LSG vs MI: કૃણાલ પંડ્યાએ એવુ કામ કર્યુ જે ધોનીએ ચેન્નાઈમાં કર્યુ હતુ, લખનૌના ચાહકોનો આભાર ગ્રાઉન્ડમાં ચક્કર લગાવી કર્યુ-VIDEO
Krunal Pandya-MS Dhoni: લખનૌ સુપર જાયન્ટ્સે મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યુ હતુ. રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં લખનૌએ જીત મેળવી હતી. આ જીત જબરદસ્ત હતી.
ધોનીએ ચેન્નાઈની ટીમની હોમ ગ્રાઉન્ડ પર અંતિમ લીગ મેચ બાદ ચાહકોનો આભાર માન્યો હતો. ધોનીએ આ માટે ચેપોક સ્ટેડિયમમાં મેદાનમાં ચક્કર લગાવ્યુ હતુ અને તેની સાથે CSK ના ખેલાડીઓ પણ જોડાયા હતા. ધોનીના આ કામને લઈ સ્ટેડિયમનો માહોલ બદલાઈ ગયો હતો. કૃણાલ પંડ્યાએ ટીમ લખનૌને હોમ ગ્રાઉન્ડ પર IPL 2023 સિઝનની અંતિમ લીગ મેચ રમ્યા બાદ લખનૌના ચાહકોનો આભાર માન્યો હતો. લખનૌને કહ્યુ હતુ આગામી વર્ષે ફરી મળીશું.
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ CSK માટે સિઝનમાં અંતિમ લીગ મેચ હતી. જોકે પ્લેઓફમાં ટીમ પહોંચશે તો, ફરીથી ચેપોકમાં ચેન્નાઈની ટીમ જોવા મળશે. પરંતુ તે હજુ જો અને તો છે. આમ હોમ ગ્રાઉન્ડ પર સિઝનમાં લીગ મેચ પૂર્ણ થતા જ ધોની પોતાની ટીમના ચાહકોનો આભાર માનવાનુ ભૂલ્યો નહોતો. એક રીતે ઘણાને એ વાતની નિરાશા હતી કે, કદાચ ધોની વિદાયની ઝલકતો નથી બતાવી રહ્યો ને.
ઈકાનામાં લગાવ્યુ ચક્કર
કેએલ રાહુલ ઈજાને લઈ સિઝનથી બહાર થઈ ચુક્યો છે. ગુજ્જુ ખેલાડી કૃણાલ પંડ્યા લખનૌની ટીમનો મહત્વનો હિસ્સો છે. લખનૌની ટીમનુ સુકાન રાહુલની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યાને સોંપવામાં આવ્યુ છે. કૃણાલ પંડ્યાએ અંતિમ બંને મેચમાં લખનૌને જીત અપાવી છે. ઈકાના સ્ટેડિયમમાં મંગળવારે જ્યારે લખનૌની શરુઆત ખરાબ થઈ તો, તેણે સુકાની તરીકે બેટિંગ કરતા ટીમને પડકારજનક સ્કોર માટે આગળ વધારી હતી. આ માટે માર્ક્સ સ્ટોઈનિસ સાથે મળીને મહત્વની ભાગીદારી રમત રમી હતી. જોકે તે 49 રન નોંધાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો.
જીત બાદ કૃણાલ પંડ્યાએ ઈકાના સ્ટેડિયમના મેદાનમાં ચક્કર લગાવ્યુ હતુ. તેની સાથે ટીમના ખેલાડીઓ પણ જોડાયા હતા. લખનૌના ચાહકોનો કૃણાલ પંડ્યાએ આભાર માન્યો હતો. દર્શકો અને ચાહકોએ દર્શાવેલા સપોર્ટને લઈ આભાર માન્યો હતો. કૃણાલ પંડ્યાનો સુકાની તરીકેનો ચક્કર લગાવતો આ અંદાજ જબરદસ્ત હતો.
View this post on Instagram
5 રને રોમાંચક વિજય
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને લખનૌની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ. લખનૌએ ઝડપથી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઈનીસે બાજી સંભાળી હતી. મુંબઈ સામે 3 વિકેટ ગુમાવીને 178 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. મુંબઈની ટીમે જબરદસ્ત શરુઆત કરવા છતાં અંતમાં 20 ઓવરમાં 172 રન નોંધાવી શકી હતી. આમ 5 રનથી લખનૌ સામે મુંબઈનો પરાજય થયો હતો. અંતિમ ઓવરમાં મોહસીન ખાને 11 રન બચાવતી બોલિંગ કરી હતી.