઈલેન્ડને 11-0થી હરાવ્યું હતું, જ્યારે આગામી મેચમાં તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સાથે 2-2થી ડ્રો રમ્યો હતો. હવે ભારતનો આગામી મુકાબલો સુપર-4 રાઉન્ડમાં હશે, જ્યાં તેનો સામનો પ્રથમ મેચમાં પૂલ A ની બીજા ક્રમાંકિત ટીમ સામે થશે.

8 ટીમોની આ ટુર્નામેન્ટમાં, દરેક પૂલમાંથી 2-2 ટીમો સુપર-4 માં જશે. ત્યારબાદ આ રાઉન્ડમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલી ટીમો 14 સપ્ટેમ્બરના રોજ ફાઈનલમાં રમશે. એશિયા કપ જીતનાર ટીમને બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનાર FIH મહિલા વર્લ્ડ કપ 2026માં સીધો પ્રવેશ મળશે. (All Photo Credit : X / Hockey India)
ભારતીય મેન્સ હોકી ટીમ એશિયા કપમાં ચેમ્પિયન બની છે હવે મહિલા ટીમ પણ ટ્રોફી જીતવાની નજીક પહોંચી. હોકી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
