ગૌતમ ગંભીરની નોકરી ચેપલ કરતાં વધુ સમય નહીં ચાલે… પર્થમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચની ઉડી મજાક
જ્યારથી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે ત્યારથી જ તેમના વિરુદ્ધ નિવેદનો આવી રહ્યા છે હવે ન્યુઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર અને ફેમસ કોમેન્ટેટર સાઈમન ડૂલે તેમના વિશે મોટું નિવેદન આપ્યું છે. જે ગંભીર અને તેના ફેન્સને બિલકુલ પસંદ નહીં આવે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં બધાની નજર માત્ર ભારતીય ખેલાડીઓ પર જ નથી, લોકો મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પણ નજર રાખી રહ્યા છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા છેલ્લી ટેસ્ટ સિરીઝ 0-3થી હારી ગઈ હતી અને ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પણ હારી જાય છે તો તેનું પત્તું કપાઈ શકે છે. હવે ન્યુઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સાઈમન ડૂલે પર્થ ટેસ્ટ પહેલા મોટી વાત કહી છે. સાઈમન ડૂલ પર્થ ટેસ્ટમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે અને તે પહેલા તેણે ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું હતું. ડૂલે કહ્યું કે જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 1-4થી હારે છે તો ગૌતમ ગંભીર કોચપદ ગુમાવી શકે છે.
ગંભીરને નિશાન બનાવ્યો
માઈક આથર્ટને ગંભીર અને પોન્ટિંગ વચ્ચે નિવેદનબાજી પર મુદ્દે સાઈમન ડૂલને સવાલ કર્યો હતો. આના પર ડૂલે કહ્યું, ‘ગંભીરનો કાર્યકાળ ગ્રેગ ચેપલ કરતા ઓછો હોઈ શકે છે. ટીમ ઈન્ડિયાને આ સમયે ગૌતમ ગંભીર જેવા કોચની જરૂર છે. તે ખેલાડી સાથે બેસે છે અને તેની સાથે વાત કરે છે અને તેને સારૂ પ્રદર્શન કરાવે છે. પરંતુ આ વખતે કાર્ય થોડું મુશ્કેલ છે. એક મોટી શ્રેણી આવી રહી છે અને ગંભીર ક્યારેય મીડિયા સાથે મિત્રતા દાખવશે નહીં, જો ઓસ્ટ્રેલિયામાં પરિણામ તેના પક્ષમાં નહીં આવે, પછી તે 4-1 હોય કે 5-0, મને નથી લાગતું કે તે પોતાનું પદ જાળવી રાખશે.
ગંભીર પર સવાલો ઉઠી રહ્યા છે
જ્યારથી ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી છે ત્યારથી ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ટીમ શ્રીલંકામાં વનડે શ્રેણી હારી ગઈ હતી અને ત્યારબાદ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ સામે 3-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ગંભીર અંગે એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેણે એવા ખેલાડીઓને પસંદ કર્યા છે જેમને રોહિત-વિરાટ ટીમમાં પસંદ નહોતા કરતા, જોકે આ અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી. હવે તમામની નજર ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. જો ટીમ ઈન્ડિયા જીતશે તો ગંભીરને શ્રેય મળશે અને જો હારશે તો ટીકાઓ સહન કરવી પડશે.
આ પણ વાંચો: IND vs AUS : પર્થ ટેસ્ટમાંથી બે ખેલાડી પત્તું કપાશે, પ્લેઈંગ-11 પર થયો ચોંકાવનારો ખુલાસો