Business Idea: નોકરી કરીને કંટાળ્યા? ચિંતા ના કરશો આ બિઝનેસ તમારા માટે જ છે, રમતા-રમતા પૈસા કમાશો
આજની તારીખમાં દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરે છે પરંતુ વાત જ્યારે ઇન્વેસ્ટમેન્ટની આવે ત્યારે પીછેહઠ કરી દે છે. એવામાં ચાલો જાણીએ કે, ઓછા બજેટમાં સલૂનનો બિઝનેસ કઈ રીતે શરૂ કરવો...

આજના સમયમાં ગ્રુમિંગ અને સ્ટાઈલની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. શહેરથી લઈને ગામડાં સુધી સલૂનની જરૂરિયાત હંમેશા રહે છે. એવામાં આ બિઝનેસ શરૂ કરવો એક નફાકારક વિકલ્પ બની શકે છે.

સલૂન ખોલવા માટે સૌપ્રથમ યોગ્ય જગ્યા પસંદ કરવી ખૂબ જરૂરી છે. મુખ્ય રસ્તા, બજાર વિસ્તાર કે રહેણાંક કોલોનીની નજીક શોપ ખોલવાથી ગ્રાહકો સરળતાથી આવશે. દુકાનનું સેટઅપ પણ આકર્ષક રાખવું જોઈએ, જેમાં કાચ, લાઈટિંગ, પંખા કે AC અને બેસવાની જગ્યા હોય. આ સાથે સાથે અનુભવી હેરડ્રેસર કે સ્ટાફ રાખવાથી ધંધો વધુ સારી રીતે ચાલી શકે છે.

સલૂન શરૂ કરવા માટે શરૂઆતી ઈન્વેસ્ટમેન્ટમાં દુકાનનું ભાડું લગભગ ₹8,000 થી ₹15,000 સુધીનું, જ્યારે ઇન્ટિરિયર અને સેટઅપ માટે ₹50,000 થી ₹1,00,000 સુધીનો અંદાજિત ખર્ચ થઈ શકે છે. સાધનો અને મશીનો માટે ₹30,000 થી ₹60,000 તેમજ કોસ્મેટિક પ્રોડક્ટ્સ માટે ₹10,000 થી ₹20,000 જેટલો ખર્ચો થઈ શકે છે. ટૂંકમાં કુલ ઈન્વેસ્ટમેન્ટ અંદાજે ₹1.2 લાખથી ₹2 લાખ જેટલું થઈ શકે છે.

જો દુકાન પોતાની હશે તો માસિક ભાડાનો ખર્ચ બચી જશે. સલૂન માટે જરૂરી સાધનોમાં હાઇડ્રોલિક કટીંગ ચેર્સ, મોટા કાચ, હેર ડ્રાયર, ટ્રિમર, ક્લિપર, શેવર, કોસ્મેટિક પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓ જરૂરી છે. આ ઉપરાંત ગ્રાહકો માટે બેસવાની જગ્યા પણ હોવી જોઈએ. નાના સ્તરે સલૂન ખોલવા માટે ખાસ દસ્તાવેજોની જરૂર પડતી નથી પરંતુ દુકાનના ભાડાના એગ્રીમેન્ટ કે માલિકીના દસ્તાવેજો જરૂરી છે.

મોટા શહેરોમાં "શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ લાઈસન્સ" લેવું પડે છે. આ સાથે જ બિઝનેસ બેંક એકાઉન્ટ રાખો તો તે વધુ સારું રહે છે. આ બિઝનેસમાં દૈનિક નફો અને આવક ગ્રાહકોની સંખ્યા ઉપર આધારિત હોય છે.

સામાન્ય રીતે હેરકટ, શેવિંગ કે ટ્રિમિંગ માટે એક ગ્રાહક પાસેથી ₹100 થી ₹300 સુધીનો ચાર્જ કરી શકાય છે. રોજના સરેરાશ 15 થી 25 ગ્રાહકો આવે તો દૈનિક આવક ₹2,000 થી ₹4,000 જેટલી થઈ શકે છે. માસિક આવક અંદાજે ₹50,000 થી ₹90,000 જેટલી અને ખર્ચ બાદ ચોખ્ખો નફો ₹25,000 થી ₹45,000 જેટલો થઈ શકે છે.

માર્કેટિંગ માટે શોપ પર એક આકર્ષક બોર્ડ લગાડવું, ગ્રાહકોને ઓપનિંગ ઓફર કે ડિસ્કાઉન્ટ આપીને આકર્ષો, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ગ્રાહકોને નવી નવી ઓફર મોકલો તેમજ નાના શહેરોમાં લોકલ જાહેરાત કરવી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ફેસ્ટિવલ કે લગ્ન સિઝનમાં ખાસ પેકેજ ઓફર કરીને વધુ ગ્રાહકો આકર્ષી શકાય છે.

હંમેશા દુકાન સ્વચ્છ રાખવી અને ગ્રાહકો સાથે મૈત્રીપૂર્ણ વર્તન રાખવું જરૂરી છે. નવા ટ્રેન્ડ્સ અને સ્ટાઈલ મુજબ વાળ કાપવાની કળાથી યુવા ગ્રાહકોને આકર્ષી શકાય છે. જો રોકાણ વધુ કરવાની ક્ષમતા હોય તો AC, Wi-Fi અને મ્યુઝિક જેવી સુવિધાઓ આપવાથી પ્રીમિયમ ગ્રાહકો પણ મળી શકે છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
