IPL Retention : આ ટીમ શુભમન ગિલની રાહ જોતી રહી, ગુજરાત ટાઈટન્સના કેપ્ટને લીધો મોટો નિર્ણય
શુભમન ગિલ 2022માં જ ગુજરાત ટાઈટન્સનો ભાગ બન્યો હતો અને છેલ્લી 3 સિઝનથી ફ્રેન્ચાઈઝીમાં છે. ગત સિઝનમાં હાર્દિક પંડ્યાની વિદાય બાદ ગુજરાતે પણ તેને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. જો કે આ વખતે હરાજીમાં તેના આવવાની સતત ચર્ચાઓ થતી રહી હતી. આ બધા વચ્ચે ગિલે એક મોટો નિર્ણય લીધો હતો.
IPL રિટેન્શનની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે, પરંતુ તે પહેલા પણ આવા ઘણા સમાચાર સતત સામે આવી રહ્યા છે જે ચોંકાવનારા છે. વર્તમાન IPL ચેમ્પિયન કેપ્ટન શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને રિષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓ તેમની વર્તમાન ટીમોમાંથી બહાર હોવાના સમાચાર પહેલાથી જ પરિસ્થિતિને રોમાંચક બનાવી ચૂક્યા છે. હવે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ વિશે પણ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગિલ ગુજરાત ટાઈટન્સ છોડશે તેવી અફવા
તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે ગત સિઝનમાં કેપ્ટન બનાવવામાં આવેલ શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સ છોડીને જવા તૈયાર છે અને એવા સમાચાર પણ સામે આવ્યા કે એક મોટી ટીમ તેને ખરીદવાની તૈયારી કરી રહી હતી. પરંતુ તેમ થઈ શક્યું નહીં. આ ટીમ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ.
RCB ગિલને ખરીદવા તૈયાર
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંગલુરુ ફ્રેન્ચાઈઝીએ તાજેતરમાં જ શુભમન ગિલ સાથે હરાજી અંગે ચર્ચા કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગિલને RCB ફ્રેન્ચાઈઝીમાં લાવવા પાછળનો વિચાર ટીમને ભવિષ્ય માટે તૈયાર કરવાનો હતો. આવી સ્થિતિમાં બેંગલુરુએ ગિલનો સંપર્ક કર્યો પરંતુ આ ચર્ચા સફળ ન થઈ અને બેંગલુરુ ગિલને હરાજીમાં આવવા માટે મનાવી શક્યું નહીં. તેનું એક મોટું કારણ ગિલનો ગુજરાત ટાઈટન્સમાં રહેવાનો નિર્ણય છે. ગિલે તેની વર્તમાન ટીમ સાથે રહેવાનું નક્કી કર્યું છે, જ્યાં તે છેલ્લી 3 સિઝનથી છે.
ગિલે લીધો મોટો નિર્ણય
ગુજરાતે ગત સિઝનમાં જ ગિલને કેપ્ટન બનાવ્યો હતો અને તે આ ફ્રેન્ચાઈઝી સાથે ભાવિ ટીમનો ભાગ બનવા માંગે છે. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગિલે ટીમ પ્રત્યે વફાદારી જાળવવાને પ્રાથમિકતા આપી હતી, તેથી તેણે હરાજીમાં આવવાને બદલે ગુજરાત સાથે રહેવાનું વધુ સારું માન્યું હતું. એટલું જ નહીં, રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગિલ રિટેન્શન લિસ્ટમાં બીજા સ્થાને રહેવા માટે રાજી થઈ ગયો છે, એટલે કે તેને સૌથી વધુ પગાર નહીં મળે. ગિલે આ અફઘાન સુપરસ્ટાર રાશિદ ખાન માટે કર્યું હતું, જેને પ્રથમ રિટેન્શન બનાવવામાં આવશે.
આ પણ વાંચો: IPL Retention : રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ સાથે 9 વર્ષની સફરનો અંત, DC આ 4 ખેલાડીઓને કરશે રિટેન