દિવાળી સુધી ‘સોનું’ ₹2 લાખ અને ‘ચાંદી’ ₹4 લાખ પાર ? એક્સપર્ટે કરી ‘મોટી આગાહી’
તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ સોના અને ચાંદીના ભાવમાં જે રીતે અચાનક 'રોકેટ ગતિ' જોવા મળી છે, તેણે બજારને ચોંકાવી દીધું છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું આ ઝડપી તેજી પછી સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાશે? શું દિવાળી સુધીમાં સોના અને ચાંદીના ભાવ તમામ રેકોર્ડ તોડીને નવી ઊંચાઈએ પહોંચશે? આ ઉથલપાથલ વચ્ચે સામાન્ય ખરીદદારો તેમજ રોકાણકારોએ શું કરવું જોઈએ?

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ સોના અને ચાંદીના ભાવે ફરી એકવાર ઝડપ (gold silver price hike) પકડી લીધી છે. સોનું ₹1.63 લાખ પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયું છે. ચાંદી પણ ₹2.46 લાખ પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ કરી રહી છે. ફક્ત ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો, છેલ્લા 26 દિવસમાં સોનું લગભગ ₹20 હજાર અને ચાંદી લગભગ ₹26 હજાર સુધી મોંઘી થઈ ગઈ છે.

એવામાં લોકોના મનમાં સવાલો ઊઠવા લાગ્યા છે કે, શું ગોલ્ડ-સિલ્વરમાં જાન્યુઆરી જેવી તેજી ફરી જોવા મળશે? શું આ વખતે સોનું ₹2 લાખ અને ચાંદી ₹4 લાખને પાર જશે? શું આ તેજી પછી ફરીથી મોટો ઘટાડો જોવા મળી શકે છે? ગોલ્ડ-સિલ્વર સાથે જોડાયેલા આવા તમામ સવાલો અંગે કમોડિટી એક્સપર્ટ મહેન્દ્ર લુનિયાએ દિવાળી સુધીનો આઉટલુક રજૂ કર્યો છે. સાથે જ જણાવ્યું કે, બંને કિંમતી ધાતુઓમાં ક્યારે મોટો ઘટાડો જોવા મળી શકે છે.

મહેન્દ્ર લુનિયાના જણાવ્યા અનુસાર, આ તેજી પાછળ ઘણાં મોટાં કારણો છે. સૌથી પહેલું તો, યુએસ ફેડરલ રિઝર્વે ડોલરને નબળો પાડ્યો છે. આનાથી રોકાણકારોનો ઝુકાવ સોના તરફ વધ્યો છે. અમેરિકા પર 40 ટ્રિલિયન ડોલરથી વધુનું દેવું છે, જેનાથી ડોલર પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. બીજું કારણ એ કે, વિશ્વભરમાં ચાલતો તણાવ એટલે કે જીઓ-પોલિટિકલ ટેન્શન, જેમાં સોનાને હંમેશાં એક 'સેફ હેવન' (સુરક્ષિત રોકાણ) માનવામાં આવે છે. આ સિવાય વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ પુષ્કળ પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે. માત્ર બે ત્રિમાસિક ગાળામાં જ સેન્ટ્રલ બેંકોએ 280 ટન સોનું ખરીદ્યું છે.

એક્સપર્ટે એ પણ જણાવ્યું કે, હાલમાં કોઈ મોટા ઘટાડાની આશા નથી પરંતુ કેટલાક ટ્રિગર પોઈન્ટ્સ બનતા દેખાઈ રહ્યા છે, જે ભાવ ઘટાડી શકે છે. જો યુએસ ફેડરલ રિઝર્વ સતર્ક થઈ જાય, ફુગાવો (મોંઘવારી) ઘટે અથવા યુદ્ધનો તણાવ શાંત થઈ જાય તો સોના પર દબાણ આવી શકે છે. ક્રૂડ ઓઈલ હાલમાં 94 ડોલર સુધી જઈ રહ્યું છે. જો તેના ભાવ 120 ડોલર સુધી પહોંચી જાય તો ડોલર મજબૂત થઈ શકે છે અને ત્યારે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. જો કે, તેની શક્યતા ખૂબ જ ઓછી છે.

નિષ્ણાતના મુજબ, દિવાળી સુધી બંને ધાતુમાં મજબૂત ઉછાળો આવશે. મહેન્દ્ર લુનિયાનું માનવું છે કે, હાલમાં સોનું ₹2 લાખનો આંકડો સ્પર્શી શકશે નહીં. આગામી એકથી દોઢ મહિનામાં સોનું ₹1.75 લાખના સ્તરને પાર કરી શકે છે. ચાંદીની વાત કરીએ તો, તે તરત જ ₹4 લાખ સુધી નહી જાય પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તે ₹3.25 લાખથી ₹3.50 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તરને સ્પર્શી શકે છે.

હવે સવાલ એ છે કે, ફેસ્ટિવલ સીઝન પછી લગ્નની સીઝન માટે સામાન્ય લોકોએ સોનું અત્યારે ખરીદવું જોઈએ કે રાહ જોવી જોઈએ? નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ખરીદી તમારી જરૂરિયાત પર નિર્ભર કરે છે. જો ઘરમાં લગ્ન હોય અને દાગીના જોઈએ છે, તો અત્યારે લાઈટવેઈટ જ્વેલરી લઈ શકો છો. જો તમે રોકાણના હેતુથી ખરીદી રહ્યા હોવ, તો આંતરરાષ્ટ્રીય બજારમાં 50-100 ડોલરના નાના ઘટાડાની રાહ જોઈ શકો છો. લાંબાગાળાના રોકાણકારો માટે આ બજાર ખૂબ જ ઉત્તમ છે. વધુમાં, આગળના બે-ત્રણ વર્ષમાં સોનું ખૂબ સારું રિટર્ન આપી શકે છે.

મહેન્દ્ર લુનિયાએ વધુમાં કહ્યું કે, ભારતમાં સોનાની માંગ ખૂબ જ વધારે છે. છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં જ ભારતની માંગ 131 ટન રહી છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘું થાય તો ભારતનું આયાત બિલ (Import Bill) વધશે. બિલ ચૂકવવા માટે ડોલરની માંગ વધશે અને રૂપિયો નબળો પડશે. રૂપિયો નબળો પડવાનો સીધો અર્થ એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સસ્તું હોવા છતાં ભારતમાં સોનું મોંઘું મળી શકે છે.

એક્સપર્ટનું માનવું છે કે, 25 વર્ષ પહેલાં લોકો શેરબજારમાં ચિઠ્ઠી ઉછાળીને ટ્રેડિંગ કરતા હતા પણ હવે ડીમેટથી મોબાઈલ પર કરે છે. નોટબંધી પછી જેમ આપણે ₹10 ના પેમેન્ટ માટે પણ UPI ના આદિ થઈ ગયા છીએ, તેમ ગોલ્ડને પણ ડિજિટલ ફોર્મમાં લેવું જ પડશે. તમે તમારા વિશ્વાસુ ફેમિલી જ્વેલરની એપ પર જઈને ₹500 કે ₹1000 ના નાના હપ્તાઓમાં ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. આવનારા સમયમાં વિશ્વની કરન્સી ગોલ્ડથી જ બેક થશે, તેથી ડિજિટલ ગોલ્ડ જ ભવિષ્ય છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સોનાના ભાવ ઈતિહાસ રચશે કે અચાનક મોટો કડાકો બોલાશે ? ગ્રહોની ચાલ અને માર્કેટનો ‘મોટો ઈશારો’
