ગુજરાત સરકારે ‘ધોલ’ માછલીને જ કેમ રાજ્યની માછલી તરીકે આપી માન્યતા ખબર છે? આ રહ્યા એ ખાસ કારણ
ગુજરાતે ઘોલ માછલીને રાજ્યની માછલી તરીકે માન્યતા આપી છે. આ પહેલીવાર નથી જ્યારે દેશના કોઈપણ રાજ્યએ પોતાની સ્ટેટ ફિશની જાહેરાત કરી હોય. આવા સંજોગોમાં ગુજરાતે ધોલ માછલીને રાજ્યની માછલી તો જાહેર કરી દીધી છે પણ જાણો કે આખરે તે શક્ય બન્યુ કેમ, તો અમે તમને જણાવીશું એ ખાસ વિગતો
ગુજરાતના 1600 કિમિ લાંબા દરિયા અને તેની સાથે સંકળાયેલા સાગરખેડુઓ માટે તેમની જીંદગી ગણો કે વિકાસ બધુ તેના પર જ નિર્ભર છે. આ વચ્ચે ગુજરાત સરકારે તાજેતરમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સરકારે ‘ધોલ’ માછલીને રાજ્યની માછલી તરીકેની માન્યતા આપી છે.
હવે એમ પણ આ કઈ પહેલીવાર નથી કે સરકારે કોઆ માછલીને રાજ્યની માન્યતા આપી હોય. આ અગાઉ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની સરકારે પણ પોતાની માછલીની જાહેરાત કરી હતી. ગુજરાતમાં ઘણા પ્રકારની માછલીઓ મળી આવે છે તો હવે આ ધોલ જાતિની માછલી પર જ સરકારે કેમ પસંદગી ઉતારી તે સ્વાભાવિક પણે સૌને જાણવાની જીજ્ઞાસા હોય છે.
તો સમજો પાંચ પોઈન્ટમાં ઘોલ ફિશની સ્ટોરી
- ચીન સહિત વિદેશમાં માગ: ઘોલ માછલી મોટા ભાગે પ્રશાંત મહાસાગરમાં મળી આવતી માછલી છે અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કાંઠા પર ખાસ જોવા મળે છે. આ માછલીનું આર્થિક રીતે ઘણું મહત્વ ધરાવે છે. સ્થાનિક સ્તરે ખરીદદારો કરતા ચીન સહિત અન્ય વિદેશમાં તેની ઘણી માગ છે.
- દવા માટે ખાસ ઉપયોગ: તમને જણાવી દઈએ કે આ માછલીનું માંસ મધ્ય પૂર્વથી લઈ યુરોપના દેશ સુધી મોકલવામાં આવે છે. ખાસ કરીને તેના બ્લેડરની માગ ચીન, હોંગકોંગ અને અન્ય એશિયન દેશમાં વધારે છે. રાજ્યની અર્થ વ્યવસ્થામાં તેનું મહત્વ ઘણું છે.
- ધોલ માછલી અને એર બ્લેડર: ધોલ માછલીના એર બ્લેડરને સુકવીને તેનો ઉપયોગ દવા બનાવવામા કરવામાં આવે છે. આ માછલીના પેટમાંથી તેનું એર બ્લેડર કાઢીને સુકવીને તેનો વિવિધ દેશમાં પણ મોકલવામાં આવે છે.
- ધોલ માછલી છે કિંમતી: પાંચ હજારથી લઈને પંદર હજાર સુધીની કિંમત ધરાવતી માછલી કિલોના ભાવે મળે છે. આ માછલીનું વધારેમાં વધારે વજન 25 કિલો સુધીનું હોય છે અને તેના એર બ્લેડરની કિંમત સૌથી વધારે છે જે 25 હજાર પ્રતિ કિલો સુધી પોંહચી જાય છે.
- ધોલ માછલીની પસંદગી કેમ કરવામાં આવી?: રાજ્ય સરકારના ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાનનું માનીએ તો ધોલ માછલી પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. આ કારણોને લઈને જ તેને રાજ્યની માન્યતા પ્રાપ્ત માછલીના લિસ્ટમાં મુકવામાં આવી છે. અલભ્ય હોવાની સાથે આર્થિક રીતે પણ તેનું મહત્વ ઘણું વધારે છે એટલે જ તેની માવજત કરવાની જરૂર છે.
રાજ્યની માછલી તરીકેની માન્યતા કઈ રીતે મળે છે?
નીતિન સાંગવાન કહે છે કે, કોઈપણ રાજ્ય આની જાહેરાત કરી શકે છે. જો કે, આ એટલી સરળ પ્રક્રિયા નથી. આ માટે રાજ્યોના પ્રતિનિધિઓ પાસેથી સલાહ લેવામાં આવે છે. ઘોલ ઉપરાંત રિબન ફિશ, પફરફિશ અને બોમ્બે ડકને પણ રાજ્યની માછલી તરીકે જાહેર કરવાના માર્ગમાં સામેલ કરવામાં આવી હતી, પરંતુ ઘણી વિશેષતાઓને આધારે ઘોલને રાજ્યની માછલીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.