કોઈ સારી વાત થાય કે તરત જ આપણે બોલી ઊઠીએ છીએ… ‘ટચવુડ!’ પણ આ શબ્દ પાછળનું રહસ્ય જાણીને તમે ચોંકી જશો!
આપણે સારી વાત કર્યા પછી તરત જ ‘Touchwood’ કેમ કહીએ છીએ? જાણો આ રસપ્રદ પરંપરા પાછળનો ઇતિહાસ, મનોવિજ્ઞાન અને દુનિયાભરમાં જોવા મળતી તેની અનોખી રીતો.!

જ્યારે આપણે કોઈ સારી વાત કરીએ છીએ, સફળતાની આશા વ્યક્ત કરીએ છીએ અથવા ભવિષ્યમાં કંઈક સારું થવાની અપેક્ષા રાખીએ છીએ, ત્યારે ઘણીવાર ‘Touchwood’ કહીએ છીએ. આમ કહેવા પાછળ એવી માન્યતા છે કે સારી વાતને કોઈની ખરાબ નજર ન લાગે કે તેમાં કોઈ વિઘ્ન ન આવે. લાકડાને સ્પર્શ કરવો એ અનિષ્ટથી બચવા અને સારા નસીબને જાળવી રાખવાની પ્રતીકાત્મક રીત માનવામાં આવે છે.

પેગન માન્યતા મુજબ, વૃક્ષોમાં દેવતાઓ, પરીઓ, એલ્ફ્સ અને વનઆત્માઓ જેવા અલૌકિક અસ્તિત્વોનો વાસ હોવાનું મનાતું હતું. એવું માનવામાં આવતું કે લાકડાને સ્પર્શ કરવાથી અથવા તેના પર ટકોરા મારવાથી દુષ્ટ આત્માઓનું ધ્યાન ભટકે છે અને તેઓ વ્યક્તિની આશાઓ કે ઇચ્છાઓ સાંભળી શકતા નથી. કારણ કે જો તેઓ આ વાતો જાણી જાય તો ઇચ્છાઓ પૂર્ણ થવામાં વિઘ્ન ઊભું કરી શકે છે.

અંગ્રેજી શબ્દપ્રયોગ ‘ટચવુડ’ પશ્ચિમી સંસ્કૃતિમાંથી ઉદ્ભવ્યો હોવાનું મનાય છે. એક માન્યતા મુજબ, ઈસુ ખ્રિસ્તને જે લાકડાના ક્રોસ પર ચઢાવવામાં આવ્યા હતા, તે લાકડું અત્યંત પવિત્ર માનવામાં આવતું હતું. તે લાકડાને સ્પર્શ કરવાનો અર્થ ઈશ્વરના શરણે જવું એવો થતો હતો. આ માન્યતામાંથી ટચવુડની પરંપરા લોકજીવનમાં પ્રચલિત થઈ અને ધીમે ધીમે રોજિંદા જીવનનો હિસ્સો બની ગઈ. આ ઉપરાંત, જર્મેનિક અને સેલ્ટિક સંસ્કૃતિઓમાં પણ વૃક્ષોને પવિત્ર માનવાની પરંપરા રહી છે.

તુર્કીમાં ‘Touchwood’ જેવી પરંપરાને ‘Tahtaya Vurmak’ કહેવામાં આવે છે. તેમાં કોઈ શુભ વાત કર્યા પછી વ્યક્તિ એક કાનનો નીચેનો ભાગ પકડીને મોંથી ‘ત્સ’ જેવો અવાજ કરે છે અને ત્યારબાદ લાકડા પર બે કે ત્રણ વખત ટકોરા મારે છે. તુર્કીની લોકમાન્યતા મુજબ, આ ક્રિયા કરવાથી દુર્ભાગ્ય અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે તથા કહેવેલી સારી વાત પર કોઈ ખરાબ અસર થતી નથી.

બ્રાઝિલમાં પણ ‘Touchwood’ જેવી પરંપરા પ્રચલિત છે, જેને ત્યાં ‘Bater na Madeira’ કહેવામાં આવે છે. કોઈ શુભ વાત કર્યા પછી કે ભવિષ્ય અંગે આશા વ્યક્ત કર્યા બાદ લોકો લાકડા પર ત્રણ વખત ટકોરા મારે છે. બ્રાઝિલની લોકમાન્યતા મુજબ, આમ કરવાથી દુર્ભાગ્ય દૂર રહે છે અને ઈર્ષ્યા, ખરાબ નજર તથા નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે.

ભારતમાં ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચવા માટે અનેક પરંપરાઓ પ્રચલિત છે. તેમાં કાળું ટીલું કરવું, ઘરની બહાર લીંબુ-મરચાં લટકાવવાં, પૂજા-પાઠ કરવાં અને હાથ કે પગમાં કાળો દોરો બાંધવો જેવી માન્યતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતના વિવિધ પ્રદેશો અને સમુદાયોમાં આવી અનેક અલગ-અલગ પરંપરાઓ જોવા મળે છે. આવી પરંપરાઓ પાછળનો હેતુ ખરાબ નજર અને નકારાત્મક અસરોથી બચવાનો હોય છે.

લાકડાને સ્પર્શ કરવાની આ પરંપરા પાછળનું મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સુરક્ષા માટે ‘Touchwood’ કહીને લાકડાને સ્પર્શ કરે છે, ત્યારે તેને માનસિક સંતોષ અને સુરક્ષાની લાગણી થાય છે. આ નાનકડી ક્રિયા મનમાં રહેલો ભય ઓછો કરવામાં મદદ કરે છે અને એક પ્રકારના સકારાત્મક આત્મવિશ્વાસ તરીકે કામ કરે છે. પરિણામે તણાવ ઘટે છે અને વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
આ પણ જાણો, ટ્રાફિક ચલણના મેસેજ પાછળ છુપાયેલું સાયબર જોખમ! માત્ર થોડી ક્ષણોમાં લાખોનું નુકસાન?