Sawan 2026: શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કેવી રીતે કરવી ? જાણો સામગ્રી, સરળ વિધિ અને ખાસ નિયમો !
શ્રાવણ માસમાં શિવજીની અપરંપાર કૃપા મેળવવી છે? જાણો શિવલિંગ પૂજાની સૌથી સરળ વિધિ, જરૂરી સામગ્રી અને એવી ભૂલો જે તમારે શિવલિંગ પર પૂજા કરતી વખતે ભૂલથી પણ ન કરવી જોઈએ!

શ્રાવણ મહિનો શરૂ થતાં જ દેશભરના શિવાલયમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે. શાસ્ત્રો અનુસાર, આ પવિત્ર માસમાં શિવલિંગનો વિધિવત જલાભિષેક કરવાથી મહાદેવ પોતાના ભક્તોના તમામ દુઃખો હરી લે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.

શિવલિંગના અભિષેક માટે શુદ્ધ જળ, ગંગાજળ, કાચું દૂધ, દહીં, દેશી ઘી, મધ, સાકર અને શેરડીનો રસ ઉત્તમ ગણાય છે. જો આ બધું ન હોય તો માત્ર શુદ્ધ જળ અને ગંગાજળથી પણ શિવજીનો અભિષેક કરી શકાય છે.

શિવ પૂજામાં સામગ્રીનું ખાસ મહત્વ છે. પૂજા માટે ઓછામાં ઓછા 3 કે 11 બીલીપત્ર, 1-2 ધતૂરા, ભાંગના પાન, શમીના પાન, આંકડાના ફૂલ, સફેદ ચંદન, ભસ્મ, અક્ષત (ચોખા), ધૂપ, દીપ અને ભોગ માટે ફળ કે મીઠાઈ તૈયાર રાખવા.

શિવલિંગની પૂજા માટે સવારનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો કે, સમયના અભાવે સાંજના સમયે પણ પૂજા થઈ શકે છે. પૂજાની શરૂઆતમાં સૌથી પહેલા તાંબાના લોટાથી શિવલિંગ પર જળ અને ગંગાજળ અર્પિત કરવું.

જળ અર્પિત કર્યા બાદ દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી બનતું પંચામૃત શિવલિંગ પર ચઢાવવું. ધ્યાનમાં રાખવું કે પંચામૃત કે દૂધ ચઢાવ્યા પછી શિવલિંગ પર ફરીથી શુદ્ધ જળ ચોક્કસ અર્પિત કરવું. આ આખી પ્રક્રિયા દરમિયાન મનમાં 'ૐ નમઃ શિવાય' અથવા મહામૃત્યુંજય મંત્રનો નિરંતર જાપ કરતા રહેવું.

જો તમે ઘરમાં અભિષેક કરી રહ્યા હોવ તો શિવલિંગને સ્વચ્છ કપડાથી લૂછી લો. ત્યારબાદ સફેદ ચંદન અને ભસ્મ વડે શિવલિંગ પર સુંદર 'ત્રિપુણ્ડ' બનાવો. હવે અક્ષત, બીલીપત્ર, ધતૂરો, ભાંગ, શમી પત્ર અને આંકડાના ફૂલ શ્રદ્ધાપૂર્વક અર્પિત કરો. જો બધી સામગ્રી ન હોય તો માત્ર બીલીપત્ર ચઢાવવાથી પણ શિવજી પ્રસન્ન થાય છે.

શૃંગાર પૂર્ણ થયા પછી ભોગ ધરાવવો અને ધૂપ-દીપ પ્રગટાવીને મહાદેવની ભાવપૂર્વક આરતી કરવી. આરતી પૂરી થયા પછી પૂજામાં અજાણતા થયેલી કોઈપણ ભૂલચૂક માટે શિવજી પાસે બે હાથ જોડીને ક્ષમા માંગવી.

શિવલિંગ પર દૂધ ચઢાવતી વખતે ક્યારેય તાંબાના વાસણનો ઉપયોગ ન કરવો. શિવલિંગ પર હળદર, સિંદૂર, કુમકુમ કે તુલસીના પાન ભૂલથી પણ ન ચઢાવવા. આ ઉપરાંત, સોમસૂત્ર (જ્યાંથી જળ વહીને બહાર નીકળે છે) ને ઓળંગવું અશુભ માનવામા આવતું હોવાથી શિવલિંગની ક્યારેય પૂરી પરિક્રમા ન કરવી, હંમેશા અડધી પરિક્રમા જ કરવી.
મોદી સરકારની મોટી મંજૂરી : 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ લાવવા સરકારની લીલી ઝંડી, જાણો જૂની નોટોનું શું થશે!
