3જી વનડેમાં હાર બાદ કેપ્ટન ગિલનું ‘મોટું નિવેદન’, કહ્યું- “વર્લ્ડ કપ પહેલાં આ સારો સંકેત નથી”
વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં 351 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યા પછી પણ ભારતની હારથી ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે. આ શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું એક સનસનાટીભર્યું નિવેદન સામે આવ્યું છે. ગિલે કહ્યું કે, "વર્લ્ડ કપ પહેલાં આ બિલકુલ સારો સંકેત નથી." આખરે ટીમ ઈન્ડિયાની એવી કઈ મોટી નબળાઈઓ બહાર આવી ગઈ કે, જેને કારણે જીતેલી મેચ ભારતના હાથમાંથી છીનવાઈ ગઈ?

ભારતીય ટીમ ઘરઆંગણે રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રણ મેચોની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી નથી, જેમાં ન્યૂ ચંદીગઢમાં રમાયેલી શ્રેણીની ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 351 રનનો સ્કોર બનાવ્યો હતો, જે બાદ વિન્ડીઝ ટીમ તરફથી તેના કેપ્ટન શાઈ હોપે શાનદાર અણનમ 162 રનની ઈનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી.

બીજું કે, ત્રીજી વનડે મેચમાં મળેલી હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે 'ડેથ ઓવર્સ બોલિંગ' અને 'ખરાબ ફિલ્ડિંગ' નો ઉલ્લેખ કર્યો છે.

વેસ્ટ ઈન્ડીઝ સામેની આ વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ ઉપરાંત ખરાબ ફિલ્ડિંગ એક મોટો માથાનો દુખાવો રહી છે, જેમાં સિરીઝ દરમિયાન મહત્ત્વના મોકા પર ફિલ્ડિંગ વખતે કેચ છોડી દેવામાં આવ્યા હતા.

આ અંગે ભારતીય કેપ્ટન શુભમન ગિલે ત્રીજી વનડે મેચ બાદ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, "અમારી ફિલ્ડિંગ વધુ સારી થઈ શકતી હતી. પૂરી શ્રેણીમાં અમે કદાચ 6 કે 7 કેચ છોડ્યા, જે વર્લ્ડ કપ પહેલાં સારો સંકેત નથી. તમે ઈચ્છો છો કે, તમારી ફિલ્ડિંગ ટોપ ક્લાસ હોય. આ સિવાય ડેથ બોલિંગમાં સુધારાની જરૂર છે. ક્યારેક અમે પૂરી રીતે સ્પષ્ટ નથી હોતા કે, અમે અટેક કરી રહ્યા છીએ કે ડિફેન્ડ? ખાસ કરીને, જ્યારે અમે ડેથ ઓવર્સમાં બોલિંગ કરી રહ્યા હોઈએ છીએ. આવી મેચમાં જો સામેવાળી ટીમની 5 કે 6 વિકેટ પડી ગઈ હોય, તો તમે ક્યારેય ચોક્કસપણે કહી શકતા નથી કે કઈ ફિલ્ડિંગ સેટ કરવાની છે? શું અમે ખૂબ જલ્દી ડેથ બોલિંગ મોડમાં જઈ રહ્યા છીએ કે હજુ પણ મિડલ ઓવર્સની જેમ બોલિંગ કરી રહ્યા છીએ? મને લાગે છે કે, આ કેટલીક એવી જગ્યાઓ છે કે; જ્યાં અમારે ચોક્કસપણે વધુ સારું થવાની જરૂર છે."

શુભમન ગિલે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, "અમે આ શ્રેણી દરમિયાન ઘણી સારી બાબતો પણ કરી. મને લાગે છે કે, હજુ પણ કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં સુધારાની જરૂર છે. આ મેચ અમારા કંટ્રોલમાં હતી પરંતુ ઝાકળના કારણે ચાર ઓવર પાછળ રહેવા અને અંતે ડેથ ઓવર્સમાં અમારા હાથ પરથી મેચ સરકી ગઈ. મને લાગે છે કે, હજુ પણ કેટલીક ખામીઓ છે."

ત્રીજી વનડેમાં ગિલ માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એવામાં ગિલે કહ્યું કે, "જ્યારે પણ તમે જલ્દી આઉટ થાઓ છો, ત્યારે હંમેશા નિરાશા થાય છે. મને નથી લાગતું કે, આજે તે બોલ પર હું કંઈ બીજું કરી શક્યો હોત."
અકસ્માતમાં માંડ માંડ બચ્યો ક્રિકેટર, આજે સેલિબ્રેટ કરી રહ્યો છે 29મો જન્મદિવસ, જુઓ ફોટો
