એ.સી., ટીવી અને લક્ઝુરિયસ સુવિધાઓ ! પરિવાર સાથે રહેવાની પણ છૂટ, શું આવી જેલ ભારતમાં છે?
'જેલ' આ એક એવું નામ કે જેને સાંભળતા જ કોઈ સામાન્ય માણસ ડરી જાય. જો કે, દુનિયામાં કેટલીક એવી જેલો છે કે જ્યાં રહેવું કોઈ લક્ઝરીથી ઓછું નથી, તો ચાલો જાણીએ એવી તો કઈ જેલ છે કે જ્યાં કેદીઓને રહેવાની મજા પડી જાય છે.

દુનિયાના કેટલાક દેશોમાં એવી જેલો જોવા મળે છે કે, જ્યાંની સુવિધાઓ જોઈને કોઈ પણ કેદી પાછો પોતાના ઘરે જવા ઇચ્છશે નહીં. હવે પ્રશ્ન એ છે કે કેદીઓને આવી આરામદાયક સુવિધાઓ શા માટે આપવામાં આવે છે?

નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલૅન્ડ જેવા કેટલાક દેશો એવા છે કે જ્યાં ખાસ પ્રકારની જેલ બનાવવામાં આવી છે. આ જેલનો હેતુ માત્ર કેદીઓને સજા આપવાનો નથી પરંતુ તેમને ફરીથી સારું જીવન જીવવાની તક આપવા માટે બનાવવામાં આવી છે.

અહેવાલો અનુસાર અહીં કેદીઓને ટીવી, ફ્રિજ અને રમવા માટેના મેદાન જેવી તમામ સુવિધાઓ મળી આવે છે. આ સિવાય કેટલીક જેલોમાં કેદીઓને તેમના પરિવાર સાથે રહેવાની પણ છૂટ આપવામાં આવે છે.

સ્પેનની અરેન્જુએલ જેલમાં, કેદીઓને તેમના પરિવાર સાથે સમય વિતાવવાની છૂટ આપવામાં આવે છે. આ જેલ કાચથી બની છે અને તેમાં ટીવી, ફ્રિજ અને બાસ્કેટબોલ રમવા માટેનું મેદાન પણ બનાવવામાં આવ્યું છે.

ન્યુઝીલેન્ડની ઓટેગા જેલમાં કેદીઓને રસોઈ અને ખેતીની તાલીમ આપવામાં આવે છે. આ સાથે જ તેમને કડક સુરક્ષા હેઠળ પણ રાખવામાં આવે છે. અહીં તેમને વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવાનું અને અનેક પ્રકારના પાક ઉગાડવાનું શીખવવામાં આવે છે, જેથી તેઓ સજા પૂરી કર્યા પછી પોતાનું જીવન સારી રીતે જીવી શકે અને ખોટા રસ્તે જઈને પૈસા કમાવાની જરૂર ન પડે.

સ્વિટ્ઝર્લૅન્ડની ચેમ્પ-ડોલન જેલ એવી જગ્યા છે કે, જેને વર્ષ 2011માં 40 મિલિયન ડોલર ખર્ચીને આધુનિક રીતે બનાવવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ જેલ કોઈ લક્ઝરી હોટલથી ઓછી નથી લાગતી. અહીં કેદીઓને ખાનગી બાથરૂમ, આરામદાયક રૂમ તથા મનોરંજન માટે ટીવી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે. આવા જ સમાચાર એક ક્લિક કરીને વાંચો અને તમારૂ નોલેજ વધારો.
