ભારતનું પહેલું ‘AI સિટી’ ! ખેતીથી લઈને હોસ્પિટલ સુધી બધું બદલાશે, શરૂ થશે નવા યુગની કહાની
નવી પેઢીનો યુગ હવે 'AI' ટેકનોલોજીથી શરૂ થયો તેમ કહી શકાય. આનું મુખ્ય કારણ એ છે કે, ખેતીથી લઈને હોસ્પિટલ સુધી દરેક ક્ષેત્રમાં હવે 'AI' પોતાની છાપ છોડશે. એવામાં ચાલો જાણીએ કે, ભારતનું પહેલું 'AI સિટી' ક્યાં બનવા જઈ રહ્યું છે.

હાલમાં 'AI ટેકનોલોજી'થી ઘણા કામ સરળ બન્યા છે. મોટાભાગના લોકો AI પરથી તમામ માહિતી મેળવી લે છે. ટૂંકમાં કહીએ તો, AI થકી હવે નવા યુગની કહાની શરૂ થઈ ગઈ છે. એવામાં ચાલો જાણીએ કે, ભારતનું પહેલું 'AI સિટી' કયું છે અને ત્યાં શું-શું બદલાવ થવાના છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌને દેશનું પહેલું AI શહેર બનવા જઈ રહ્યું છે. ભારત સરકારના 'ઇન્ડિયા AI મિશન' હેઠળ, ઉત્તર પ્રદેશ સરકારને આ કામ માટે 10,732 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

સરકાર આ પૈસા ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા તેમજ યુવાનોને AI, ડેટા એનાલિટિક્સ અને સાયબર સેફ્ટી જેવા ક્ષેત્રોમાં કામ કરી શકે તે પાછળ ખર્ચ કરશે. આ રીતે સરકાર વિઝન 2047 હેઠળ 'ડિજિટલ' ઉત્તર પ્રદેશનો પાયો નાખશે. આ મિશન હેઠળ લખનૌમાં ખૂબ જ ટૂંક સમયમાં એક હાઇ-ટેક AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. AI ની મદદથી ટ્રાફિક મોનિટરિંગ અને નિયંત્રણ ખૂબ જ સ્માર્ટ રીતે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આ સિસ્ટમ વારાણસીમાં લાંબા સમયથી કાર્યરત છે. આ સાથે જ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ગૌતમ બુદ્ધ નગરમાં AI થી સજ્જ CCTV, ચહેરાની ઓળખ, નંબર પ્લેટ ટ્રેકિંગ અને SOS એલર્ટ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે.

આ બધી બાબતો 112 હેલ્પલાઇન નંબર અને પોલીસ કંટ્રોલ રૂમ સાથે સીધી રીતે જોડાયેલી છે. આટલું જ નહીં, લગભગ 70 જેલોમાં 'જાર્વિસ' નામની એક AI સિસ્ટમ રાખવામાં આવી છે, જે કેદીઓ પર દરેક ક્ષણે નજર રાખી રહી છે.

'AI પ્રજ્ઞા યોજના' હેઠળ, ઉત્તર પ્રદેશ સરકાર દર મહિને 1.5 લાખ યુવાનો, શિક્ષકો, ગામના વડાઓ, સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને મશીન લર્નિંગ, AI, ડેટા એનાલિટિક્સ અને સાયબર સુરક્ષાને લઈને ટ્રેનિંગ આપી રહી છે.

આ ઉપરાંત, સરકાર તેમને માઇક્રોસોફ્ટ, ગૂગલ, ઇન્ટેલ અને ગુવી જેવી મોટી કંપનીઓ પાસેથી સર્ટિફિકેટ પણ અપાવી રહી છે. હાલમાં ખેડૂતોને AI આધારિત સ્માર્ટ સિંચાઈ, ડ્રોન મેપિંગ કીટ ઓળખ અને ડિજિટલ માર્કેટ જેવી AI ટેકનોલોજીનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં AIનો ઉપયોગ ગવર્નન્સ કામોમાં અને આરોગ્ય સેવાઓમાં પણ ઝડપથી વધી રહ્યો છે. હવે સેટેલાઇટ ઇમેજિંગ અને AI અલ્ગોરિધમ્સની મદદથી મહેસૂલ વિભાગમાં જમીનનો ડિજિટલ નકશો બનાવવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, આનાથી જમીન ફાળવણી સંબંધિત વિવાદોમાં ઘટાડો જોવા મળશે.

વધુમાં ખાણકામથી 25 જિલ્લાઓમાં AI આધારિત 57 ચેક ગેટ સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીં ગેરકાયદેસર ખાણકામ રોકવા માટે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશનું પ્રથમ AI આધારિત 'સ્તન કેન્સર સ્ક્રીનીંગ સેન્ટર' પણ ફતેહપુરમાં ખોલવામાં આવ્યું છે, જેથી આરોગ્ય ક્ષેત્રમાં AI ક્રાંતિ લાવી શકાય.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
