વડોદરામાં આધારકાર્ડની કામગીરીમાં લાલિયાવાડી, કર્મચારીઓ મોડા આવતા વહેલી સવારથી આવેલા અરજદારોને હાલાકી- Video
વડોદરામાં આધારકાર્ડની કામગીરીમાં લાલિયાવાડી સામે આવી છે. અરજદારો તો વહેલી સવારથી આવીને લાઈનમાં ઊભા રહી જાય છે પરંતુ કર્મચારીઓ મોડા આવતા અરજગારોને હાલાકી ભોગવવી પડે છે. ઠંડી વચ્ચે વૃદ્ધ અરજદારો ઉભા રહેવા મજબુર બને છે.
વડોદરામાં આધારકાર્ડની કામગીરીમાં રોકાયેલા સ્ટાફની લાલિયાવાડી સામે આવી છે. અરજદારો વહેલી સવારથી આવીને લાઈન લગાવી દે છે પરંતુ સવારના 11 પહેલા એકપણ કર્મચારી ડોકાતા નથી. જેના કારણે વહેલી સવારથી આવેલા અરજદારોનો સમય પણ વેડફાય છે અને ઠંડીમાં ઉભા રહેવા મજબુર બને છે. કર્મચારીઓના મોડા આવવાથી અરજદારોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. 90 વર્ષિય વૃદ્ધ સહિત વરિષ્ઠ નાગરિકો પણ સવારથી લાઈનમાં લાગવા મજબુર બને છે. બીજીતરપ પુરાવાનો અભાવ હોવાનું કહી કર્મચારીઓ પણ અરજદારોને વારંવાર ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ અરજદારો કરી રહ્યા છે.
અધિકારીઓના મનસ્વી વર્તન ને કારણે અરજદારો પારાવાર પરેશાન
એકતરફ સરકાર દ્વારા આધાર કાર્ડની કામગીરી માટે ગુરુવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે અરજગારો આધાર કાર્ડ નવુ કઢાવવા, રિન્યુ કરાવવા કે અપડેટ કરાવવા માટે વહેલી સવારથી આવી જાય છે પરંતુ અધિકારીઓ કોઈ સમયસર ડોકાતા નથી. ઉપરાંત અધિકારીઓ મનસ્વી વર્તન કરતા હોવાના પણ આક્ષેપ અરજદારો કરી રહ્યા છે. એક 90 વર્ષના વૃદ્ધ જણાવે છે કે તેઓ પોણા સાત વાગ્યાના આવીને બેઠા છે પરંતુ તેમનો વારો આવતો નથી. અધિકારીઓ મોડા આવે છે. અત્યાર સુધીમાં તેઓ 4વાર આધારકાર્ડ કઢાવવા માટે આવી ચુક્યા છે પરંતુ તેમનો વારો આવતો નથી. આટલુ ઓછુ હોય તેમ અશક્ત વૃદ્ધને લાઈનમાં ઉભા રહેવા માટેની નિષ્ઠુર અધિકારીઓ ફરજ પાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે લાઈનમાં ઉભા રહેશો તો જ કાર્ડ નીકળશે.
નિષ્ઠુર અધિકારીઓ વૃદ્ધોની પણ દયા ખાતા નથી
નાના બાળકો સાથે આવેલા લોકો પણ આ જ પ્રકારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરમાં આધાર કાર્ડ કાઢવા માટે એક જ સેન્ટર ફાળવાયેલુ છે તેમા અધિકારીઓ સમયસર નથી આવતા. સમય કરતા બે થઈ ત્રણ કલાક મોડા આવે છે જેના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. અધિકારીઓની લાલિયાવાડીને કારણે વૃદ્ધો, બાળકો સહિત તમામ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આધાર કાર્ડ સેન્ટર પર સૌથી વધુ સમસ્યા વરિષ્ઠ નાગરિકોને થઈ રહી છે. સપ્તાહમાં માત્ર એક દિવસ ફાળવાયેલો છે, આથી મોટી સંખ્યામાં અરજદારો આવે છે અને સેન્ટર પર ના તો બેસવાની વ્યવસ્થા છે, ના તો પીવાના પાણીની કોઈ સુવિધા રાખવામાં આવી છે. એક તરફ 60 થી 70 લોકોની લાઈન અને સેન્ટર પર પાલિકાના કર્મચારીઓ સમયસર ન આવતા અરજદારોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે.