ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ ભાજપથી પ્રેરિત, તમિલનાડુના અન્ના મલાઈની કરી કોપી- જુઓ Video
ગુજરાતમાં અમરેલીની દીકરી પાયલ ગોટીને પોલીસે પટ્ટાથી માર માર્યો. આ ઘટનામાં ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી શક્યાની વાત કરતા કરતા ગોપાલ ઈટાલિયાને અત્યંત લાગી આવ્યુ અને જાહેર મંચ પરથી અચાનક પોતાનો બેલ્ટ કાઢી ખુદને પટ્ટા મારવા લાગે છે. ગુજરાતની ભાજપ સરકાર સામે વિરોધની આ રીત પણ ગોપાલ ઈટાલિયાએ ભાજપના જ નેતાની કોપી કરી હોય એવુ લાગે છે. અહીં જુઓ બંને વીડિયો
હાલ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજને બાદ કરતા કોઈ ચૂંટણી નથી. પરંતુ આપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા જનતાની વચ્ચે પોતાની અને પાર્ટીની પકડને મજબુત કરવા માટે એક મંચ પર ખુદને બેલ્ટથી મારતા જોવા મળ્યા. ઈટાલિયા ખુદને બેલ્ટ મારી એ સાબિત કરવા માગતા હતા કે તેઓ આમ જનતાના દુ:ખ દર્દને મહેસુસ કરી રહ્યા છે.
અહીં ગોપાલ ઈટાલિયાને ખુદને બેલ્ટ મારતા જોઈને જેટલુ આશ્ચર્ય આપને થઈ રહ્યુ છે એટલુ જ આશ્ચર્ય મંચ પર બેસેલા કેટલાક કાર્યકરોને પણ પહેલા થયુ હતુ. ઘટના છે ગુજરાતના સુરત શહેરની. જ્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ગોપાલ ઈટાલિયા મંચ પર માઈક લઈને કંઈક કહી રહ્યા હતા.
ઈટાલિયાની વિરોધની તરકીબ પણ ભાજપની જ કોપી
ગુજરાતની મોરબી પૂલ દુર્ઘટનાથી લઈને તમામ હોનારતો અને ઘટનાઓનો ઉલ્લેખ કરીને આપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રહી ચુકેલા ગોપાલ ઈટાલિયા અચાનક અમરેલીની પાયલને ન્યાય ન અપાવી શક્યાની વાત કરતા કરતા પોતાનો બેલ્ટ ખોલીને ખુદને મારવા લાગે છે. આ જોઈને મંચની નીચે બેસેલા કાર્યકર્તાઓ પહેલા તો જુએ છે અને વિચારે છે કે આ શું થઈ રહ્યુ છે. જે બાદ ગોપાલ ઈટાલિયા ગુજરાતના લોકોના સૂતેલા આત્માને જગાડવાના નામે ખુદને બેલ્ટથી મારવા લાગે છે. આગળ પાછળ એવી રીતે 6 બેલ્ટના ફટકા ખુદને મારે છે. આ સાથે જ એક કાર્યકર્તા ઉભા થઈને ઈટાલિયાના હાથમાંથી બેલ્ટ છોડાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે નીચે બેસેલા લોકો ગોપાલભાઈ જિંદાબાદના નારા લગાવે છે.
હવે બીજુ દૃશ્ય જુઓ
ગોપાલ ઈટાલિયાની આ રાજનીતિ નવી નથી. સુરતમાં ઈટાલિયાએ જે કર્યુ તે એવો જ વિરોધ તમિલનાડુમાં ભાજપના જ પ્રમુખ કે અન્નામલાઈ કરી ચુક્યા છે. બંનેમાં ફર્ક માત્ર એટલો છે કે બેલ્ટની જગ્યાએ કોરડાનો છે. કે અન્નામલાઈ વિરોધ માટે ખુદને કોરડા મારતા જોઈ શકાય છે. 27 ડિસેમ્બરની વાત છે. તમિલનાડુમાં ભાજપના યુવા રાજ્ય અધ્યક્ષ કે અન્ના મલાઈ ઉભા હતા અને પાછળ કેટલાક કાર્યકર્તા ઉભા હતા અને એક એક કરીને 6 વાર ખુલ્લા શરીર પર ખુદને કોરડા માર્યા હતા. જેમા છઠ્ઠા કોરડાના વાર સમયે પાછળથી કાર્યકર્તા આવી તેમને રોકી લે છે અને હાથમાંથી કોરડો લઈ લે છે.
ભાજપના અન્નામલાઈ ખુદને 6 કોરડા મારી તમિલનાડુ સરકાર સામે દર્શાવ્યો વિરોધ
તમિલનાડુમાં યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે ગંભીર ગુનાઓના આરોપમાં ન્યાય ન મળતા ડીએમકે સરકાર સામેનો આ વિરોધનો કોરડા મારવાનો તરકીબ અન્ના મલાઈએ ત્યારે અપનાવી હતી. એ જ તરકીબ ગુજરાતની ભાજપ સરકાર સામે હાલ ગોપાલ ઈટાલિયા બતાવી રહ્યા છે. ખુદને બેલ્ટથી મારતા ઈટાલિયા 35 વર્ષના છે જ્યારે તમિલનાડુમાં ભાજપ પ્રમુખ અન્ના મલાઈ 40 વર્ષના છે. બંને યુવાન છે.આ બંનેના રાજ્યોમાં ચૂંટણીઓ તો હાલમાં નથી. પરંતુ જનતાના મુદ્દાને ઉઠાવી આ પ્રકારે ખુદને ઈજા પહોંચાડી એ બતાવવાની કોશિષ કરી રહ્યા છે કે તેમના રાજ્યમાં સરકાર સાંભળતી નથી. પરંતુ શું ખુદને કષ્ટ આપી દેખાડવાની આ રાજનીતિનો સમયગાળો શું માત્ર સત્તા પ્રાપ્તિ સુધીનો હોય છે? શું આ સમર્પણ અને ત્યાગની ભાવના નેતાઓમાં માત્ર વિપક્ષમાં હોય ત્યારે જ કેમ જોવા મળે છે. સત્તા મળી ગયા પછી જનતા માટેનો આવો ત્યાગ તો ક્યાંય દૂર દૂર સુધી દેખાતો નથી.
Input Credit- Baldev Suthar- Surat