Petrol Pump Raids : આખા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પંપ પર દરોડા, 16 પંપમાં ગેરરીતિ પકડાઈ, કડક પગલાં હાથ ધરાયા
ગુજરાતના તોલમાપ વિભાગે 18-19 જુલાઈએ રાજ્યભરમાં 267 પેટ્રોલ-ડીઝલ પંપોની ચકાસણી કરી હતી. 16 પંપો પર ગેરરીતિઓ મળી આવી હતી જેમ કે માપક સાધનોની ખામી, પ્રમાણપત્રોનો અભાવ, અને યોગ્ય ચકાસણી ન કરાવી હોવી.

રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા 18 અને 19 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં બે દિવસીય વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં શહેરો અને હાઈવે પર આવેલા કુલ 267 જેટલા પેટ્રોલ અને ડીઝલ પંપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન રાજ્યના 16 જેટલા પેટ્રોલ-ડીઝલ પંપ પર કાયદા અને નિયમોના ઉલ્લંઘન સહિતની વિવિધ ગેરરીતિઓ જણાઈ હતી. જેથી તુરંત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ વસૂલવામાં આવ્યો છે. તોલમાપ તંત્ર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ઝુંબેશ માટે નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તથા ઈન્સ્પેક્ટરોની ટીમે જિલ્લાવાર તપાસ હાથ ધરી હતી.

ગેરરીતિ ધરાવતા પંપોમાં સૌથી વધુ 3 પંપ અમદાવાદ જિલ્લામાં, 2 પંપ પંચમહાલ જિલ્લામાં નોંધાયા હતા. જ્યારે વડોદરા, સુરત, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, હિંમતનગર (સાબરકાંઠા) અને મોરબી જિલ્લામાં દરેકમાં 1-1 પંપ પર ગેરરીતિ સામે આવી હતી.

તપાસ દરમિયાન કેટલીક સામાન્ય પરંતુ ગંભીર ગેરરીતિઓ સામે આવી છે જેમ કે સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, કેપેસિટી મેજર તથા ડીસ્પેંસિંગ યુનિટનું મુદ્રાંકન અથવા ફેરચકાસણી ન કરાવવી, તેમજ ઇંધણના માપન માટે જરૂરી ખરાઇ પ્રમાણપત્ર ના દર્શાવવું વગેરે. તોલમાપ તંત્રએ જણાવ્યું કે લોકો મુસાફરી દરમિયાન તથા રોજિંદી જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ ખરીદે છે. ઘણીવાર આવી ખરીદીમાં ગ્રાહકોને છેતરવામાં આવે છે, તેથી ગ્રાહકોના હિતમાં આ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગ્રાહકોને પોતાનાં હક વિશે જાગૃત કરવો અને પંપોમાં કાયદાની જોગવાઇઓનું પાલન સુનિશ્ચિત કરાવવાનો રહ્યો છે. તંત્રએ વધુમાં જણાવ્યું કે આવી ઝુંબેશો આગળ પણ ચાલુ રહેશે અને ગેરરીતિ કરવા બદલ જવાબદાર પંપોને કડક કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
