Chandrayan 3: ‘બાહુબલી’થી ઈતિહાસ રચશે ISRO, જાણો ચંદ્રયાન 3 વિશેના દરેક સવાલના જવાબ
સમય આવી ગયો છે જ્યારે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરી શકે છે. જો આ મિશન સફળ થશે તો ભારત એવો ચોથો દેશ બની જશે. આ પહેલા ચીન, અમેરિકા, રશિયા તેમના અવકાશયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂક્યા છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો ઈતિહાસ રચવા માટે તૈયાર છે, સમય આવી ગયો છે જ્યારે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરી શકે છે. જો આ મિશન સફળ થશે તો ભારત એવો ચોથો દેશ બની જશે. આ પહેલા ચીન, અમેરિકા, રશિયા તેમના અવકાશયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂક્યા છે.
ISRO ચીફ એસ. સોમનાથે ચંદ્રયાન-3ના પ્રક્ષેપણની તારીખની પુષ્ટિ કરી છે, ISRO ચીફના જણાવ્યા અનુસાર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, તેને 12 થી 19 જુલાઈ વચ્ચે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને 13 જુલાઈએ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવી શકે છે.
ખાસ વાત એ છે કે આ વખતે આ મિશન ‘બાહુબલી’ એટલે કે જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ MK III ના ખભા પર હશે. આ ત્રીજા સ્ટેજનું લોન્ચ વ્હીકલ છે, જેને ISRO દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે. તે દેશનું સૌથી ભારે લોન્ચ વ્હીકલ છે, જેને બાહુબલીનું ઉપનામ આપવામાં આવ્યું છે.
શું છે ચંદ્રયાન-3 મિશન
આ ISROનું ચંદ્ર પરનું ત્રીજું મિશન છે, તેથી તેને ચંદ્રયાન-3 નામ આપવામાં આવ્યું છે, સૌપ્રથમ ISROએ 2008માં ચંદ્રયાન-1 લોન્ચ કર્યું હતું. જે ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં સફળ રહ્યુ હતુ. 2019 માં, ભારતે ચંદ્રયાન-2 સાથે બીજો પ્રયાસ કર્યો, પરંતુ ચંદ્ર પર લેન્ડર પહેલા જ રોવરમાં ખામીને કારણે આ પ્રયાસ નિષ્ફળ ગયો. એક રીતે, ચંદ્રયાન-3 એ બીજા મિશનનું ફોલોઅપ છે. આમાં તે સફળતા મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે ચંદ્રયાન-2ના સમયે અધૂરા રહા ગયા હતા.
ચંદ્રયાન-2 કેમ નિષ્ફળ થયું?
ઈસરોએ 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું. તે ચંદ્ર પર પહોંચવામાં સફળ રહ્યું, 47 દિવસની સફર પૂર્ણ કર્યા બાદ તેનું લેન્ડર વિક્રમ ચંદ્ર પર ઉતરવાના થોડાક કિમી પહેલા જ ખરાબ થઈ ગયું. આ કારણોસર, લેન્ડિંગ સાઇટ સાથે સંપર્ક તૂટી જવાને કારણે ISROનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ગત વખતે થયેલી ભૂલોને ધ્યાનમાં રાખીને આ વખતે ઈસરોએ મોટા પાયે તૈયારીઓ કરી છે, એવું માનવામાં આવે છે કે આ વખતે ભારતનું અવકાશયાન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચશે.
તમામ કસોટીઓ પાસ કરી છે
ચંદ્રયાન-3એ લોન્ચિંગ પહેલા પરીક્ષણ પ્રક્રિયાને પાર કરી લીધી છે, તે તમામ પરીક્ષણોમાં સફળ રહ્યું છે, ખાસ કરીને લોન્ચિંગ વ્હીકલના ઉપરના તબક્કાને ઝડપી બનાવવા માટે તેમાં સ્થાપિત ક્રાયોજેનિક CE-20 એન્જિનનું પરીક્ષણ પણ સફળ રહ્યું છે. લેન્ડર પણ તેના ટેસ્ટમાં પાસ થઈ ગયું છે. ઈસરોએ યોજના બનાવી છે કે આ વખતે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવશે. પરીક્ષણ માટે, ઈસરોએ ખાસ કરીને બેંગ્લોરથી 250 કિમી દૂર ચલ્લાકેરે નજીક ચંદ્રની સપાટી જેવા ખાડાઓ બનાવ્યા હતા, જેમાં લેન્ડર અને રોવરને લેન્ડ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ચંદ્ર સુધી પહોંચવાના ત્રણ ભાગ
- પ્રોપલ્શન મોડ્યુલ: કોઈપણ અવકાશ મિશન પર જતા વ્હીકલનો આ પહેલો ભાગ છે, જે કોઈપણ અવકાશ જહાજને ઉડવાની શક્તિ આપે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે કોઈપણ સ્થિતિમાં ઉડાન ભરી શકે છે.
- લેન્ડર મોડ્યુલ: આ ચંદ્રયાન-3નો બીજો અને સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ જ ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવશે. રોવરને યોગ્ય રીતે ચંદ્રની સપાટી પર લાવવા માટેની જવાબદારી તેની છે.
- રોવરઃ ચંદ્રયાનનો આ ત્રીજો મોટો ભાગ છે જે લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી માહિતી એકઠી કરશે અને મૂવમેન્ટ બાદ પૃથ્વી પર મોકલશે.
રોવર કેટલા દિવસ કામ કરશે
ISRO ચંદ્રયાન-3થી ચંદ્રની સપાટી પર જે રોવર લેન્ડ કરશે તેને એક ચંદ્ર દિવસના સમયગાળા માટે તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે આ રોવર ચંદ્ર પર એક દિવસ પસાર કરશે. ખાસ વાત એ છે કે ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. એટલે કે સતત 14 દિવસ સુધી આ રોવર ચંદ્ર વિશેની માહિતી પૃથ્વી પર મોકલતું રહેશે. એવું પણ શક્ય છે કે આ મિશન લાંબા સમય સુધી ચાલતું રહે અને સતત માહિતી મોકલતું રહે.
અગાઉની ભૂલનું પુનરાવર્તન નહીં કરે ISRO
ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીની ખૂબ નજીક પહોંચ્યા બાદ નુકસાન થયું હતું અને તેનું હાર્ડ લેન્ડિંગ થયું હતું, આ વખતે લેન્ડરમાં એવા સેન્સર લગાવવામાં આવ્યા છે જે ચંદ્રયાનની ગતિને નિયંત્રિત કરશે. વૈજ્ઞાનિકોના મતે આ વખતે લેન્ડિંગની પ્રક્રિયા ચંદ્રની સપાટીથી સાત કિમી ઉપરથી શરૂ થશે. પાંચ કિમીનું અંતર કાપ્યા બાદ તેના સેન્સર સક્રિય થઈ જશે, જે ચંદ્રની સપાટી પર તેનું સફળ લેન્ડિંગ કરશે.
ચંદ્રની સપાટી વિશે જાણશે
ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી વિશે માહિતી એકત્ર કરશે. ઈસરોના ચીફ એસ સોમનાથના જણાવ્યા અનુસાર, અલબત્ત અગાઉનું મિશન નિષ્ફળ રહ્યું હતું, પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું હતું. અમે એ જ શીખની સાથે આગળ વધી રહ્યા છીએ, ચંદ્રયાન-3ની સફળતા નિશ્ચિત છે અને અમને તેમાંથી ઘણું શીખવા મળશે.
આટલો છે ખર્ચ
ઈસરોના ચંદ્રયાન-3ને લગભગ 615 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યું છે. જો કે તેનો કુલ ખર્ચ લગભગ એક હજાર કરોડ રૂપિયા હશે. એવું કહેવાય છે કે ચંદ્રયાન-3ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ પર લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે તેના લોન્ચિંગ પર 365 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
GSLV Mk III રોકેટ જેની સાથે તેને લોન્ચ કરવામાં આવશે તેની કિંમત પણ લગભગ 350 કરોડ છે. આ પહેલા ચંદ્રયાન-2ની કુલ કિંમત પણ 978 કરોડ રૂપિયા હતી. જેમાં 603 કરોડ રૂપિયા મિશન પર અને બાકીનો રોકેટ પર ખર્ચ કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-1 મિશન રૂ. 386 કરોડમાં પૂર્ણ થયું હતું. એક રિપોર્ટ અનુસાર, આમાંથી 82 લાખ રૂપિયાની બચત કરવામાં આવી હતી.