Apple નો ‘Surprise and Shine’ ઇવેન્ટ: iPhone 18 Pro સીરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
એપલના ઇતિહાસમાં પહેલીવાર સ્માર્ટફોનની દુનિયામાં એક ક્રાંતિકારી બદલાવ આવવા જઈ રહ્યો છે! નવા 2nm ચિપસેટથી સજ્જ iPhone 18 Pro ઉપરાંત એપલનો પહેલોવહેલો ‘ક્રીઝ-ફ્રી’ ફોલ્ડેબલ ફોન માર્કેટમાં ધમાકો મચાવવા આવી રહ્યો છે. ભારતમાં કેટલી હશે તેની અંદાજિત કિંમત અને કયા અનોખા ફીચર્સ મળશે? વાંચો આ મેગા લૉન્ચિંગની સંપૂર્ણ વિગતો.

ટેક જાયન્ટ Apple પોતાના અત્યંત ચર્ચિત મેગા ઇવેન્ટ ‘Surprise and Shine’ નું આયોજન કરી રહ્યું છે. આ ભવ્ય ઇવેન્ટમાં કંપની પોતાની અત્યાધુનિક iPhone 18 સીરીઝ પરથી પડદો ઉઠાવવા જઈ રહી છે. આ વખતે ઇવેન્ટમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max ની સાથે ટેક જગતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે એપલનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ લૉન્ચ થવાની પ્રબળ શક્યતા છે.

કંપની દ્વારા ઇવેન્ટની તારીખ અને સમય સત્તાવાર રીતે કન્ફર્મ કરી દેવામાં આવ્યા છે. જોકે ફોનના તમામ ફીચર્સ અને સત્તાવાર કિંમતો ઇવેન્ટમાં જ જાહેર થશે, પરંતુ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ્સ દ્વારા તમામ મોડેલ્સના સ્પેસિફિકેશન્સ અને કિંમતો લીક થઈ ચૂકી છે. ચાલો જાણીએ તેના વિશે વિગતવાર:

iPhone 18 Pro ના સંભવિત સ્પેસિફિકેશન્સ: ડિસ્પ્લે: લીક થયેલા રિપોર્ટ્સ અનુસાર iPhone 18 Pro માં 6.3 ઇંચની OLED ડિસ્પ્લે સાથે 120Hz ProMotion સપોર્ટ મળી શકે છે. ડિઝાઇન: આ વખતે ફોનમાં વધુ કોમ્પેક્ટ અને નાનું ડાયનેમિક આઇલેન્ડ (Dynamic Island), Face ID અને પ્રીમિયમ એલ્યુમિનિયમ ફ્રેમ જોવા મળી શકે છે. પ્રોસેસર અને રેમ: ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ માટે તેમાં એપલનું નેક્સ્ટ જનરેશન 2nm બેઝ્ડ A20 Pro ચિપસેટ અને 12GB RAM આપવામાં આવી શકે છે. કેમેરા: ફોટોગ્રાફી માટે 48MP ના ત્રણ રિયર કેમેરા (વાઇડ, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો લેન્સ) મળવાની શક્યતા છે.

iPhone 18 Pro Max ના સંભવિત સ્પેસિફિકેશન્સ: સ્ક્રીન અને બેટરી: iPhone 18 Pro Max માં 6.9 ઇંચની વિશાળ OLED ProMotion ડિસ્પ્લે (120Hz) મળી શકે છે. તેનો સૌથી મોટો અપગ્રેડ તેની જંગી બેટરી સાબિત થશે, જેમાં આશરે 5,500mAh થી 5,567mAh ની બેટરી મળવાની ધારણા છે. કેનેક્ટિવિટી અને કેમેરા: Pro Max મોડેલમાં વેરિયેબલ એપરચર ધરાવતો કેમેરા સેટઅપ અને નવું ઇન-હાઉસ C2 મોડેમ મળી શકે છે.

ફોલ્ડેબલ iPhone Ultra ના સંભવિત સ્પેસિફિકેશન્સ: આ સમગ્ર ઇવેન્ટમાં સૌનું સૌથી વધુ ધ્યાન એપલના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કેન્દ્રિત રહેશે. ડિસ્પ્લે: રિપોર્ટ્સ મુજબ આ ફોનમાં આશરે 5.4 થી 5.5 ઇંચની કવર ડિસ્પ્લે અને અંદરની તરફ 7.8 ઇંચની મોટી ફોલ્ડેબલ ઇનર સ્ક્રીન મળશે. ક્રીઝ-ફ્રી ટેકનોલોજી: ફોનની સ્ક્રીન પર દેખાતી ફોલ્ડિંગ લાઇન (ક્રીઝ) ને લગભગ ગાયબ કરવા માટે એપલ લિક્વિડ મેટલ હિંજ અને અલ્ટ્રા-થિન ગ્લાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. પ્રોસેસર અને સિક્યોરિટી: આ ફોલ્ડેબલ ડિવાઇસ પણ A20 Pro ચિપસેટથી સજ્જ હશે. સુરક્ષા માટે તેમાં Face ID ને બદલે પાવર બટનમાં સંકલિત Touch ID (ફિંગરપ્રિન્ટ સેન્સર) અને પાછળની તરફ 48MP ના બે કેમેરા મળવાની સંભાવના છે.

સંભવિત કિંમતો (ભારતમાં અંદાજિત): iPhone 18 Pro: ભારતમાં આ મોડેલની શરૂઆતી કિંમત આશરે ₹1,44,900 ની આસપાસ હોવાનો અંદાજ છે. iPhone 18 Pro Max: પ્રો મેક્સ વેરિઅન્ટની શરૂઆતી કિંમત આશરે ₹1,59,900 હોઈ શકે છે. Foldable iPhone (iPhone Ultra / Duo): એપલના આ અલ્ટ્રા-પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોનની ભારત ખાતે કિંમત આશરે ₹2,49,900 ની આસપાસ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય સમય અનુસાર એપલનો આ ભવ્ય લૉન્ચિંગ ઇવેન્ટ આજે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે, જેને દર્શકો એપલની સત્તાવાર વેબસાઇટ, યુટ્યુબ ચેનલ અને Apple TV એપ પર લાઈવ નિહાળી શકશે.
iPhone Fold Vs Samsung Foldable: એપલ અને સેમસંગના ફોલ્ડેબલ ફોન વચ્ચે જોરદાર ટક્કર, જાણો કયો સ્માર્ટફોન છે વધુ દમદાર
