IPL 2025 : વૈભવ સૂર્યવંશીને મળશે ખાસ એવોર્ડ ? ફાઈનલ પછી કરવામાં આવશે જાહેરાત
IPL 2025 દરમિયાન, રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સૌથી વધુ સમાચારમાં હતા. તેમણે 14 વર્ષની ઉંમરે બધાને પોતાના ચાહક બનાવી લીધા હતા. આ વખતે તે મોટો IPL એવોર્ડ જીતવાની રેસમાં છે.

IPL 2025 હવે સમાપ્ત થવા જઈ રહી છે. આ સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી. જોકે, બિહારના 14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું, તે આ વખતે સૌથી વધુ સમાચારમાં રહ્યો. હવે તે મોટો IPL એવોર્ડ જીતવાની રેસમાં પણ છે.

27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં જન્મેલા વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 14 વર્ષની ઉંમરે ડેબ્યુ કરી, સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરનાર ખેલાડી બનવાનો રેકોર્ડ બનાવ્યો.

19 એપ્રિલ 2025ના રોજ, જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે ડેબ્યુ કરતા, વૈભવે પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને પોતાની આક્રમક શૈલીનો પરિચય આપ્યો.

આ પછી, 28 એપ્રિલ 2025ના રોજ, ગુજરાત ટાઈટન્સ સામે વૈભવે 38 બોલમાં 101 રનની તોફાની ઈનિંગ રમી, જેમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સદી માત્ર 35 બોલમાં આવી, જે ક્રિસ ગેલની 30 બોલની સદી પછી IPLમાં બીજી સૌથી ઝડપી અને કોઈ ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી છે.

14 વર્ષની ઉંમરે સેન્ચુરી ફટકારી વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો. આ ઈનિંગે વૈભવને રાતોરાત સ્ટાર બનાવી દીધો અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ. તે હવે IPL ઈમર્જિંગ પ્લેયર એવોર્ડ જીતવાના સૌથી મોટા દાવેદારોમાંનો એક છે.

IPL ઈમર્જિંગ પ્લેયર એવોર્ડ એવા યુવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમનો જન્મ 1 એપ્રિલ 1999ના રોજ અથવા તે પછી થયો હોય, જેમણે 5 થી વધુ ટેસ્ટ કે 20 થી વધુ ODI રમી ન હોય, આ સિવાય સિઝન શરૂ થાય તે પહેલા 25થી ઓછી IPL મેચ રમી હોય અને આ એવોર્ડ પહેલા જીત્યો ન હોય. વૈભવ આ બધા માપદંડો પર ખરો ઉતરે છે.

IPL 2025માં વૈભવે 7 ઈનિંગ્સમાં 252 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે અને તેનો સ્ટ્રાઈક રેટ 206.55 હતો. જોકે, આ એવોર્ડની રેસમાં સાઈ સુદર્શન પણ એક મોટું નામ છે. તેણે આ સિઝનમાં 15 મેચમાં 759 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપ જીતવાની રેસમાં ટોપ પર છે. (All Photo Credit : PTI / GETTY)
IPL 2025માં બિહારના 14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ધમાલ મચાવી હતી. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































