IND vs ENG : જસપ્રીત બુમરાહ કેમ ન બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? પોતે જ કર્યો મોટો ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ પ્રવાસ શરૂ થાય તે પહેલા એક મોટો ખુલાસો કર્યો છે. બુમરાહે જણાવ્યું છે કે BCCIએ તેને એક મોટી ઓફર આપી હતી. પરંતુ તેણે આ નિર્ણય પોતાની ફિટનેસ અને ટીમના હિતમાં લીધો હતો.

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ શ્રેણી માટે તૈયાર છે. આ પ્રવાસમાં બુમરાહના ખભા પર એક મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. તે ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરવાની સાથે શુભમન ગિલને કેપ્ટનશીપમાં પણ મદદ કરશે. રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી ગિલને આ ભૂમિકા મળી છે.

પરંતુ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી બુમરાહને નવા કેપ્ટન બનવા માટે મોટો દાવેદાર માનવામાં આવતો હતો. પરંતુ બુમરાહને ટેસ્ટનો કેપ્ટન કેમ ન બનાવવામાં આવ્યો. હવે પહેલી ટેસ્ટના ત્રણ દિવસ પહેલા બુમરાહે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

બુમરાહે ખુલાસો કર્યો હતો કે તેણે ટેસ્ટ કેપ્ટનશીપની જવાબદારી કેમ ન લીધી. રોહિત-વિરાટ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે તે પહેલા, BCCI દ્વારા બુમરાહને કેપ્ટનશીપની ભૂમિકા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે, બુમરાહે આ જવાબદારી લેવાનો ઈનકાર કર્યો હતો, અને તેની પાછળનું કારણ તેની ફિટનેસ અને ટીમના હિતને પ્રાથમિકતા આપવાનું હતું.

બુમરાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'રોહિત-વિરાટ નિવૃત્ત થયા તે પહેલા, IPL દરમિયાન, મેં BCCI સાથે વાત કરી, પાંચ મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન વર્કલોડ મેનેજમેન્ટ પર ચર્ચા કરી, મારી ઈન્જરીનું ધ્યાન રાખનારાઓ સાથે વાત કરી. જે પછી અમે આ નિષ્કર્ષ પર આવ્યા કે આપણે થોડા વધુ સ્માર્ટ બનવું પડશે, પછી મેં BCCIને ફોન કર્યો અને કહ્યું હું કેપ્ટનશીપ માટે હું તૈયાર નથી, કારણ કે હું બધી ટેસ્ટ મેચ રમી શકીશ નહીં.'

બુમરાહે આગળ કહ્યું, 'BCCI મને કેપ્ટનશીપની ભૂમિકા તરીકે જોઈ રહ્યું હતું, પરંતુ મારે તેમને ના કહેવું પડ્યું કારણ કે જ્યારે કોઈ કેપ્ટનશીપ કરી રહ્યું હોય છે, ત્યારે તે આદર્શ નથી કે કોઈ 3 ટેસ્ટ મેચમાં જવાબદારી સંભાળે અને પછી કોઈ બીજાએ બાકીની ટેસ્ટ મેચનું નેતૃત્વ કરવું પડે. તેથી તે ટીમ માટે યોગ્ય નથી કારણ કે હું ટીમને પહેલા રાખવા માંગતો હતો.'

છેલ્લા કેટલાક વર્ષોમાં, પીઠની ઈજાએ બુમરાહને ખૂબ જ પરેશાન કર્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં પીઠની ઈજાને કારણે છેલ્લી મેચની વચ્ચે જ તે મેદાન છોડી બહાર ચાલ્યો ગયો. આ પછી, તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમી શક્યો નહીં. આવી સ્થિતિમાં, બુમરાહ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ લેવા માંગતો નથી, જેથી તે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બધાની નજર બુમરાહના પ્રદર્શન પર રહેશે. જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
