દેવી ગંગા કેવી રીતે બન્યા ભાગીરથી ? ગંગા દશહરાએ જાણો ગંગા અવતરણની રસપ્રદ કથા
આજે લાખો શ્રદ્ધાળુઓ પાવની ગંગા (Ganga) નદીમાં સ્નાન કરશે અને તેના કિનારે દાન કરી પુણ્યનું ભાથું બાંધશે. કહે છે કે તે જેઠ સુદ દશમીની જ તિથિ હતી કે જે દિવસે ગંગા નદીનું ધરતી પર અવતરણ થયું હતું. અને પુણ્ય સલીલા ગંગાને આ ધરતી પર લાવવાનું શ્રેય જાય છે રાજા ભગીરથને.
હિન્દુ પંચાંગ અનુસાર જેઠ સુદ દશમીનો દિવસ અત્યંત મહત્વ પૂર્ણ મનાય છે. આ દિવસને આપણે ગંગા દશહરા કે ગંગા દશેરા તરીકે ઉજવીએ છીએ. અને આજે તે જ પાવન અવસર છે. આજે સમગ્ર ભારતમાં આ પર્વની ઊજવણી થશે. કહે છે કે તે ગંગા દશેરાનો જ અવસર હતો કે જ્યારે ગંગા નદીએ પ્રથમવાર ધરતીને સ્પર્શ કર્યો હતો. ત્યારે આવો, ગંગાના ધરતી પર પ્રાગટ્યની કથા જાણીએ.
ગંગા દશેરાના અવસરે ગંગા પૂજનનો અને ગંગા નદીમાં સ્નાનનો સવિશેષ મહિમા છે. આજે લાખો શ્રદ્ધાળુઓ પાવની ગંગા નદીમાં સ્નાન કરશે અને તેના કિનારે દાન કરી પુણ્યનું ભાથું બાંધશે. કહે છે કે તે જેઠ સુદ દશમીની જ તિથિ હતી કે જે દિવસે ગંગા નદીનું ધરતી પર અવતરણ થયું હતું. અને પુણ્ય સલીલા ગંગાને આ ધરતી પર લાવવાનું શ્રેય જાય છે રાજા ભગીરથને.
શા માટે પડી ગંગા અવતરણની જરૂર ?
પુરાણોક્ત કથા અનુસાર ઈક્ષ્વાકું વંશના રાજા સગરે અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. આ અશ્વમેધ યજ્ઞથી ભયભીત થઈ ઈન્દ્રએ યજ્ઞનો અશ્વ જ ચોરી લીધો. અને હરિદ્વારમાં તપ કરી રહેલા કપિલમુનિ પાસે જઈને તે અશ્વ ત્યાં મુકી દીધો. અશ્વ શોધવા નીકળેલા રાજા સગરના 60,000 પુત્રો કપિલમુનિને જ ચોર માની તેમનું અપમાન કરી બેઠાં. કપિલમુનિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમના નેત્રમાંથી અગ્નિજ્વાળા ઉત્પન્ન થઈ અને તેમાં રાજા સગરના સાઠ હજાર પુત્રો બળીને રાખ બની ગયા. આખરે, રાજા સગરે કપિલમુનિની ક્ષમા માંગી પુત્રોની મુક્તિનો માર્ગ પૂછ્યો. તેમની ક્ષમા યાચનાથી પીગળીને કપિલમુનિએ કહ્યું, “હે સગર ! જો સ્વર્ગમાં પ્રવાહિત થતી ગંગા નદી પૃથ્વી પર આવે, અને તેના પવિત્ર જળનો સ્પર્શ જો આ રાખને થાય, તો તારા પુત્રોને મુક્તિ મળી શકે !”
પેઢી દર પેઢી તપસ્યા !
કપિલમુનિ પાસેથી અશ્વ પાછો મેળવી રાજા સગરે અશ્વમેધ યજ્ઞ પૂર્ણો કર્યો. ત્યારબાદ તેમનું રાજ પૌત્ર અંશુમાનને સોંપી તેમણે ગંગાને ધરતી પર લાવવા તપસ્યા શરૂ કરી. રાજા સગરે સેંકડો વર્ષ તપસ્યા કરી પણ, તેમને સફળતા ન મળી. તપસ્યાની જવાબદારી પૌત્ર અંશુમાનને સોંપી તેમણે દેહત્યાગ કર્યો. રાજા અંશુમાને પણ સેંકડો વર્ષ તપસ્યા કરી. ત્યારબાદ તેમના પુત્ર રાજા દિલીપને તપસ્યાની જવાબદારી સોંપી. રાજા દિલીપ બાદ તેમના પુત્ર ભગીરથે તપસ્યાની જવાબદારી સંભાળી. આમ, પેઢી દર પેઢી તપસ્યાનો આ ક્રમ ચાલતો જ રહ્યો.
રાજા ભગીરથનું આકરું તપ
કહે છે કે દેવી ગંગાને ધરતી પર લાવવા રાજા ભગીરથે ખૂબ જ આકરું તપ કર્યું હતું. રાજા ભગીરથે માત્ર કંદમૂળ અને ફળ જ ગ્રહણ કરી પગના એક અંગૂઠે ઉભા રહી પૂરાં 5500 વર્ષ તપ કર્યું. અને આખરે, ગંગા પ્રસન્ન થયા. પણ, ધરતી તેમનો ભાર નહીં સહન કરી શકે તે વિચારે ચિંતિત થયા. ત્યારે ભગીરથે મહાદેવને પ્રસન્ન કરી ગંગા અવતરણ માટે તૈયાર કર્યા. સ્વર્ગમાંથી આવી રહેલી ગંગાને મહાદેવે તેમના મસ્તક પર ઝીલી જટામાં બાંધ્યા. ગંગા સતત એક માસ સુધી મહાદેવની જટામાં ફરતા રહ્યા. ત્યારબાદ મહાદેવે ગંગાની વિવિધ ધારાઓને તેમની જટામાંથી પ્રવાહિત કરી. જે દિવસે ગંગાએ પ્રથમવાર પૃથ્વીનો સ્પર્શ કર્યો તે દિવસ હતો ગંગા દશહરા !
દેવી ગંગાના મૂળ પ્રગટધામ એવાં ગંગોત્રી ધામમાં દેવી ગંગા ભાગીરથીના નામે જ પૂજાય છે. આગળ જતા આ ભાગીરથીમાં અલકનંદાના જળ ભળે છે. અને તે પૂર્ણ ગંગા રૂપે ઉત્તરાખંડના હરિદ્વારમાં પ્રવાહિત થાય છે. રાજા ભગીરથની પાછળ ચાલી પૂર્ણ ગંગાએ સગરપુત્રોની રાખને સ્પર્શ કર્યો. અને તેમને મુક્તિની પ્રાપ્તિ કરાવી. જેને લીધે મા ગંગા પાપાનાશિની અને મોક્ષદાયિની તરીકે પૂજાવા લાગ્યા.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)