IND vs NZ 2nd Test: વાનખેડેમાં ફરીથી ચાલશે ટીમ ઇન્ડિયાનો જાદુ, કોહલી અને અશ્વિન કરી શકશે કિવી ટીમને કાબુ?
વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા (Team India) નો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. અહીં ટીમ ઈન્ડિયાને 9 વર્ષ પહેલા ઈંગ્લેન્ડ સામે છેલ્લી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ શુક્રવાર 3 ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. આ સાથે વાનખેડે ખાતે 5 વર્ષની લાંબી રાહ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી થઈ રહી છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ 8 થી 12 ડિસેમ્બર 2016 દરમિયાન ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી જેમાં ભારતીય ટીમે એક દાવ અને 36 રને જીત મેળવી હતી.

Virat Kohli

જો વાનખેડેના ટેસ્ટ રેકોર્ડની વાત કરીએ તો અહીં ભારતનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 25 ટેસ્ટ રમાઈ છે, જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે, જ્યારે સાતમાં હાર અને સાત મેચ ડ્રો રહી છે. ભારતની અંતિમ વાર ટેસ્ટમાં હાર 9 વર્ષ પહેલા નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે થઈ હતી.

આ મેદાન પર પ્રથમ ટેસ્ટ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જાન્યુઆરી 1975માં રમાઈ હતી, જેમાં ભારત 201 રનથી હારી ગયું હતું. ભારતે આ મેદાન પર 1976માં પ્રથમ ટેસ્ટ 162 રને જીતી હતી જેમાં સુનીલ ગાવસ્કરે 119 રન બનાવ્યા હતા. તે મેચ પણ ન્યુઝીલેન્ડ સામે હતી. આ મેદાન પર સૌથી વધુ 1122 રન (20 ઇનિંગ્સ, 56.10 એવરેજ, 5 સદી)નો રેકોર્ડ ગાવસ્કરના નામે છે.

સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેએ અહીં 14 ઇનિંગ્સમાં 38 વિકેટ લીધી છે. તેના પછી ટીમ ઈન્ડિયાનો વર્તમાન સ્ટાર છે રવિચંદ્રન અશ્વિન (Ashwin), જેણે 8 ઈનિંગ્સમાં 30 વિકેટ ઝડપી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. ભારત માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની વિશ્વસનીયતા દાવ પર છે. આ સિરીઝની છેલ્લી મેચ છે અને ટીમ ઈન્ડિયા તેને કોઈપણ સંજોગોમાં જીતવા ઈચ્છશે, નહીં તો ઘરઆંગણે રમીને પણ ટેસ્ટ શ્રેણી ન જીતવાનો ડાઘ રહેશે.