Breaking News : દુનિયાના ટોપ CEOsની ચેતવણી… અસલી સંકટ હજુ બાકી, ઈરાન યુદ્ધ બજારની ધારણા કરતા પણ વધુ ‘ખતરનાક’!
પડદા પાછળ એક એવો ખેલ ખેલાઈ રહ્યો છે કે, જેની ગંભીરતાનો અંદાજ હજુ બજારને પણ નથી. તેલ અને ગેસ ક્ષેત્રના સૌથી મોટા જાણકારોએ એક એવી ચેતવણી આપી છે કે, જેણે વિશ્વના શક્તિશાળી દેશોની ઊંઘ ઉડાડી દીધી છે.

દુનિયાની મોટી તેલ અને ગેસ કંપનીઓના પ્રમુખોએ ઈરાન યુદ્ધ (Iran war) ની આર્થિક અસર અંગે ગંભીર ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, એનર્જી માર્કેટ હજુ પણ સપ્લાય સંકટના ખરા આંકડાને કિંમતોમાં ઉતારી રહ્યું નથી, જેના કારણે જો સંઘર્ષ ચાલુ રહ્યો તો એશિયા અને યુરોપમાં તેલની ભારે તંગી સર્જાઈ શકે છે. હ્યુસ્ટન (Houston) માં S&P Global ની CERAWeek કોન્ફરન્સમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, નુકસાન માત્ર કિંમતો સુધી મર્યાદિત નથી પરંતુ હવે વાસ્તવિક સપ્લાય પણ પ્રભાવિત થઈ રહી છે.

ઉદ્યોગનો મુખ્ય સંદેશ સ્પષ્ટ હતો કે, આ હવે માત્ર જીઓ-પોલિટિકલ તણાવના પ્રીમિયમની વાર્તા નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) બંધ થવાથી દુનિયા એક મોટા સપ્લાય સંકટનો સામનો કરી રહી છે, જેના કારણે તેલ અને ગેસની કિંમતો યુદ્ધ ખતમ થયા પછી પણ ઊંચી રહી શકે છે, કારણ કે દેશોને તેમના ખાલી થયેલા ભંડાર ભરવા અને ઉત્પાદન પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે.

કોનોકોફિલિપ્સ (ConocoPhillips) ના સીઈઓ રાયન લાયન્સે જણાવ્યું હતું કે, દરરોજ 8 થી 10 મિલિયન બેરલ તેલ અને ગ્લોબલ LNG માર્કેટના લગભગ 20 ટકા હિસ્સાને હટાવવાથી મોટી અસર પડ્યા વગર રહી શકે નહીં. તેમણે કહ્યું કે, સિસ્ટમમાંથી સપ્લાય ખૂબ ઝડપથી ઓછી થઈ રહી છે અને માર્કેટ તેને સરળતાથી પચાવી (absorb) શકતું નથી. આ સિવાય કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનના સીઈઓ શેખ નવાફ અલ-સબાહે (Sheikh Nawaf al-Sabah) સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બંધ થવાને પશ્ચિમ એશિયાના તેલ ઉત્પાદકો સામે આર્થિક નાકેબંધી (Economic Blockade) ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ ઉથલપાથલ માત્ર અખાતી ઉત્પાદકો (Gulf Producers) પર હુમલો નથી પરંતુ તે સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને અસર કરી રહી છે. એવામાં આની 'ડોમિનો ઇફેક્ટ' વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ફેલાઈ શકે છે.

સ્વતંત્ર વિશ્લેષક (Independent Analyst) પોલ સાંકીએ (Paul Sankey) તેને વર્ષ 1973ના આરબ ઓઈલ એમ્બાર્ગો પછીનો સૌથી ગંભીર 'ઓઈલ શોક' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું આ રીતે બંધ થવું અગાઉ ક્યારેય જોવામાં આવ્યું નથી અને સ્થિતિ અત્યંત ગંભીર છે. અધિકારીઓની આ ચેતવણીઓ અમેરિકા સરકારના દ્રષ્ટિકોણથી અલગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટે તેને ટૂંકાગાળાનું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ઈરાનને નબળું પાડવાના લાંબાગાળાના લક્ષ્ય માટે આ કિંમત ચૂકવવી પડશે.

જો કે, કંપનીના અધિકારીઓએ ઓપરેશનલ અને રોકાણના જોખમને વધુ ગંભીર ગણાવ્યું હતું. રાયન લાયન્સે જણાવ્યું હતું કે, કોનોકોફિલિપ્સ કતારમાં તેની સંપત્તિઓની સુરક્ષા માટે અમેરિકા સરકાર પાસે સૈન્ય મદદ માંગી રહી છે. ડ્રોન હુમલાઓ (Drone attacks) પછી કંપનીએ તેના બિનજરૂરી કર્મચારીઓને હટાવવા પડ્યા હતા અને કતારના LNG હબને બંધ કરવું પડ્યું હતું, જ્યાં કંપનીનું મોટું રોકાણ છે. આ સ્થિતિ દર્શાવે છે કે, હવે મામલો માત્ર ક્રૂડ ઓઈલની કિંમતો (Crude Oil Price) વધવા સુધી મર્યાદિત નથી પરંતુ વાસ્તવિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપોર્ટ ફેસિલિટી અને કર્મચારીઓની સુરક્ષા પણ જોખમમાં છે.

અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, એનર્જીના ભાવ યુદ્ધ પછી પણ લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન ક્રૂડ 49 ટકા વધીને 99.64 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ 55 ટકા વધીને 112.57 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તેમ છતાંય ઘણા અધિકારીઓનું કહેવું છે કે, ફ્યુચર્સ કિંમતો હજુ પણ વાસ્તવિક સપ્લાયની સ્થિતિ દર્શાવતી નથી.
Breaking News: સુપરપાવર અમેરિકાના ગઢમાં ધ્રુજારી ! કિમ જોંગ ઉને ખેલ્યો અત્યાર સુધીનો સૌથી ‘મોટો દાવ’, શું આ સર્વનાશનો સંકેત છે?
