Breaking News: સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો- કોને થશે લાભ- વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં (DA) 2% વધારાને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓેને વર્તમાન મોંઘવારી દર અને તેમના મૂળ વેતનના આધાર પર મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. જ્યારે પેન્શનધારકોને મોંઘવારી રાહત મળે છે.

કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2% વધારાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ વધારા સાથે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરોની મોંઘવારી રાહત (DR) 53% થી વધીને 55% થઈ જશે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે.
મોંઘવારી ભથ્થાના નવા દરો જાન્યુઆરીથી જૂન છમાસિક અને પછી જુલાઈથી ડિસેમ્બર છમાસિક માટે લાગુ પડે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ મોંઘવારી ભથ્થાનો લાભ માત્ર સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે સરકારી કંપનીઓમાં કામ કરતા લોકોને જ ઉપલબ્ધ છે. પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને આમાં કોઈ ફાયદો નથી મળતો.
DA વધવાથી કોને ફાયદો થશે?
કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્તમાન મોંઘવારી દર અને તેમના મૂળ પગારના આધારે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે પેન્શનરોને મોંઘવારી રાહત મળે છે. તેમનો ઉદ્દેશ્ય કર્મચારીઓ અને પેન્શનરો પર મોંઘવારીનો બોજ ઘટાડવાનો છે. સરકાર મોંઘવારી દરના આધારે વર્ષમાં બે વખત તેમાં ફેરફાર કરે છે.
DA વધવાથી કેટલો લાભ મળી શકે?
જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18 હજાર રૂપિયા છે તો તેમાં 2 ટકાનો વધારો કર્યા બાદ તેને દર મહિને 360 રૂપિયા વધુ મળશે. આ રીતે એક વર્ષમાં 4,320 રૂપિયાની વધારાની આવક થશે. જ્યારે પેન્શનરનું બેઝિક પેન્શન 9 હજાર રૂપિયા છે, તો 2 ટકાના વધારા સાથે તેને દર મહિને 180 રૂપિયા વધુ મળશે. એટલે કે તેને એક વર્ષમાં તેના પેન્શનમાં 2,160 રૂપિયાનો લાભ મળશે.
DA શું છે?
મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓને વધતી મોંઘવારી અનુસાર તેમના મૂળભૂત પગારને સમાયોજિત કરવા માટે આપવામાં આવતી રકમ છે. દર 10 વર્ષ પછી પગાર પંચમાં મૂળ પગાર નક્કી કરવામાં આવે છે, પરંતુ DA સમયાંતરે કર્મચારીઓના પગારમાં વધારો સુનિશ્ચિત કરે છે.
2 મહિનાનું મળશે એરિયર્સ
સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં બે મહિનાનું એરિયર્સ પણ એકસાથે ઉમેરીને માર્ચના પગાર સાથે આપવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની સાથે માર્ચનું મોંઘવારી ભથ્થું પણ પગારમાં ઉમેરીને કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર 19,000 રૂપિયા હતો, તો તેને મોંઘવારી ભથ્થા તરીકે 10,070 રૂપિયા મળશે. હવે 2 ટકાના વધારા બાદ આ ભથ્થું 10,450 રૂપિયા થઈ ગયું છે.
કેટલો વધશે પગાર ?
- જો કોઈ વ્યક્તિનો મૂળ પગાર 50 હજાર રૂપિયા છે, તો 53% DA મુજબ, તેને 26,500 નું મોંઘવારી ભથ્થું મળશે, પરંતુ 55 ટકા DA અનુસાર, તેને 27,500 નું DA મળશે. એટલે કે કર્મચારીઓના પગારમાં 1000 રૂપિયાનો વધારો થશે.
- જ્યારે 70 હજાર રૂપિયાના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું ₹37,100 હશે, પરંતુ 55 ટકા DA અનુસાર મોંઘવારી ભથ્થું ₹38,500 થશે. એટલે કે આવા કર્મચારીઓના પગારમાં ₹1,400નો વધારો થશે.
- એ જ રીતે, ₹1,00,000નો મૂળ પગાર ધરાવતા લોકોને 53 ટકા ડીએના દરે ₹53,000 મોંઘવારી ભથ્થું મળતું હતું, પરંતુ હવે તેમને 55 ટકાના દરે ₹55,000નું DA મળશે. એટલે કે કર્મચારીઓના પગારમાં માસિક રૂ. 2000નો વધારો થશે.
78 મહિનામાં આ પ્રથમ વખત બન્યું છે
છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થામાં માત્ર 3 થી 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ 78 મહિનામાં એટલે કે 6.6 વર્ષમાં પ્રથમ વખત ડીએમાં માત્ર 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2018માં મોંઘવારી ભથ્થામાં 2 ટકાના દરે વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી, માત્ર 3 અથવા 4 ટકાનો વધારો સતત જોવા મળ્યો છે.