Ahmedabad: નારોલમાં બાળકો ભરેલી સ્કૂલ રિક્ષા પલટી ગયા બાદ પણ કોર્પોરેશન ઘોર નીંદ્રામાં, વિપક્ષે ઉબડખાબડ રોડ પર પુરાણ કરી નોંધાવ્યો વિરોધ- Video
Ahmedabad: અમદાવાદમાં નારોલમાં હાઈફાઈ ચાર રસ્તા રોડ પર ખાડા અને કાદવકિચડથી ગ્રસ્ત છે. બિસ્માર રોડ પર ગઈકાલે બાળકો ભરેલી એક સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, છતા નઘરોળ તંત્રની આંખ હજુ ખૂલી નથી, ત્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ અહીં રોડ પરના ખાડામાં પુરાણ કરી તંત્ર સામે લાંભા વોર્ડ સાથે ઓરમાયુ વર્તન કરવાનો પ્રહાર કર્યો છે.
Ahmedabad: અમદાવાદમાં નારોલ હાઈફાઈ ચાર રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ઉબડ ખાબડ રોડ અને કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. અહીંના સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતા કોર્પોરેશનના કોઈ અધિકારી ફરક્તા સુદ્ધા નથી અને રોડની મરમ્મત પણ કરાવતા નથી.
હજુ ગઈકાલે જ અહીંથી 11 બાળકો ભરેલી સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમા બાળકો પણ સવાર હતા. જેમા એક બાળકીને રિક્ષા પલટી જવાને કારણે હાથમાં ફ્રેક્ચર પણ આવ્યુ છે, પરંતુ તંત્ર હજુ નીંદ્રાધીન અવસ્થામાં છે. રોડની મરમ્મત તો દૂર કોર્પોરેશન રોડ પર પુરાણ કરીને ખાડા પુરવાની કામગીરી નથી કરી રહી.
વિપક્ષ કોંગ્રેસ મેદાને, બિસ્માર રોડ પર પુરાણ કરી લોકોને સુવિધા આપવાનો કર્યો પ્રયાસ
ગઈકાલે સ્કૂલ રિક્ષા પલટી જવાની જવાની ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસ હવે મેદાને ઉતરી છે. કોંગ્રેસના અનેક કાર્યકરો હાઈફાઈ ચાર રસ્તા પર ટ્રેક્ટર, તગારા અને પાવડા લઈને પહોંચ્યા હતા. અહીંના ઉબડખાબડ અને કાદવ કિચડ રોડ પર પુરાણની કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતની ઘટના બાદ નીંભર તંત્રની આંખ ન ખૂલી તો કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ રસ્તાનું પુરાણ શરૂ કર્યુ. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર માટી પાથરી લોકોને સુવિધા આપવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી લાંભા વોર્ડમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા છે છતા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
લાંભા વોર્ડના નાગરિકો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવાનો કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા 15 વર્ષથી લાંભા વોર્ડનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છતા અહીના લોકો સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવે છે, વર્ષોથી આ વિસ્તારના સ્થાનિકો રોડ-રસ્તા પાણી અને ગટર જેવી પાયાની સુવિધાથી વંચિત છે.
11 બાળકો ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ, જેમા કેટલાક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા, આ ઘટનાના 24 કલાક વિત્યા બાદ પણ કોર્પોરેશનના કોઈ અધિકારી ફરક્યા સુદ્ધા નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું કોર્પોરેશન મોટી દુર્ઘટના ઘટે પછી જ કામગીરી કરશે?
કોંગ્રેસના નેતાના જણાવ્યા મુજબ લાંબા વિસ્તારમાં રોડની સમસ્યા નિવારવા માટે મ્યુનિસિપલ કમિશનરને 5 વાર આવેદનપત્ર આપવા છતા લોકોને કોઈ પ્રાથમિક સુવિધા આપવામાં નથી આવી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે આ વોર્ડના સ્થાનિકોને સુવિધા આપવામાં તંત્ર કેમ ઉણુ ઉતરી રહ્યુ છે?
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો