હોકી અમદાવાદ 5’s ચેમ્પિયનશિપ સીઝન અમદાવાદમાં યોજાઈ, પ્રથમ વખત દરેક ટીમમાં મહિલાને અપાયું સ્થાન
દિવસે દિવસે ક્રિકેટમાં યુવાનો અને યુવતીઓનો રસ વધતો જાય છે આ જ રીતે હોકીમાં પણ યુવાન અને યુવતીઓ વધુ રસ દાખવે તે હેતુસર "હોકી અમદાવાદ 5's ચેમ્પિયનશિપ સીઝન નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું.


અમદાવાદ શહેરમાં "હોકી અમદાવાદ 5's ચેમ્પિયનશિપ સીઝન" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર એનવાયપી સ્પોર્ટ ફાઉન્ડેશન હતા. આ ચેમ્પિયનશિપનું આયોજન રાઈઝીંગ વોરિયર્સ હોકી કલબ અને હોકી અમદાવાદ એ કર્યું હતું.

ચેમ્પિયનશિપ ત્રીજી જૂને શરૂ થઈ હતી જેમાં જે. એમ. યાદવ (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) મુખ્ય અતિથિ હતા અને યથાર્થ પંડ્યા (એનવાયપી સ્પોર્ટ ફાઉન્ડેશનના ચેર પર્સન) ગેસ્ટ ઓફ ઓનર હતા.

આ વર્ષે આ ચેમ્પિયનશિપમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેગુઆર્સ(Jaguars), ટાઈટન્સ (Titans), પ્રિડેટર્સ (Predators), ગ્લેડીયેટર્સ (Gladiators), ઝોમ્બીઝ (Zombies), સ્પાર્ટન્સ (Spartans), વિઝાર્ડ્સ (Wizards), બ્લાસ્ટર્સ (Blasters) આઠ ટીમનો નામ છે.

દરેક ટીમમાં 7 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યુ હતુ. ત્રીજી સિઝનમાં પ્રથમ વખત એક મહિલા ખેલાડીને પણ દરેક ટીમમાં સ્થાન આપવામાં આવ્યું જેથી મહિલા હોકી ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળે.

ચેમ્પિયનશિપની મેચ દર શનિવારે અને રવિવારે જ રમાઈ હતી. દરેક ટીમે બાકીની સાત ટીમ સામે મેચ રમી હતી. પોઇન્ટ ટેબલમાં ટોપની ત્રણ ટીમને વિજેતા, રનર્સ અપ અને સેકન્ડ રનર્સ અપની ટ્રોફી એનાયત કરવામા આવી હતી.

ચેમ્પિયનશિપના છેલ્લા દિવસે ચીફ ગેસ્ટમાં યથાર્થ પંડ્યા જે એનવાય પી સ્પોર્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેર પર્સન છે અને ગેસ્ટ ઓફ ઓનરમાં સંદીપ સાગવન (ભૂતપૂર્વ ભારતીય હોકી ટીમના કોચ), વિક્રમ પાટીલ (આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી), આરવીએસ પ્રસાદ (ભૂતપૂર્વ ભારતીય હોકી ટીમના ખેલાડી), જેરાડ નરોના (મેનેજર - રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) અને મુકેશ સોલંકી (ડીવાયએસપી ગુજરાત પોલીસ) ઉપસ્થિત રહ્યા હતા.

ટુર્નામેન્ટમાં અંતિમ દિવસના પરિણામ બાદ ટીમ જેગુઆર્સે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, ટીમ બ્લાસ્ટર્સે બીજુ સ્થાન અને ટીમ ટાઈટન્સે ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.






































































