મહેસાણા: વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, 16 દેશના 42 પતંગબાજો અને 6 રાજ્યોના 28 પતંગ બાજો લઈ રહ્યા છે ભાગ- જુઓ તસ્વીરો
મહેસાણા: વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. જેમા 16 દેશના 42 પતંગ બાજો જ્યારે 6 રાજ્યોના 28 પતંગબાજોએ આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીના માદરે વતન ખાતે ઉજવાતા પતંગ મહોત્સવનો આનંદ ઉપસ્થિત સહુ પતંગ રસીયાઓ લઈ રહ્યા છે. પતંગબાજો માટે આ પતંગોત્સવ માણવાનો આ એક લ્હાવો બની રહેશે.


વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. વડનગરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા 16 દેશના 42 પતંગબાજો અને 6 રાજ્યોના 28 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન ખાતે આયોજિત આ મહોત્સવ જી-20 વસુધૈવ કુટુમ્બકમની થીમ પર આધારીત છે. યુનેસ્કો દ્વારા વડનગરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યુ છે. ત્યારે આ પતંગ ઉત્સવ અને આકાશ વિશ્વ બંધુત્વનો પર્યાય બની રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્દેશ સમજાવતા કલેક્ટરે 16 દેશોના પતંગપ્રેમીઓને આવકાર્યા હતા. તેમજ વડનગરમાં ભવિષ્યમાં થનારા વિકાસના કામો અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે પતંગ મહોત્સવ આગામી સમયમાં વિકાસનો પર્યાય બનશે.

આ પતંગ મહોત્સવમાં બહેરીન, હંગેરી, કોલંબિયા, ઈન્ડોનેશિયા, જાપાન, મેડાગાસ્કા, માલટા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, સ્લોવાકિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, અને યુએસએના 42 પતંગબાજો આવ્યા છે. જ્યારે દેશમાંથી ઓરિસ્સા, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના 28 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોને આવકારવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેને પતંગબાજોએ મનભરીને માણ્યો હતો.

આ પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના દેશપ્રેમના, સનાતન ધર્મના તેમજ પ્રાસંગિક પતંગો ઉડાડી પતંગ રસિયાઓએ વડનગરનું આકાશ વિવિધ પતંગોથી ભરી દીધુ હતુ.

રાજ્યના વિકાસ મોડલને અનુસરીને અન્ય રાજ્યના લોકો પણ પ્રેરિત થઈ રહ્યા છે.

































































