IPL 2024: GT vs RCBની મેચ વચ્ચે અમદાવાદમાં ફરી ચમક્યો સાઈ સુધરસન, ગુજરાતના મુશ્કેલ સમયમાં કર્યું આ મોટું કામ
ગુજરાત ટાઈટન્સનો યુવા સ્ટાર સાઈ સુધરસન ફરી એકવાર અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચમક્યો છે. સુધરસને મુશ્કેલ સમયમાં શાનદાર અડધી સદી ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 45મી મેચમાં ગુજરાત ટાઈટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સ ટીમના યુવા બેટ્સમેન સાઈ સુધરસને ફરી એકવાર પોતાની બેટિંગથી સૌના દિલ જીતી લીધા છે. સાઈ સુધરસને તેની IPL કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી છે.

સુધરસનની આ ઇનિંગને કારણે ગુજરાત ટાઇટન્સ ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સ ટીમે શરૂઆતમાં જ રિદ્ધિમાન સાહાની વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં સાઈ સુધરસને બીજી ઓવરમાં જ બેટિંગ કરવા આવવું પડ્યું હતું.

સાઈ સુધરસને પહેલા કેપ્ટન સાથે શાનદાર ભાગીદારી કરી હતી, ત્યારે શુભમન ગિલ આઉટ થયા બાદ તેણે મુશ્કેલ સમયમાં ઇનિંગની જવાબદારી સંભાળી અને ધીરે ધીરે તેને આગળ લઈ ગયો. તેણે માત્ર 49 બોલમાં 84 રન બનાવ્યા હતા.

સાઈ સુધરસને આ દરમિયાન 8 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. સુધરસને IPL 2024માં 400 રન પૂરા કર્યા છે. આ કારનામું કરનાર વિરાટ કોહલી બાદ તે બીજો ખેલાડી બની ગયો છે.

મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઈટન્સની ટીમે સાઈ સુધરસન અને શાહરૂખ ખાનની વિસ્ફોટક ઈનિંગ્સને કારણે જંગી સ્કોર બનાવ્યો છે. શાહરૂખ ખાને 58 રન અને સાઈ સુદર્શને 84 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા.

































































