વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનની બદ્દતર હાલત, અનાજમાં જીવાત અને મરેલા ઉંદરનું સામ્રાજ્ય, મેનેજરે કર્યો લુલો બચાવ- Video
વડોદરામાં ફરી એકવાર સરકારી અનાજના ગોડાઉનમાં લોલમલોલ ચાલતી હોવાનું સામે આવ્યુ છે. સરકારી અનાજના ગોડાઉનમાં મરેલા ઉંદર જોવા મળ્યા છે. વડોદરાના ભૂતડી ઝાંપા પાસે આવેલા સરકારી ગોડાઉનમાં પડેલા અનાજમાં ધનેડાનું સામ્રાજ્ય જોવા મળ્યુ તો ક્યાંક મરેલા ઉંદરો પડેલા પણ સામે આવ્યા છે.
વડોદરામાં ભૂતડા ઝાંપા નજીક આવેલા સરકારી ગોડાઉનની બદ્તર હાલત જોવા મળી છે. ગોડાઉનમાં મરેલા ઉંદરો અને જીવાતો જોવા મળી. અનાજમાં ધનેડા પડી જતા મોટાભાગનું અનાજ સડી ગયુ છે. આ અંગે સ્થાનિકોએ ગોડાઉનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકોની સાથે ગોડાઉન પર પહોંચેલી TV9ની ટીમના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે ચિંતાજનક હતા. ગોડાઉનમાં રાખેલા અનાજમાં ધનેરાનું સામ્રાજ્ય હતું તો ક્યાંક મરેલા ઉંદર પણ કેમેરામાં કેદ થયા. સ્થાનિકોનો આરોપ છે કે અનાજની જીવત તેમના ઘરના ખોરાકમાં પડે છે.
ગોડાઉનમાં હાજર મેનેજરનો દાવો છે કે અનાજમાં જીવડા પડવા એ સામાન્ય વાત છે અને આ જીવાત આસપાસના લોકોની પરેશાનીનું કારણ ન બને તે માટે સમયાંતરે દવાનો છટકાવ કરવામાં આવે છે.
તો પ્રજાનો રોષ પારખી ગયેલું તંત્ર પણ દોડતું થયું. પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા, અને ગોડાઉનની સ્થિતિનો તાગ મેળવ્યો. અધિકારીઓ પણ દાવો કરી રહ્યા છે કે સ્થાનિકોની મુશ્કેલીનો અંત લવાશે.
જોકે અહીં સવાલ એ સર્જાય કે અનાજ સડી ગયું હોવાછતાં કેમ તેની તકેદારી રાખવામાં નથી આવતી. અનાજમાં જીવાતનો ઉપદ્રવ સર્જાય ત્યાં સુધી કેમ તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યું. કેમ સ્થાનિકોની ફરિયાદ પર પહેલા ધ્યાન આપવામાં ન આવ્યું. કેમ મીડિયાની એન્ટ્રી થયા બાદ જ તંત્ર દોડતું થયું. આશા રાખીએ સરકારી અનાજ નષ્ટ થાય તે પહેલા ગરીબોના ઘર સુધી પહોંચે.