International Tea Day : ચા પ્રેમીઓ માટે ચેતવણી ! જો આ 5 ભૂલો કરી તો હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
ભારતમાં મોટાભાગના લોકોને 'ચા' મળે એટલે સમજવું કે તેમને ભગવાન મળી ગયા. સવારની શરૂઆત હોય કે પછી સાંજનો થાક હોય કોઈ પણ સંજોગમાં ભારતીયો ચા પીવાનું છોડતા નથી.

ઘણા લોકો માટે ચા માત્ર એક પીણું નથી પરંતુ એક લાગણી છે. એવામાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ફક્ત ચા પ્રેમીઓ માટે જ ઉજવવામાં આવે છે. 'આંતરરાષ્ટ્રીય ચા દિવસ' દર વર્ષે 21 મેના રોજ ઉજવવામાં આવે છે.

જાણીને નવાઈ લાગશે પણ કેટલાંક લોકો ચા પીતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા અને છેવટે તબિયત બગાડી બેસે છે. તો ચાલો જાણીએ કે, ચા પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ખાલી પેટે ચા પીવી: કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ચા પીવે છે, જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે. ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત, તેનાથી ગેસ, બળતરા અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, ચા પીતા પહેલા હુંફાળું પાણી પીવો અથવા કોઈ ફળ ખાવાનું શરૂ કરી દો.

વધુ પડતી ચા પીવી: ચાના શોખીનો દિવસમાં બે કે તેથી વધુ વાર ચા પીવે છે, તો તેનાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે. આનાથી પૂરતી ઊંઘ નથી આવતી તેમજ ગભરાટ અને થાક લાગી શકે છે. તેથી દિવસમાં 2 કપથી વધુ ચા ન પીવો અને મોડી રાત્રે તો ચા પીવાનું ટાળી જ દો.

ઉકળતી ચા પીવી: કેટલાક લોકો ચાને 10-15 મિનિટ સુધી ઉકાળે છે જેથી તેનો સ્વાદ વધે અને સારી સુગંધ આવે. જો કે, ખરી વાત તો એ છે કે આવું કરવાથી 'ચા'માં રહેલા ટેનીન અને કેફીનનું પ્રમાણ વધી જાય છે. આનાથી પાચનતંત્રને સીધી અસર થાય છે, આથી આવી સ્થિતિમાં 'ચા'ને વધુ ન ઉકાળો.

જમ્યા પછી તરત જ ચા પીવી: કેટલાક લોકોને જમ્યા પછી ચા પીવાની આદત હોય છે. જણાવી દઈએ કે, જમ્યા પછી તરત જ ચા પીવાથી ખોરાકમાં રહેલા આયર્ન અને પોષક તત્વોનું શોષણ ઓછું થઈ જાય છે. આથી જમ્યા પછી ચા પીવાનું ટાળવું જોઈએ. જો તમારે ચા પીવી હોય, તો જમ્યાના 30-45 મિનિટ પછી જ ચા પીવો.

વધુ પડતી ખાંડ નાખવી: કેટલાક લોકોને મીઠી ચા ખૂબ જ ગમે છે પરંતુ વધારે પડતી મીઠી ચા પીવાથી બ્લડ સુગર, મોટાપા અને ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ શકે છે. જો શક્ય હોય તો ચામાં ખાંડ ઓછી નાખો અથવા ગોળ અને મધનો ઉપયોગ કરો.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
