ગંગા દશહરાએ દેવી ગંગા આપશે 10 ગણી સમૃદ્ધિના આશિષ, અત્યારે જ જાણી લો આ સરળ ઉપાય
આજે ગંગા દશહરા છે. ગંગા દશહરાએ ગંગા સ્નાન અને દાનનો વિશેષ મહિમા છે. ગંગા દશહરાએ કરેલું દાન દસ ગણી આર્થિક સમૃદ્ધિ આપતું હોવાની માન્યતા છે.
આજે ગંગા દશહરાનો પવિત્ર દિવસ છે. આજે કરેલા કેટલાક સરળ ઉપાય આપને 10 ગણી સમૃદ્ધિ પ્રદાન કરી શકે છે. જેઠ મહિનાની શુક્લ પક્ષની દસમની તિથી ગંગા દશહરા તરીકે ઓળખાય છે. પૌરાણિક કથા અનુસાર રાજા ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈ ગંગાજી બ્રહ્માજીના કમંડલમાંથી નીકળ્યા અને શિવજીની જટાઓમાં સમાઈ ગયા. કહે છે કે મહાદેવે જ તેમને પોતાની શિખા ખોલી ધરતી પર અવતરિત થવાની અનૂમતિ આપી હતી. એવું કહેવાય છે કે આ જ તિથીએ ગંગાજી આ પૃથ્વી પર અવતર્યા હતા એટલે જેઠ સુદ દસમ એ ગંગા દશહરા તરીકે ઓળખાય છે.
ગંગા દશહરાએ ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. તો સાથે જ ગંગા દશહરાએ દાનનું પણ શાસ્ત્રોમાં મહત્વ બતાવવામાં આવ્યું છે. ગંગા દશહરાએ કરવામાં આવતા ગંગા સ્નાન અને દાનથી વ્યક્તિને 10 ગણાં પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ
1. ગંગા દશહરાએ મોટી સંખ્યામાં લોકો ગંગા સ્નાન કરવા જતાં હોય છે. પણ જો આપ ગંગા સ્નાન કરવા જવા અસમર્થ છો તો આપ ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરી શકો છો. કહેવાય છે કે તેનાથી વ્યક્તિના તમામ પાપનો નાશ થઈ જાય છે.
2. માન્યતા છે ગંગા જળમાં ક્યારેય જીવાત નથી પડતી, એટલે જો ગંગા દશહરાએ ગંગા સ્નાન કરવામાં આવે તો વ્યક્તિના તમામ રોગ પણ નષ્ટ થઈ જાય છે.
3. આજે ગંગા સ્નાનથી માનસિક વિકારો દૂર થાય છે.
4. કહે છે કે આજે કરવામાં આવતું ગંગા સ્નાન પિતૃઓને પણ સદગતિ પ્રદાન કરે છે.
5. ગંગા દશહરાએ દાનનો પણ વિશેષ મહિમા છે. કહેવાય છે કે ગંગા દશહરાએ જો વ્યક્તિ દાન કરે છે તો તેને 10 ગણી સમૃદ્ધિના આશીર્વાદ મા ગંગા આપે છે.
6. વ્યક્તિ ગંગા દશહરાએ અનાજ કે પછી ફળ-ફળાદિનું પણ દાન કરી શકે છે. આવું કરવાથી વ્યક્તિના ઘરના ધાન્યના ભંડાર અખૂટ રહેતા હોવાની માન્યતા છે.
7. ગંગા દશહરાએ જરૂરિયાતમંદને દાન કરવાથી વ્યક્તિની સંતાન પ્રાપ્તિની કામના પણ પૂર્ણ થતી હોવાની માન્યતા છે.
8. કહેવાય છે કે જો ગંગા દશહરાએ કોઈ પણ 10 વસ્તુનું દાન કરવામાં આવે તો તે દાન કરનારના જીવનમાં 10 ગણી આર્થિક સમૃદ્ધિ લાવનાર બને છે. આપ ગોળ, છત્રી, ટોપી, ચપ્પલ, વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો.
9. ગંગા દશહરાએ જો આપ ગંગા સ્નાન કરવા નથી જઈ શકતા તો ઘરે જ આપ મા ગંગાનું ધ્યાન ધરી શકો છો. કહેવાય છે કે ગંગા દશહરાએ દેવી ગંગાની આરાધના અને ધ્યાન કરવાથી અજાણતાં જ થયેલા દૈહિક પાપ કે પછી વાણી દ્વારા થયેલા પાપ અને માનસિક પાપનો નાશ થાય છે.
10. માન્યતા છે કે ગંગા દશહરાએ ગંગાનો સ્પર્શ પણ આપને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવી શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)