Israel Hamas War : શુ છે હમાસ, તે કેટલું શક્તિશાળી આતંકી સંગઠન છે ? જાણો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના વિવાદની શરૂઆત, જેનો અંત આવ્યો નથી
ગયા શનિવારે સવારે આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. પેલેસ્ટિનિયન હમાસ જૂથ અને ઇઝરાયેલ વચ્ચેનો આ સંઘર્ષ નવોનવો નથી. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વર્ષો જૂનો વિવાદ ચાલી રહ્યો છે. આ અહેવાલ દ્વારા જાણો બન્ને દેશ વચ્ચેના વિવાદનું સાચું કારણ શું છે, જેના કારણે આ બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ વર્ષોથી યથાવત રહેવા પામી છે.
Israel Hamas War : ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ફરી એકવાર સામસામે આવી ગયા છે. ગયા શનિવારે હમાસે ગાઝા પટ્ટીમાંથી અસંખ્ય રોકેટ છોડીને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. માત્ર રોકેટ દ્વારા જ નહી, પરંતુ આકાશ અને દરિયાઈ માર્ગે પણ આતંકી સંગઠન હમાસના લડવૈયાઓ ઈઝરાયેલના નિર્દોષ નાગરિકો પર ત્રાટક્યા હતા. આનાથી ગુસ્સે ભરાયેલા ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી દીધી. પેલેસ્ટાઈનના અન્ય ઈસ્લામિક સંગઠનોમાં હમાસ સૌથી શક્તિશાળી અને ખૂંખાર માનવામાં આવે છે. આતંકી સંગઠન હમાસ ઈઝરાયેલની દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલા ગાઝા પટ્ટી પર શાસન કરે છે. હમાસની સ્થાપના ઇઝરાયેલ સામે બળવો કરવા માટે કરવામાં આવી હતી. આ અહેવાલ થકી જણો કે આતંકી સંગઠન હમાસ કેટલુ શક્તિશાળી છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના વિવાદનું સાચું કારણ શું છે ?
યુદ્ધ જાહેર કરવાની સાથે સાથે ઈઝરાયેલે, પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટીની સરહદે આવેલા વિસ્તારોમાં રહેતા પોતાના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. પેલેસ્ટાઈન અને ગાઝાની સરહદના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, આવુ પહેલીવાર નથી કે, જ્યારે પેલેસ્ટિનિયન આતંકી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ થયો હોય. આ બંને વચ્ચેનો વિવાદ ઘણા વર્ષો જૂનો છે.
શું છે તાજેતરનો વિવાદ ?
પેલેસ્ટાઈનના વેસ્ટ બેંક અને અલ અક્શા મસ્જિદ પર ઇઝરાયેલનું સંપૂર્ણ નિયંત્રણ છે. અલ અક્શા મસ્જિદને હમાસ ઇઝરાયેલના કબજામાંથી મુક્ત કરાવવા માંગે છે. હમાસનું કહેવું છે કે મે 2021માં ઈઝરાયેલે જેરુસલેમમાં મુસ્લિમોની પવિત્ર અલ અક્સા મસ્જિદને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ગાઝા પટ્ટીનો વિસ્તાર ઘણા દાયકાઓથી ઈઝરાયેલના ઘેરાબંધી હેઠળ છે. જેના કારણે ત્યાં રહેતા લોકોને અનાજ અને જરૂરી દવાઓની ભારે અછતનો સામનો કરવો પડે છે તેવો કાગારોળ હમાસ મચાવતું આવ્યું છે. આ બધાનો બદલો લેવા માટે હમાસે ઈઝરાયેલ પર હુમલો જમીન, હવા અને દરિયાઈ માર્ગે એકસાથે હુમલો કર્યો.
વિવાદ ક્યાંથી શરૂ થયો
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન દેશો વચ્ચેનો વિવાદ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શરૂ થયો હતો. આ યુદ્ધમાં ઓસ્માનિયા સલ્તનતને કારમી હારનો સામનો કરવો પડ્યો અને મધ્ય પૂર્વમાં પેલેસ્ટાઈનના ભાગ ઉપર બ્રિટન દ્વારા વિજય પતાકા લહેરાવવામાં આવી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સમુદાયે બ્રિટનને પેલેસ્ટાઈન માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપી. યહૂદી અને આરબ બંનેએ પોતપોતાના દાવા રજૂ કર્યા, બન્નેએ એકબીજાના વિસ્તારો ઉપર દાવો કર્યો અને અહીંથી બંને દેશો વચ્ચે વિવાદની શરૂઆત થઈ. અંગ્રેજો પણ આ વિવાદનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે લાવી શક્યા ન હતા. તે પછી, 1947 માં, યહૂદીઓ અને પેલેસ્ટિનિયનોનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો અને જ્યાં યહૂદીઓની સંખ્યા વધુ હતી તે વિસ્તારને ઇઝરાયલ અને બાકીના વિસ્તાર કે જ્યાં આરબ લોકોની બહુમતી હતી તે વિસ્તારને પેલેસ્ટાઇનને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
હમાસ કેટલું શક્તિશાળી છે?
હમાસ ઇઝરાયલી સેનાનો સામના કરી શકે તેવી કોઈ સ્થિતિમાં નથી. પરંતુ તેની અવગણના કરવી ઇઝરાયેલને બહું જ મોંઘી સાબિત થઈ શકે છે. હમાસને વિશ્વના અનેક દેશોએ આતંકી સંગઠન જાહેર કર્યું છે. અને તેની સાથે કોઈ રાજકીય સંબધ નથી રાખવામાં આવતું. બીબીસીના એક અહેવાલ મુજબ, હમાસ રોકેટથી લઈને મોર્ટાર અને ડ્રોન દ્વારા હુમલો કરવા માટે સક્ષમ છે. હમાસ ગાઝા પટ્ટીમાં જ તેના શસ્ત્રોનું ઉત્પાદન કરે છે. અને હમાસના લડવૈયાઓ ઈઝરાયેલ સામે તેનો ઉપયોગ કરે છે. ઈઝરાયેલનો દાવો છે કે હમાસને ઈરાન પાસેથી હથિયાર બનાવવામાં મદદ મળે છે. ઈઝરાયેલનો એવો પણ દાવો છે કે તેને કતાર સહીતના અન્ય ઘણા મુસ્લિમ દેશો પાસેથી ફંડિંગ મળે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો