IPL 2026 પહેલા આ ટીમે લીધો મોટો નિર્ણય, મુખ્ય કોચને હટાવ્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા એક ટીમે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ ટીમે તેના મુખ્ય કોચને હટાવવાની જાહેરાત કરી છે. આ ટીમનું પ્રદર્શન છેલ્લી સિઝનમાં ખૂબ જ ખરાબ રહ્યું હતું, જે આ નિર્ણયનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે બધી ટીમોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. 3 વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સે એક મોટો નિર્ણય લીધો છે. IPLની આગામી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ નવા મુખ્ય કોચ સાથે મેદાનમાં ઉતરશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ તેમના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પંડિત, જેમના માર્ગદર્શન હેઠળ KKRએ 2024માં ત્રીજું IPL ટાઇટલ જીત્યું હતું, તેઓ હવે 2026 સિઝન માટે ટીમ સાથે રહેશે નહીં.

KKRએ પોસ્ટ કરી જણાવ્યું કે, 'શ્રી ચંદ્રકાંત પંડિતે નવી તકો શોધવાનો નિર્ણય લીધો છે અને તેઓ KKRના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે નહીં. અમે તેમના અમૂલ્ય યોગદાન માટે આભારી છીએ તેમના નેતૃત્વ અને શિસ્તે ટીમ પર કાયમી અસર છોડી છે. અમે તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.'

ચંદ્રકાંત પંડિતને 2022માં KKRના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમનું સ્થાન લીધું હતું.

ઘરેલુ ક્રિકેટમાં છ રણજી ટ્રોફી ટાઈટલ જીતનારા કોચ તરીકે પ્રખ્યાત પંડિત 3 સિઝન માટે KKRના મુખ્ય કોચ હતા.

તેમના નેતૃત્વમાં, KKRએ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજો IPL ખિતાબ જીત્યો હતો. પંડિતની રણનીતિ અને ગૌતમ ગંભીરના માર્ગદર્શને આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પરંતુ 2025 સિઝનમાં KKRનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. ટીમ 14 માંથી ફક્ત 5 મેચ જીતી શકી અને પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહીં.

અહેવાલો અનુસાર, પંડિતે એક વિદેશી ખેલાડી દ્વારા વિરોધી ટીમના ખેલાડી સાથે ડિનર (રાત્રિભોજન) કરવા પર વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ તેમની કોચિંગ શૈલી પર સવાલો ઉભા થયા હતા. ત્યારથી તેઓ હેડલાઈન્સમાં હતા અને હવ તેઓ ટીમથી અલગ થઈ ગયા છે. (All Photo Credit : PTI / GETTY / IPL / KKR)
IPL 2026 પહેલા અનેક ટીમોએ કોચિંગ અને મેનેજમેન્ટમાં ફેરફાર શરૂ કરી દીધા છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
