જામનગર : રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલના વરદ હસ્તે પોસ્ટલ કવર તેમજ INS વાલસુરાની કોમેમોરેટીવ બુકનું વિમોચન કરાયું
રાષ્ટ્રપતિએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ તરીકે ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પર વધુ પ્રકાશ પાડ્યો અને નૌસૈનિકોને રાષ્ટ્ર માટે તેમની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવા ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.


જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત કર્યો હતો. જેમાં યોજવામાં આવેલ પરેડમાં 'નિશાન અધિકારી' લેફ્ટનન્ટ અરુણ સિંહ સાંબ્યાલે યુનિટ વતી રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મેળવ્યો હતો.

આ પ્રસંગની યાદમાં રાષ્ટ્રપતિ દ્વારા એક ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું હતું તેમજ વાલસુરાના ઇતિહાસની ગૌરવપૂર્ણ ગાથા રજૂ કરતી મેમોરેટીવ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નેવીના 150 જવાનો દ્વારા રાષ્ટ્રપતિ માટે ગાર્ડ ઓફ ઓનર પરેડ યોજી હતી. નેવીના 24 ટુકડીઓના 150 જવાનો દ્વારા વિશેષ પરેડનું આયોજન કરી ગાર્ડ ઓફ ઓનર અપાયું, અને નેવલ બેન્ડની ધૂન પર ગર્વથી કૂચ કરી હતી. શાંતિ અને યુદ્ધ બંનેમાં રાષ્ટ્રને આપેલી અસાધારણ સેવાની માન્યતામાં લશ્કરી એકમને રાષ્ટ્રપતિનું નિશાન આપવામાં આવે છે.

ભારતીય નૌકાદળએ પ્રથમ ભારતીય સશસ્ત્ર દળ હતું, જેને અગાઉ 27 મે 1951ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટસ કલર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ INS વાલસુરાના તમામ કર્મચારીઓને ઝડપથી બદલાતી ટેક્નોલોજીના યુગમાં વધુ ઊંચાઈ સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી.

INS વાલસુરા મૈત્રીપૂર્ણ વિદેશી નૌકાદળ માટે પસંદગીના તાલીમ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. 15 મિત્રદેશોના નૌકાદળના 1800 તાલીમાર્થીઓને આ અગ્રણી સંસ્થામાંથી અત્યાર સુધીમાં તાલીમ આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિએ INS વાલસુરાના અધિકારીઓ અને ખલાસીઓને દરિયાઈ સરહદોની સુરક્ષા માટે તેમની વ્યાવસાયિકતા અને સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે INS વાલસુરાના જવાનોને ભૂતકાળ અને વર્તમાન એમ બંને રીતે છેલ્લા 79 વર્ષથી રાષ્ટ્રને આપેલી સરાહનીય સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રપતિએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ તરીકે ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પર વધુ પ્રકાશ પાડ્યો અને નૌસૈનિકોને રાષ્ટ્ર માટે તેમની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવા ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.

2001 ના વિનાશક ભૂકંપ પછી નેવી મોડા ગામનું પુનઃનિર્માણ એ સમુદાય સેવા તરફનો પ્રશંસનીય પ્રયાસ હતો. સપ્ટેમ્બર 2021 માં, જામનગરમાં પૂર દરમિયાન, INS વાલસુરાની ટીમો દ્વારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત 400 થી વધુ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રત, ભારતીય નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર.હરીકુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર વાઇસ એડમીરલ એમ.એમ.હમ્પીહોલી, કોમોડોર ગૌતમ મારવાહ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, રેન્જ આઇ.જી. સંદિપ સિંઘ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી તથા અન્ય મહાનુભાવો તથા સેનાની ત્રણેય પાંખના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Latest News Updates
Related Photo Gallery

































































