Indian Revenue Service: બિહારમાં ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કરનારા રવીન્દ્ર કુમારે ગુજરાતનાં પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો
બિહારના ઘાસચારા કૌભાંડમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને રાજીનામુ આપવાની ફરજ પડી હતી

Indian Revenue Service: તાજેતરમાં જ દેશભરમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે જેના ભાગરૂપે ગુજરાત ઇન્કમટેક્સ(Income tax)નાં નવા પ્રિન્સિપલ ચીફ કમિશનરે (Principal Chief Commissioner) તરીકે રવીન્દ્ર કુમારની નિમણૂક કરવામાં આવી છે. 1986 બેચના IRS અધિકારી રવીન્દ્ર કુમારે મંગળવારે વિધિવત રીતે ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ગુજરાતમાં નિમણૂક પહેલા રવીન્દ્ર કુમાર કેરળ ઇન્કમટેક્સનાં ચીફ કમિશનર તરીકે ફરજ નિભાવતા હતા.
રવીન્દ્ર કુમાર ઝારખંડના વતની છે તેમણે IIT દિલ્હીમાંથી સિવિલ એન્જીનીયરીંગમાં B. TECH કર્યું છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં 34 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા રવીન્દ્ર કુમાર અગાઉ પંજાબ, બિહાર, ઓરિસ્સા, મુંબઈ અને ગુજરાતમાં ફરજ નિભાવી ચુક્યા છે. રવીન્દ્ર કુમારની ગુજરાતમાં નિમણૂક દરમ્યાન તેમણે કોર્પોરેટ ટેક્સ તેમજ વિવિધ કેસોમાં ઇન્વેસ્ટિગેટિવ કામગીરી કરી ચુક્યા છે.
IRS રવીન્દ્ર કુમારની બિહારમાં નિમણૂક દરમ્યાન તેમણે ઘાસચારા કૌભાંડ મામલે મહત્વની કામગીરી કરી ચુક્યા છે.બિહારના ઘાસચારા કૌભાંડમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. રવીન્દ્ર કુમાર ગોલ્ફ રમવાનો તેમજ સાયકલિંગ કરવાનો શોખ ધરાવે છે. આ ઉપરાંત રવીન્દ્ર કુમાર જ્યારે મુંબઈમાં ફરજ નિભાવતા હતા ત્યારે તે મુંબઈ મેરીટોરિઅસ સ્પોર્ર્સ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.