રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના ડૉક્ટરે કર્યો આપઘાત, માતાપિતા તીર્થયાત્રામાં ગયા બાદ ભર્યુ પગલુ
રાજકોટની સિનર્જી હોસ્પિટલના ડૉ. જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો. તેમના માતા-પિતા તીર્થયાત્રામાં હતા. સુસાઇડ નોટમાં તેમણે જીજાજીને પહેલા જાણ કરવાનું કહ્યું. આ પહેલાં પણ 2023માં આ જ હોસ્પિટલના મહિલા ડૉક્ટરે આપઘાત કર્યો હતો. હાલ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
રાજકોટથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં સિનર્જી હોસ્પિટલના એક નવયુવાન તબીબે પોતાના જીવનનો આપઘાત દ્વારા અંત લાવ્યો છે. ડૉ જય પટેલ નામના તબીબે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. જો કે તેમના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ક્યા કારણોસર તેમણે આવુ પગલુ ભર્યુ તે હજુ સુધી જાણી શકાયુ નથી. મૃતક તબીબે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં આવેલા તેમના નિવાસસ્થાને આપઘાત કર્યો.
ડૉક્ટર જય પટેલનાં માતા-પિતા તીર્થયાત્રામાં ગયાં છે અને ડો.જય પટેલ સવારથી ઘરે હોવાનું સામે આવ્યું. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું કે, આ બનાવની પહેલી જાણ માતા-પિતાને નહીં, પણ જીજાજીને કરજો. હાલ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે.
ડૉક્ટર જય પટેલ પ્લાન્ડ સર્જરીમાં એનેસ્થેસિયા જરૂરી હોવા છતાં હાજર રહ્યા ન હતા. જે બાદ તેમનો ફોન રિસીવ થતો નહોતો. અજુગતું લાગતાં સ્ટાફ જય પટેલના ઘરે પહોંચતાં આપઘાત કર્યાનું સામે આવ્યું. સમગ્ર મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
બીજી તરફ સિનર્જી હોસ્પિટલનાં ડૉક્ટર મહિલા ડોક્ટરે પણ અગાઉ આપઘાત કર્યાનું સામે આવ્યું. મે, 2023માં ડોક્ટર બિંદિયાબેન બોખાણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેઓ રાજકોટ-જામનગર રોડ પરની અતુલ્યમ રેસિડેન્સી આંગન-1માં રહેતાં હતા.