Gandhinagar: ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં નવી 4 મેડિકલ કોલેજ કાર્યરત કરાશે : ઋષિકેશ પટેલ
પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત આજે ગુજરાતના 1.73 કરોડ લાભાર્થીઓએ આરોગ્ય સુરક્ષા વીમા કવચ ધારણ કર્યું છે. આ વર્ષે આ યોજના અંતર્ગત મળતી વીમાની રકમ રૂ. 5 લાખ થી વધારીને રૂ. 10 લાખ કરવાનો નિર્ણય ગંભીર અને જટીલ રોગોની સારવાર સેવામાં કારગત સાબિત થશે

ગુજરાતમાં ગ્રામ્ય સ્તરે વધારે તબીબી સુવિધાઓ વિકસે તે પ્રકારનું સુવ્યવસ્થિત આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ સુપર સ્પેશ્યાલિસ્ટ આરોગ્ય સેવાનું સરકારી માળખું રાજ્યના પ્રત્યેક નાગરિકની આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે આરોગ્ય સાથે નાગરિકોની વેલનેસની દરકાર કરીને સરકારે રાજ્યમાં 8844 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત કર્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2023-24ની અંદાજપત્રની માંગણીઓ પર વિધાનસભામાં ચર્ચા કરતા જણાવ્યું કે,આરોગ્ય વિભાગની માંગણીઓ ઉપર કાપ દરખાસ્ત નહી, પરંતુ ખાસ દરખાસ્ત જ હોવી જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ સુપર સ્પેશ્યાલિસ્ટ સરકારી આરોગ્ય સેવાનું માળખું આજે રાજ્યના પ્રત્યેક નાગરિકની આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે.
તેમજ તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2023-24 ના અંદાજપત્રમાં નવીન ચાર મેડિકલ કૉલેજની જોગવાઇથી રાજ્યમાં મેડિકલ કૉલેજની સંખ્યા 43 થશે અને દર વર્ષે 7000 જેટલા ડોક્ટર્સ પણ ગુજરાતને મળશે. તેમજ અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર રાજ્યમાં ઝોન પ્રમાણે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલની કામગીરી શરૂ થઈ છે.
518 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોથી ગ્રામ્ય વિસ્તારને મળી વધુ સગવડ
રાજ્યમાં ઉપલબ્ધ 8844 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 354 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 365 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, 59 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 518 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ રાજ્યની ગ્રામ્ય સ્તરની આરોગ્ય વ્યવસ્થાઓને શ્રેષ્ઠત્તમ અને અસરકારક બનાવી છે.
જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ નિષ્ણાંત તબીબોનું આરોગ્યવિષક માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્યમાં ટેલીમેડિસીન અને ઇ-સંજીવની સેવા ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 25.97 લાખ ટેલિકન્સલ્ટેશન અને 9.87 લાખ જેટલા નાગરિકોએ ઇ-સંજીવની ઓ.પી.ડી.નો લાભ મેળવ્યો છે. ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં કાર્યરત 272 ડાયાલિસીસ કેન્દ્રોના માળખાએ રાજ્ય અને રાજ્ય બહારથી કિડનીની સારવાર અર્થે ગુજરાતમાં આવતા દર્દીઓની તકલીફ દૂર કરવાનું કામ કર્યું છે.
અત્યાર સુધીમાં 2.70 કરોડ લોકોનું સ્ક્રીનીંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું
રાજ્ય આરોગ્ય વિભાગની વિવિધ આરોગ્ય વિષયક સેવાઓના પરિણામે જ ગુજરાતમાં માતા મૃત્યુદર 57 અને બાળમૃત્યુદર 23 એ પહોંચ્યો છે. વર્તમાન સમયમાં બદલાતી જીવન શૈલીના કારણે લોકોમાં જોવા મળતા બિન ચેપી રોગો પર નિયંત્રણ મેળવવા માટે પણ રાજ્ય સરકારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો થી માંડી વિવિધ તબક્કે સ્ક્રીનીંગથી સારવાર કાર્યક્રમ હાથ ધર્યો છે. જેના અંતર્ગત અત્યાર સુધીમાં 2.70 કરોડ લોકોનું સ્ક્રીનીંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું હોવાની માહિતી પણ ઋષિકેશ પટેલે આપી હતી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત આજે રાજ્યના 1.73 કરોડ લાભાર્થીઓએ આરોગ્ય સુરક્ષા વીમા કવચ ધારણ કર્યું છે. આ વર્ષે આ યોજના અંતર્ગત મળતી વીમાની રકમ રૂ. 5 લાખ થી વધારીને રૂ. 10 લાખ કરવાનો નિર્ણય ગંભીર અને જટીલ રોગોની સારવાર , સેવામાં કારગત સાબિત થશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો, નવા 121 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર