આવતીકાલે 10 ડિસેમ્બરના રોજ નિરિક્ષકોની કમલમ ખાતે 10 વાગ્યે બેઠક થશે, વિધાનસભા દળના નવા નેતાની થશે પસંદગી
બેઠકમાં કેન્દ્રીય નિરિક્ષકો પણ ઉપસ્થિત રહેશે. તેમજ ચૂંટાયેલા તમામ 156 પ્રતિનિધિઓ પણ કમલમ ખાતે હાજર રહેશે. આ બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી પણ કરવામાં આવશે.

ગુજરાતમાં હવે ચૂંટણી પરિણામ બાદ નવી સરકાર રચવાનો તખ્તો તૈયાર થવા માંડ્યો છે ત્યારે ઔપચારિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ દેવવ્રતને રાજીનામું સોંપી દીધું હતું. નવી સરકાર રચવાની કવાયત અંતર્ગત આવતીકાલે તારીખ 10 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 10 વાગ્યે મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં કેન્દ્રીય નિરિક્ષકો પણ ઉપસ્થિત રહેશે. તેમજ ચૂંટાયેલા તમામ 156 પ્રતિનિધિઓ પણ કમલમ ખાતે હાજર રહેશે. આ બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી પણ કરવામાં આવશે.
સરકાર બનાવવા માટે રાજ્યપાલ સાથે આવતીકાલે મુલાકાત
રાજ્યમાં સરકાર બનાવવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આવતીકાલે બપોરે 2 વાગ્યે ફરીથી રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં તેઓ આચાર્ય દેવવ્રત સાથે વિધાનસભા દળની બેઠક બાદ શપથવિધીની તારીખ અને સમય માટેની ચર્ચા કરશે. તેમજ વિધાનસબા દળના નવા નેતાના નામ અને શપથવિધી માટે પણ રાજ્યપાલને વિગતો આપશે. આ અંગેનો એક પત્ર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજ્યપાલને સુપ્રત કર્યો હતો.
મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વર્તમાન વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની રચના કરવામાં આવશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી સુધીનો છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથ વિધી સમારંભમાં ઉપસ્થિત રહેશે.
વિધાનસભા ગ્રાઉન્ડમાં થશે શપથ વિધી
12 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિધાનસભાના ગ્રાઉન્ડમાં શપથ વિધી કરવામાં આવશે. આ શપથ વિધી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી સાથે સાથે વિવિધ ખાતની જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગેના નામની ચર્ચા શરૂ થઈ છે. નવા મંત્રીમંડળમાં જૂના જોગીઓને પણ મહત્વની જવાબદારી મળી શકે છે.
ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ થઈ રહ્યું છે શપથવિધિ માટે તૈયાર
ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર શપથ વિધિ માટેની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે શપથ વિધિ સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓને પ્રદેશ ભાજપે આમંત્રણ આપ્યું છે. શપથ વિધી માટે પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ માંડવીયા સહિતના કેન્દ્રીય નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ , ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત,સહિતના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.