Ahmedabad: દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને તેમના CAની ACBએ કરી ધરપકડ, 750 કરોડની ઉચાપતનો કેસ
Ahmedabad: દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અને તેમના CAની ACBએ ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી સામે દૂધ સાગર ડેરીના ચેરમેન રહેતા 750 કરોડની ઉચાપતનો આરોપ છે. જેમા તેમમે ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના બલ્કમાં મિલ્ક કૂલરની ખરીદી કરી હતી. કરોડોના બાંધકામમાં મોટાપાયે ગેરરીતિ તેમજ સાગરદાણના બારદાનને પણ ઉંચા ભાવે વેચી સંસ્થાને આર્થિક નુકસાન કરવાનો આરોપ છે.
દૂધ સાગર ડેરી(Doodh Sagar Dairy)ના તત્કાલિન ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી (Vipul Chaudhary) અને તેની CAની ACB એ ધરપકડ કરી છે. ACBએ વિપુલ ચૌધરી, તેના પત્ની, પુત્ર અને CA સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. દૂધ સાગર ડેરીના તત્કાલીન ચેરમેન અને પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીએ સત્તાનો દુરુપયોગ કરી આશરે રૂપિયા 750 કરોડથી વધુ રકમની ઉચાપત (Scam) કરતા એસીબી એ 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં વિપુલ ચૌધરી, તેના પત્ની, પુત્ર અને CA વિરૂદ્ધમાં ગુનો દાખલ કરીને ACB એ વિપુલ ચૌધરી અને તેના સીએ શૈલેષ પરીખની ધરપકડ કરી છે.
દૂધ સાગર ડેરીના ચેરમેન રહેતા ટેન્ડર વિના બલ્કમાં મિલ્ક કૂલરની ખરીદી કરવાનો આરોપ
ACBના જોઇન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણનું કહેવું છે કે વર્ષ 2005 થી 2016 દરમિયાન વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે કાર્યરત હતા. આ દરમિયાન તેમણે સત્તા નો દુરુપયોગ કરીને ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બલ્ક મિલ્ક કુલરની ખરીદી કરી, ગેરકાયદે રીતે એડવોકેટનો ખર્ચ ઉધારી, સંસ્થા દ્વારા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર કરોડોના બાંધકામ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી તેમજ પ્રોવાઈડીંગ એન્ડ સપ્લાય એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ હોલ્ડિંગ બોર્ડ બનાવવા માટે ઊંચા ભાવવાળી કંપનીને કોન્ટ્રાક્ટ આપી તેનો ફાયદો કરાવેલ છે. આ ઉપરાંત સાગરદાણ ભરવાના બોરા ખરીદીમાં બજાર કિંમતથી ઊંચા ભાવે વધુ ચૂકવી બારદાનની ખરીદી કરીને સંસ્થાને આર્થિક નુકસાન કર્યો હોવાનો પણ આરોપ છે.
વિપુલ ચૌધરી સામે 31 જેટલી બનાવટી કંપની બનાવવાનો આરોપ
વિપુલ ચૌધરીએ તેમના પત્ની ગીતાબેન ચૌધરી દીકરા પવન ચૌધરી અને તેમના મળતીયા માણસો સાથે મળી 31 જેટલી બનાવટી રજિસ્ટર કંપનીઓ ઊભી કરી હતી. તેમાં ડાયરેક્ટર તરીકે પોતાના પરિવારના સભ્યોને રાખીને વર્ષ 2005થી દૂધ સાગર ડેરીમાંથી અપ્રમાણિકપણે એકબીજાના મેળાપીપણામાં ગેરરીતી આચરી અંદાજિત 750 કરોડની ઉચાપત કરી છે. જેમાં નાણાકીય હેરફેર માટે બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.
ઓડિટ માટે વર્ષ 2018માં હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર ઓડિટ માટે હુકમ કરી શકે છે. જેના આધારે કુલ બે ટીમો બનાવવામાં આવી હતી અને બંને ટીમોની તપાસમાં કુલ 28 મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા.જેમાં આર્થિક ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં એક એડવોકેટની ચોક્સી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમની તપાસમાં પણ એવા 10 મુદ્દા તારવવામાં આવ્યા હતા. જેમાં મની લોન્ડરીંગના કન્ટેન્ટ હતા જે રિપોર્ટ એપ્રિલ 2022 માં સબમીટ કરવામાં આવ્યો હતો અને તે ગૃહ વિભાગ તરફથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને આપવામાં આવ્યો હતો. જે બાદ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ એસીબી એ આ બંને આરોપી રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે..