નામ લીધા વિના જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર તાક્યુ નિશાન, ટપોરી ગેંગ તરીકે સંબોધીને રાજકારણમાં આવીને લડવાનો ફેંક્યો પડકાર
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વસ્તી છે તે લેઉવા પાટીદાર સમાજના બે નેતાઓ વચ્ચે શીતયુદ્ધ સામે આવ્યું છે. જામકંડોરણામાં સમૂહલગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ નરેશ પટેલનું નામ લીધા વિના આકરાં પ્રહારો કર્યા.જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને ટપોરી ગેંગ તરીકે સંબોધીને રાજકારણમાં આવીને લડવાની ચીમકી પણ આપી દીધી. જો કે જયેશ રાદડિયા આવા આક્રમક થવા પાછળનું કારણ શું છે? શા માટે રાદડિયાએ નરેશ પટેલ પર આડકતરી રીતે પ્રહાર કર્યા તેના માટે ભૂતકાળમાં ડોકિયુ કરવુ પડશે
26 જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે લેઉવા પાટીદાર સમાજની 511 દિકરીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આ સમૂહલગ્નોત્સવના આયોજક અને જેતપૂર જામકંડોરણા વિધાનસભાના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરોધીઓ પર તૂટી પડ્યા હતા. જયેશ રાદડિયાએ કોઇ પણ વ્યક્તિનું નામ લીધા વિના એવી સટાસટી બોલાવી હતી કે સ્ટેજ પર બેઠેલા પણ સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. જયેશ રાદડિયા આટલા આક્રામક કેમ બન્યા તેની ચર્ચા કરીએ તે પહેલા આવો સાંભળ્યે જયેશ રાદડિયા શું બોલ્યા ?
ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે.
લાખોની સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજની જનમેદની વચ્ચે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે આપણા સમાજની બે પાંચ ટકા ટપોરીઓની ગેંગ જે સારા કામમાં હવનમાં હાડકા નાખે છે, મને અને રાદડિયા પરિવાર વિશે સોશિયલ મિડીયામાં ખરાબ કોમેન્ટો લખે છે સમાજે આવા લોકોને ઓળખવાની જરૂર છે.
મારે લેઉવા પટેલનું નેતા નથી થવું !
જયેશ રાદડિયાએ આક્રમક શૈલીમાં કહ્યું હતું કે મારે લેઉવા પટેલનું નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું પરંતુ મારી પાસે સમાજ આવે તો તમને વાંધો શું છે? આજે આ સારૂ કામ કર્યું જેથી કેટલાકના પેટમાં તેલ રેડાશે અને કાલથી મને રાજકીય રીતે બદનામ કરવાની શરુઆત કરી દેશે.
તાકાત હોય તો રાજકારણમાં આવો,મેદાન ખુલ્લુ છે.
જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે કેટલાક લોકો રાજકારણમાં ન હોવા છતા સમાજમાં રાજકારણ લાવે છે. આવા લોકોને મારી ખુલ્લી ચેલેન્જ છે,બધુ મુકીને એકવાર રાજકારણમાં આવો ક્યાં સુધી સમાજના નામે રાજકારણ કરશો ? વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા સમાજને પુછીને રાજકારણમાં નહોતા આવ્યા. સમાજ સ્વીકારશે તો પદ પર બેસાડી દેશે.તાકાત હોય તો રાજકારણમાં આવો
છેલ્લા ઘણા વર્ષોથી નરેશ પટેલ અને રાદડિયા વચ્ચે ચાલી રહ્યુ છે કોલ્ડ વોર
જયેશ રાદડિયાએ ભલે કોઇનું નામ ન લીધું હોય પરંતુ સૌ કોઇ જાણે છે આ વાકબાણ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને તેની સાથે જોડાયેલા લોકો માટે બોલાયા છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ઘણાં વર્ષોથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. ચર્ચા એવી પણ છે કે ખોડલધામનું નિર્માણ કાર્ય થયું ત્યારે તેની પાયાની સુવિધાઓ ઉભી કરવામાં વિઠ્ઠલ રાદડિયાની મહત્વની ભુમિકા હતી. સરકારમાંથી વિવિધ પાયાની સુવિધા ઉભી કરવાથી લઇને દાતાઓને દાન માટે અપીલ કરવાની વિઠ્ઠલ રાદડિયાએ ખોડલધામને સમર્થન કર્યું પરંતુ નરેશ પટેલ વિઠ્ઠલ રાદડિયાને મહત્વ આપવાનું હંમેશા ચૂક્યા હતા જેનો જયેશ રાદડિયાને મનમાં બેસી ગયું હતું
કોલ્ડ વોરનું મૂળ વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી
જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીતયુદ્ધનું સૌથી મોટું મૂળ 2017 વિધાનસભાની ચૂંટણી છે. એક તરફ પાટીદાર અનામત આંદોલન હતું અને તેવા સમયે જેતપૂર સીટ પર ખોડલધામના નજીકના રવિ આંબલિયાને કોંગ્રેસમાંથી ટિકીટ મળી આ સીટ પર નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે રાદડિયા વિરુદ્ધ ખુલેઆમ પ્રચાર કર્યો, વિઠ્ઠલ રાદડિયા હોસ્પિટલના બિછાને હતા છતા તેઓ વિરુદ્ધ સોશિયલ મિડીયામાં કોમેન્ટો લખવામાં આવી અને રાદડિયાને હરાવવાનો પ્રયાસ કરાયો.
ઇફકોની ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ
જયેશ રાદડિયાએ ભાજપની મેન્ડેન્ટ વિરુદ્ધ ઇફકોની ચુંટણીમાં ફોર્મ ભર્યું હતું. આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો છે અને જયેશ રાદડિયાની જીત આસાન હતી પરંતુ રાદડિયાને હરાવવા માટે ખોડલધામ સાથે સંકળાયેલા કેટલાક ટ્રસ્ટીઓ દ્રારા પ્રયાસ કરાયા, ફોન પર લોભ લાલચ અને રૂપિયાની પણ ઓફર આપવામાં આવી જેના કારણે આ વિવાદ વઘુ ઘેરો બની ગયો.
જયેશ રાદડિયાના નિવેદન બાદ નરેશ પટેલના વિરોધીઓ પણ રાદડિયાના ટેકામાં આવ્યા છે. સરદારધામના ઉપપ્રમુખ અને થોડા સમય પહેલા જેના પર નરેશ પટેલના નજીકના મનાતા પીઆઇએ હુમલો કર્યો હતો તે જયંતિ સરધારાએ જયેશ રાદડિયાની વાત પર સૂર મિલાવ્યો હતો. મહિલા પાટીદાર અગ્રણીએ પણ સમાજની ટપોરી ગેંગે અનેક નેતાઓને નિશાને બનાવ્યાની વાત કરીને રાદડિયાને સમર્થન આપ્યું હતું.
વખતે વખત નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ ચાલ્યું અને સમાજના અગ્રણીઓએ સમાધાન કરાવવાની જાહેરાત કરી પરંતુ ફરી જયેશ રાદડિયાએ નામ લીધા વિના નરેશ પટેલ પર નિશાન સાધીને આ વિવાદને વધુ ઘેરો બનાવી દીધો છે. આ વિવાદમાં ખોડલધામ કે નરેશ પટેલ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી પરંતુ આગામી દિવસોમાં આ મુદ્દે રાજકારણ ગરમાય તે વાત નિશ્વિત છે. જોવાનું રહેશે પાટીદાર સમાજના અગ્રણીઓ આ મુદ્દામે કઇ દિશામાં આગળ લઇ જાય છે. બે બળિયા નેતાઓ વચ્ચેની લડાઇથી સમાજને નુકશાન ન થાય તે જોવાની જવાબદારી સમાજના મોભીઓની છે.ૉ