Gold Silver Rate: રોકાણકારોમાં હર્ષોલ્લાસ! ચાંદીએ લાંબી છલાંગ મારી, સોનું પણ ‘સ્કાય-હાઇ’ લેવલે પહોંચ્યું
રોકાણકારોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો છે, કારણ કે ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. બીજીબાજુ સોનું પણ સ્કાય-હાઇ લેવલ પર પહોંચી ગયું છે. આ પરથી સ્પષ્ટ છે કે, સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓના વધતા ભાવથી રોકાણકારો ખુશ થયા છે, જ્યારે મિડલ ક્લાસ માટે ચિંતાઓ વધી છે.

શુક્રવાર 9 જાન્યુઆરીએ દિલ્હી બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવ ફરી વધ્યા. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે સોના અને ચાંદી બંનેના ભાવ મજબૂત થયા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદીના ભાવ પ્રતિ કિલો ₹6,500 વધીને ₹2,50,000 પ્રતિ કિલો થયા. 99.9% શુદ્ધતા ધરાવતું સોનું પણ ₹1,200 વધીને ₹1,41,700 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

પાછલા ટ્રેડિંગ સત્રમાં ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. પ્રોફિટ-બુકિંગને કારણે ચાંદી ₹12,500 અથવા લગભગ 5% ઘટીને ₹2,43,500 પ્રતિ કિલો થઈ ગઈ. નોંધનીય છે કે, બુધવારે ચાંદી ₹2,56,000 પ્રતિ કિલોના ઓલ ટાઇમ હાઇ લેવલને સ્પર્શી ગઈ હતી. આ દરમિયાન, પાછલા સત્રમાં સોનું ₹1,40,500 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

કોમોડિટી નિષ્ણાતોના મતે, વૈશ્વિક સ્તરે વધતી જીઓ-પોલિટિકલ ટેન્શન અને અમેરિકા સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓએ સોનાની સુરક્ષિત રોકાણ તરીકેની છબીને એક વાર ફરીથી વધુ મજબૂત બનાવી છે. HDFC Securities ના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીના જણાવ્યા મુજબ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં સકારાત્મક રોકાણ અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે સોનામાં મજબૂતી જોવા મળી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ થોડો વધીને $4,479.38 પ્રતિ ઔંસ થયો. આ દરમિયાન, ચાંદી $1.37 અથવા લગભગ 1.79 ટકા વધીને $78.38 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. અગાઉ, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 5.53 ટકા ઘટીને 73.83 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. જો કે, પછીથી તેમાં સુધારો જોવા મળ્યો હતો.

કોટક સિક્યુરિટીઝના કોમોડિટી રિસર્ચ હેડ કાયનાત ચૈનવાલા અનુસાર, અમેરિકા દ્વારા રશિયાથી તેલ ખરીદતા દેશો પર ભારે ટેરિફ લગાવવાની શક્યતાઓએ સોના અને ચાંદીના ભાવને પણ સપોર્ટ આપ્યો છે. અહેવાલો મુજબ, અમેરિકા રશિયાથી તેલ ખરીદતા દેશો પર 500 ટકા સુધી ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યું છે. આના કારણે ચીન, ભારત અને બ્રાઝિલ જેવા મોટા ખરીદદારો પર દબાણ વધી શકે છે, કારણ કે તેઓ રશિયાથી સસ્તું કાચું તેલ ખરીદે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
